ગુજરાતમાં હવે આગામી દિવસોમાં દલિતોએ પોતાની જાતિની ઓળખ સાબિત કરવા માટે આધારકાર્ડ, જાતિનો દાખલો કે અન્ય પુરાવા ખિસ્સામાં સાથે રાખવા પડે તેવી સ્થિતિ આવી પહોંચી છે. કેમ કે, ગમે ત્યારે કોઈપણ જાતિવાદી તત્વો તમારી જાતિ પૂછી શકે છે અને જો તેમને શંકા જણાય તો ખાતરી કરવા માટે તમારું આધારકાર્ડ, જાતિનો દાખલો કે અન્ય કોઈપણ પુરાવા માંગી શકે છે. અને જો તમે દલિત છો એવો ખ્યાલ આવશે તો તમને માર પણ મારી શકે છે. આ કોઈ મજાક નથી પરંતુ આવી એક ઘટના ખરેખર બની છે.
મામલો હિંમતનગરનો છે. જ્યાં એક દલિત યુવકને એક પટેલ શખ્સે તેની જાતિ પૂછ્યા બાદ, ખરાઈ કરવા આધારકાર્ડ માંગ્યું હતું અને દલિત હોવાની જાણ થતા તેને થપ્પડો મારી ગામ બહાર કાઢી મૂક્યો હતો. આ મામલે દલિત યુવકે એટ્રોસિટી એક્ટ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના 26 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજના સમયે બની હતી. હિંમતનગરના ખેડાવાડા લક્ષ્મીપુરા ગામનો દલિત યુવાન શૈલેષ સોલંકી બલોચપુરમાં એક ચોકડી પાસે વાહનની રાહ જોતો ઉભો હતો. એ દરમિયાન ધનસુરાનો ભરત પટેલ નામનો શખ્સ સ્કૂટર પર ત્યાં આવી પહોંચ્યો હતો અને તે શૈલેષને તેની જાતિ પૂછવા લાગ્યો હતો. જ્યારે શૈલેષે પોતાની ઓળખ આપી ત્યારે ભરતે તેની પાસે આધારકાર્ડ માંગ્યું હતું.
આ પણ વાંચો: દલિતોને ઠાકોરજીના દર્શન કરવા હતા, સવર્ણોએ કહ્યું, ‘દલિતોને નો એન્ટ્રી’
આધાર કાર્ડ બતાવતાં જ, ભરતે ફરીથી શૈલેષને તેની ‘સોલંકી’ અટક વિશે પૂછપરછ કરી હતી અને જ્યારે તેને ખબર પડી કે તે ‘દલિત’ છે, ત્યારે તેણે તેને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું અને જાતિસૂચક અપશબ્દો કહીને તેને થપ્પડો મારી દીધી હતી. એ દરમિયાન ટીટપુર ગામના નરેન્દ્રસિંહ પરમાર અને જગતસિંહ પરમાર ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.
જોકે ભરત પટેલ એ પછી પણ શાંત પડ્યો નહોતો અને તે શૈલેષ સોલંકીને પોતાના સ્કૂટર પર બળજબરીથી બેસાડીને ઘોરવાડા ગામ નજીક લઈ ગયો હતો અને ત્યાં તેને ધમકી આપીને ઉતારી મૂક્યો હતો. સાથે જ, જો તે ફરી અહીં દેખાશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકી પણ આપી હતી.
આ ઘટના બાદ શૈલેષ સોલંકી અને તેમના પરિવારજનો નરેન્દ્રસિંહ અને જગતસિંહને મળ્યા હતા, બંનેએ આ ઘટનામાં સાક્ષી બનવાની તૈયારી બતાવતા શૈલેષ સોલંકીએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદના સાબરમતીમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ











Users Today : 824