ગુજરાતમાં દલિતો પર અત્યાચારો વધ્યા, 34ની હત્યા, 147 મહિલા પર દુષ્કર્મ

ગુજરાતમાં વર્ષ 2023માં દલિતો પર અત્યાચારના 1373 ગુના નોંધાયા. 88 સગીરા દુષ્કર્મનો ભોગ બની. જાણો બીજી શું હકીકતો સામે આવી.
Dalits NCRB Report 2023

જ્યારથી ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સવર્ણ હિંદુઓની તરફદાર સરકાર સત્તામાં આવી છે ત્યારથી ગુજરાત સહિત ભાજપસાશિત રાજ્યોમાં દલિતો પરના અત્યાચારોમાં સતત વધારો નોંધાતો રહ્યો છે. હાલમાં જ NCRB(નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો) દ્વારા વર્ષ 2023નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં દલિતો પર અત્યાચારો વધ્યા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં દલિતોની સુરક્ષાનો મામલો ચિંતાજનક બન્યો છે. NCRB ના ડેટા મુજબ ગુજરાત દલિત અત્યાચાર મામલે સમગ્ર દેશમાં 12 મા ક્રમે છે. જો કે, આ આંકડાઓ માત્ર પોલીસ ચોપડે નોંધાયેલી દલિત અત્યાચારની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રજૂ કરાયા હોવાથી તેમાં જે મામલામાં ફરિયાદ નોંધાઈ ન હોય તેનો સમાવેશ થયો નથી. અને તેવો આંકડો ખૂબ મોટો હોવાનું જણાય છે.

34 દલિતોની હત્યા થઈ, 147 દલિત મહિલાઓ પર રેપ

NCRB ના રિપોર્ટ મુજબ વર્ષ 2021-22ની સરખામણીએ વર્ષ 2023માં ગુજરાતમાં દલિતો પર અત્યાચારના ગુનાઓમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચારના 1373 ગુના દાખલ થયા છે. જ્યારે 34 દલિતોની હત્યા થઈ છે અને 34 પર હત્યાનો પ્રયાસ કરાયો હતો. 147 દલિત મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની હતી. જેમાં 18 વર્ષથી નાની ઉંમરની 88 દીકરીઓ રેપનો ભોગ બની હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં ઝાડની ડાળી પડતા એક્ટિવાચાલક દલિત યુવકનું મોત

એટ્રોસિટી એક્ટ મુદ્દે પોલીસની નબળી કામગીરી

અનુસૂચિત જાતિના લોકોની સુરક્ષા માટે એટ્રોસિટી એક્ટ(SC-ST Act) જેવો મજબૂત કાયદો અસ્તિત્વ ધરાવતો હોવા છતાં પોલીસ, ન્યાયતંત્ર અને રાજકારણમાં સવર્ણ હિંદુઓના વર્ચસ્વને કારણે દલિતોને ન્યાય મળી શકતો નથી. એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં પોલીસ આરોપીઓને છાવરતી જોવા મળે છે, જેના કારણે તેઓ આસાનીથી છૂટી જાય છે. આરોપીઓને આકરી સજા ન થતા તેઓ વધુ છાકટા બની જાય છે. આ ચક્ર સતત ચાલતું રહે છે.

હાસ્યાસ્પદ આંકડાઃ યુપીમાં દલિતો પર અત્યાચારો ઘટ્યાં

દલિતો પર અત્યાચારના મામલે દેશભરમાં ઉત્તરપ્રદેશ પહેલા નંબરે છે. અહીં એટ્રોસિટી એક્ટ હેઠળ 15130 ગુના નોંધાયા હતા. ત્યારબાદ 8449 કેસો સાથે રાજસ્થાન બીજા નંબરે, 8232 કેસો સાથે મધ્યપ્રદેશ ત્રીજા, 7064 ગુના સાથે બિહાર ચોથા ક્રમે છે. હાસ્યાસ્પદ વાત એ છે કે, યુપી અને રાજસ્થાનમાં અગાઉની સરખામણીએ દલિતો પર અત્યાચાર ઘટ્યા હોવાનું રિપોર્ટ કહે છે. જ્યારે જમીની વાસ્તવિકતા તેનાથી અલગ જણાય છે. યુપીમાં તો દરરોજ દલિત અત્યાચારની કોઈને કોઈ ઘટના સામે આવે છે. તેમ છતાં ત્યાં એટ્રોસિટીના કેસો ઘટ્યા હોવાનું કહેવાયું છે.

ગામડાઓમાં શહેરો કરતા દલિતો પર અત્યાચાર વધુ

ગુજરાતમાં દલિતો પરના અત્યાચારોના ગુના શહેરો કરતા ગામડાઓમાં વધુ જોવા મળે છે. મોટાભાગના કિસ્સાઓમાં સવર્ણ હિંદુઓની દાદાગીરી અને રાજકીય પહોંચને કારણે દલિતો અત્યાચાર સહન કર્યા પછી પણ કેસ દાખલ કરાવી શકતા નથી. અનેક કેસોમાં પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી અને સમાધાન કરી લેવા દબાણ કરે છે.

આ પણ વાંચો: દલિત યુવતીની છેડતીના કેસમાં AAP ધારાસભ્યને 4 વર્ષની જેલ

ગુજરાતમાં ગત વર્ષ કરતા દલિતો પર અત્યાચાર વધ્યા

આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં વર્ષ 2021માં 1201, વર્ષ 2022માં 1279 અને વર્ષ 2023માં 1373 દલિત અત્યાચારના ગુના નોંધાયા હતા. એ રીતે જોઈએ તો અગાઉના બે વર્ષની સરખામણીએ ગુજરાતમાં દલિતો પર અત્યાચારના ગુનાઓમાં વધારો નોંધાયો છે. એ જ રીતે દલિત મહિલાઓની છેડતી, હેરાનગતિ, પીછો કરવો અને જાતિય સતામણીની ઘટનાઓનો આંકડો પણ ચિંતાનજક છે રાજ્યમાં દલિત મહિલાઓની છેડતીના 27 ગુના નોંધાયા હતા, જ્યારે સગીરાની છેડતીની કુલ 42 ફરિયાદો નોંધાઈ હતી. જ્યારે મહિલા પર દુષ્કર્મના 61 ગુના નોંધાયા હતા. સગીરા પર દુષ્કર્મના 88 ગુના નોંધાયા છે, જે ચિંતાજનક બાબત છે.

ગુજરાતમાં વર્ષ 2023માં દલિત અત્યાચારના આંકડા

ગુનાનો પ્રકાર સંખ્યા

હત્યા 34
હત્યાનો પ્રયાસ 34
સામાન્ય હુમલો 154
હથિયારથી હુમલો 92
જાતિસૂચક અપમાન 92
અપહરણ 33

દલિત મહિલા-સગીરા પર અત્યાચારના આંકડા

ગુનાનો પ્રકાર સંખ્યા
મહિલા પર હુમલા 50
સગીરાની છેડતી 42
મહિલાની છેડતી 27
જાતિય સતામણી 12
બળજબરી 01
પીછો કરવો 02
POCSO ગુનાઓ 08
મહિલા પર દુષ્કર્મ 61
સગીરા પર દુષ્કર્મ 88

આ પણ વાંચો: ગુજરાતમાં દલિતોએ હવે જાતિ સાબિત કરવા આધારકાર્ડ સાથે રાખવું પડશે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x