અમદાવાદ સહિત રાજ્યની અલગ-અલગ 9 જેટલી ખાનગી યુનિવર્સિટીઓમાં SC, ST અને OBC સમાજના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોવાના આક્ષેપ લાગ્યો છે. ખાનગી યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને ઓબીસી કેટેગરીના વિધાર્થીઓનું મેરીટ લિસ્ટ બનાવ્યા વિના આ યુનિવર્સિટીઓમાં સીધો પ્રવેશ ફાળવી દેવામાં આવતો હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે આ મામલે આ તમામ યુનિવર્સિટીના સંચાલકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગ કરી છે.
NSUI એ શિક્ષણમંત્રીને પત્ર લખ્યો
NSUI એ શિક્ષણમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી છે કે, ગુજરાતની ખાનગી યુનિવર્સિટીમાં SC વિદ્યાર્થીઓની અનામતના 7 ટકા, STના 15 ટકા અને OBCના 27 ટકા લેખે પ્રવેશ ફાળવવાનો હોય છે પરંતુ, મોટાભાગની ખાનગી યુનિવર્સિટીમાં SC,ST અને OBCના વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બનાવ્યા વિના સીધો જ પ્રવેશ ફાળવી દે છે. આ વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણમાં આગળ ન વધી શકે એવી માનસિકતાથી પ્રવેશ ફાળવવામાં આવતો નથી અને વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવે છે. તેથી આવી તમામ યુનિવર્સિટીના સંચાલકો અને રજિસ્ટ્રાર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો: લગ્નોમાં વાસણ ધોતા છોકરાએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે
9 ખાનગી યુનિવર્સિટીઓ મેટિર વિના પ્રવેશ આપે છે?
NSUI ના નેતા નારાયણ ભરવાડે મીડિયાને જણાવ્યું હતું કે, SC,ST અને OBC કેટેગરીના વિધાર્થીઓ સાથે થઈ રહેલા ભેદભાવ વચ્ચે અત્યારે ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયાને રદ કરી ફરીથી અનામતના નિયમ મુજબ મેરિટ કરી પ્રવેશ આપવામાં આવે તે જરૂરી છે.
નારાયણ ભરવાડે મીડિયાને આપેલી માહિતી મુજબ અમદાવાદની GLS યુનિવર્સિટી, L J યુનિવર્સિટી, ઇન્ડસ યુનિવર્સિટી, J.G યુનિવર્સિટી, સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ, અનંત યુનિવર્સિટી-ગોધાવી, કર્ણાવતી યુનિવર્સિટી-ગાંધીનગર, મારવાડી યુનિવર્સિટી-રાજકોટ, એમિટી યુનિવર્સિટી-રાજકોટમાં એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓનું મેરિટ બનાવ્યા વિના જ પ્રવેશ અપાય છે, તેથી તેના સંચાલકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા પત્ર લખાયો છે.
આ પણ વાંચો: પટેલોએ દલિતોને માર્યા છતાં હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી