અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ગઇકાલે બપોર પછી ત્રણ સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા હતા. મોડીરાત સુધી શોધખોળ બાદ એકય યુવકનો પત્તો લાગ્યો નહોતો. જોકે, વહેલી સવારે ફરીથી શોધખોળ શરૂ કરાતા સાડા સાત વાગ્યાના અરસામાં એટલે કે 15 કલાકે એક યુવકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે ત્રણ યુવકો હજી ગુમ છે, એમની શોધખોળ કરાઇ રહી છે.
વહેલી સવારે એક મૃતદેહ મળ્યો, ત્રણ હજી ગુમ
મળતી માહિતી મુજબ, ગઇકાલે સાડા ચાર વાગ્યાના અરસામાં રાજુલાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં નહાવા ગયેલા ત્રણ સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા હતા. યુવકો ડૂબ્યા હોવાની જાણ થતાં જ ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા અને તુરંત જાણ કરતાં ફાયર ટીમ, પોલીસ કાફલો, મામલતદાર અને ધારાસભ્ય હીરા સોલંકી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ ચારમાંથી એકેય યુવકનો પત્તો લાગ્યો નહોતો. જ્યારે વહેલી સવારે ફરીથી શોધખોળ કરતાં મેરામ ખીમાભાઇ પરમાર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
આ પણ વાંચો: ‘ગુજરાત એટલે મનુવાદીઓનો ગઢ’, રાજકોટમાં ડો.આંબેડકરના પૌત્રના પ્રહારો
કમોસમી વરસાદથી ધાતરવડી નદીમાં પૂર
તાજેતરમાં અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને રાજુલા તાલુકામાં 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. જેથી મોટા ભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ધાતરવડી નદીમાં પણ પૂર આવ્યું છે. નદીમાં ધસમસતા પ્રવાહમાં આ ચારેય યુવકો ડૂબ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ યુવકોને તરતા આવડતું હતું, જોકે, પાણીમાં વમળ સર્જાયું છે એટલે કે પાણી ઘૂમરી મારી રહ્યું છે જેને કારણે તેઓ નદીમાં પ્રવાહમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને ડૂબ્યા હતા.
ધારાસભ્ય હીરા સોલંકીએ શર્ટ કાઢી ડૂબકી લગાવી
ગઇકાલે યુવકોને બચાવવા માટે તંત્રની ટીમ સાથે ધારાસભ્ય હીરા સોલંકીએ પણ નદીમાં ડૂબકી લગાવી હતી, પરંતું તેમના પ્રયત્નો નાકામ રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ત્રણ સગાભાઈ સહિત ચાર લોકો ડૂબ્યા હોવાની જાણ થતાં જ અમે તાત્કાલીક સ્થળ પર આવી પહોંચ્યા છીએ. તરવૈયાની આખી ટીમ પણ આવી પહોંચી છે. તેઓના પરિવારજનો પર મોટુ દુઃખ આવ્યું છે. ત્યારે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ તમામ લોકો સહિસલામત મળી આવે.
આ પણ વાંચો: ‘દલાલોનો સાથ, ખાનગીકરણનો વિકાસ’, મેયરપુત્રે સરકારની પોલ ખોલી
કોનો મૃતદેહ મળ્યો?
મેરામ ખીમાભાઇ પરમાર
કોણ હજુ પણ ગુમ છે?
કાના ખીમાભાઇ પરમાર
ભરત ખીમાભાઇ પરમાર
પીન્ટુ પાછાભાઈ વાઘેલા
આ પણ વાંચો: ગોધરામાં કિન્નરોએ સ્મશાન માટે જમીન માંગી, કાઠિયાવાડનો ધક્કો થાય છે












Users Today : 113