ઉત્તર પ્રદેશના એટામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં બે લોકોએ ૧૬ વર્ષની દલિત છોકરીનું અપહરણ કર્યું હતું. તેમણે સગીરાને બંધક બનાવીને દિલ્હી નજીક નોઈડામાં એક નાના ભાડાના રૂમમાં રાખી હતી. દલિત કિશોરીનું આરોપીઓ દ્વારા મહિનાઓ સુધી જાતીય શોષણ કરવામાં આવતું હોવાનો આરોપ છે. તેમણે નિયમિતપણે છોકરીના વીડિયો પણ બનાવ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ, સગીરાના ગોંધી રાખીને તેના પર સતત જાતિવાદી ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને તેને માનસિક રીતે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સગીરા સાથેની ઘટના 24 ડિસેમ્બર 2024 ના રોજ એટાથી શરૂ થઈ હતી. પહેલા એક વ્યક્તિ તેને લલચાવીને નોઈડા લઈ ગયો. તેનો બીજો એક સાથી પણ ત્યાં હતો. બંને આરોપીઓની ઉંમર લગભગ 20 વર્ષની છે. એવો આરોપ છે કે બંને નિયમિતપણે સગીરાને જાતિસૂચક ગાળો ભાંડી તેને માનસિક રીતે હતાશ કરવા પ્રયત્ન કરતા હતા. બંનેએ છોકરીને ધમકી આપી કે જો તે અવાજ કરશે તો તેઓ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર વીડિયો અપલોડ કરશે.
૧૯ એપ્રિલના રોજ ગામમાં મૂકી આવ્યા
આરોપી યુવકો ૧૯ એપ્રિલના રોજ તેને પોતાની કારમાં બેસાડીને એટા લઈ ગયા હતા અને ત્યાંથી તેને એક ગામમાં છોડી મૂકી હતી. એ પછી સગીરા કોઈક રીતે સ્થાનિક ગ્રામજનોનો સંપર્ક કરવામાં સફળ રહી. આ મામલે તેના પિતાએ મંગળવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પિતાની ફરિયાદના આધારે BNS ની કલમ 70(2) (સામૂહિક બળાત્કાર), 115 (ઈરાદાપૂર્વક ઇજા પહોંચાડવી), 352 (ઇરાદાપૂર્વક અપમાન), 351(3) (ગુનાહિત ધાકધમકી) તેમજ POCSO અને SC/ST એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘નાસ્તિકતા’ દુનિયાનો ચોથો સૌથી મોટો ધર્મ બન્યો
છોકરીના પિતા દૈનિક મજૂર છે. તેમણે આ મામલે ન્યાય માટે અપીલ કરી છે. આ કેસમાં એક ઓડિયો ક્લિપ પણ ઓનલાઈન સામે આવી છે, જેમાં એક પુરુષને છોકરીને જાતિસૂચક ગાળો દેતો સાંભળી શકાય છે. વાયરલ ઓડિયો ક્લિપમાં વ્યક્તિને એમ કહેતી સાંભળી શકાય છે કે, અમે તારા પર એસિડ ફેંકીશું.
એસએસપીએ ન્યાયની ખાતરી આપી
એટાના એસએસપી શ્યામ નારાયણ સિંહે આ કેસમાં જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ અમને જાણવા મળ્યું છે કે છોકરી એક આરોપીને જાણતી હતી અને તે જ તેને ફોસલાવીને નોઈડા લઈ ગયો હતો. ત્યાં તેની સાથે બનેલી ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મંગળવારે યુવતીને તબીબી તપાસ માટે મોકલવામાં આવી છે. તે આઘાતમાં છે, પણ સ્થિર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: પ્રેમીએ દલિત યુવતીનો ગર્ભપાત કરાવ્યો, મોત થતા શબ ફેંકી દીધું