દેશમાં હાલ યુજીસીના સમાનતા બિલને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ભૂતકાળમાં જે રીતે અનામતને લગતા મોટાભાગના ચૂકાદાઓ સવર્ણોની તરફેણમાં આવ્યા છે, તેવું જ આ ઘટનામાં પણ બન્યું હોવાનું એસસી, એસટી, ઓબીસી સમાજના બૌદ્ધિકો માની રહ્યાં છે.
સવર્ણોના કથિત દબાણ સામે શરણાગતિ સ્વીકારીને સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમો પર સ્ટે મૂક્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે દેશમાં ન્યાયતંત્રમાં બહુજન સમાજના જજોની ઓછી સંખ્યાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. જાણકારોનું કહેવું છે કે, કોલેજિયમ સિસ્ટમથી ચોક્કસ પરિવારોના દીકરા-દીકરીઓ જ સુપ્રીમ કોર્ટમાં જજ બને છે, અને તેમાં મોટાભાગના જજો સવર્ણો છે. જેઓ એસસી, એસટી, ઓબીસી સમાજને લગતા અનામત સહિતના મહત્વના મોટાભાગના નિર્ણયો સવર્ણોની તરફેણમાં આપે છે.

જાણકારોનું ત્યાં સુધી કહેવું છે કે, કોલેજિયમ સિસ્ટમ એટલા માટે જ બનાવવામાં આવી છે, જેથી બહુજન સમાજના જજો ન્યાયતંત્રમાં ન પ્રવેશી શકે અને સવર્ણ જજોનું રાજ કાયમ રહે. હાલ યુજીસી સમાનતા બિલ પર સુપ્રીમ કોર્ટના સ્ટેની ચર્ચા વચ્ચે જ દેશની વિવિધ હાઈકોર્ટમાં એસસી, એસટી અને ઓબીસી જજોની સંખ્યા કેટલી છે તેને લઈને ચર્ચા શરૂ થઈ ચૂકી છે.
આ પણ વાંચો: હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 715 જજોમાંથી ફક્ત 22 જજો SC

ત્યારે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું છે કે 2018 થી 2026 દરમિયાન વિવિધ હાઇકોર્ટમાં કુલ 847 જજોની નિમણૂંક કરવામાં આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે, નિમણૂક કરાયેલા 847 ન્યાયાધીશોમાંથી ફક્ત 4 % એટલે માત્ર 33 જજો SC, 17 જજો ST, 12% એટલે કે 104 જજો OBC અને 46 જજો લઘુમતી સમાજના છે. આ સમયગાળા દરમિયાન, 130 મહિલા જજોની નિમણૂક કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં એક પદ ખાલી છે, જ્યારે હાઇકોર્ટમાં 308 પદ ખાલી છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, દેશની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં એસસી, એસટી, ઓબીસી જજોનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે.
કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે દેશભરની હાઇકોર્ટમાં સામાજિક પ્રતિનિધિત્વના મુદ્દા પર રાજ્યસભામાં મહત્વપૂર્ણ ડેટા રજૂ કર્યો. RJD સાંસદ મનોજ ઝાના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે 2018 થી 23 જાન્યુઆરી, 2026 દરમિયાન હાઇકોર્ટમાં કુલ 847 ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી હતી. જો કે, તેમની વચ્ચે સામાજિક ન્યાય-સંબંધિત જૂથોનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું રહ્યું છે.
આ પણ વાંચો: હવે સુપ્રીમ કોર્ટના જજો પણ પોતાની સંપત્તિની વિગતો આપશે
કાયદા મંત્રીએ શું કહ્યું?
કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે પોતાના લેખિત નિવેદનમાં કહ્યું, “બંધારણની કલમ 124, 217 અને 224 હેઠળ હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂક કરવામાં આવે છે. આ જોગવાઈઓમાં જાતિ-આધારિત અનામતનો ઉલ્લેખ નથી. પરિણામે, જાતિ-આધારિત પ્રતિનિધિત્વના કેટેગરી પ્રમાણેના આંકડાઓ ઔપચારિક રીતે જાળવી શકાતા નથી.” તેમણે એ પણ જણાવ્યું કે 2018 પછી જજો માટે સામાજિક પૃષ્ઠભૂમિની વિગતો આપવી ફરજિયાત છે, તેના આધારે આ આંકડાઓ એકઠા થઈ શક્યા છે.
11 રાજ્યોમાં નીચલી અદાલતોમાં ફક્ત 12 ટકા જજો OBC
જિલ્લા અદાલતો સહિત નીચલી અદાલતોમાં ફક્ત 12 % OBC જજો છે. આ આંકડો કાયદા મંત્રાલયના આંકડાઓમાં બહાર આવ્યો છે. આ ડેટા દલિતોની ભાગીદારીમાં વધારો પણ દર્શાવે છે. ૧૪% દલિત ન્યાયાધીશો અને ૧૨% આદિવાસી ન્યાયાધીશો નીચલી અદાલતોમાં છે.
આ પણ વાંચો: સુપ્રીમના જજે કહ્યું, ‘સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી થાય છે!’
ગયા વર્ષે નવેમ્બરમાં, ન્યાય મંત્રાલયે તમામ 24 ઉચ્ચ અદાલતોના રજિસ્ટ્રાર જનરલને પત્ર લખીને SC/ST, OBC અને મહિલાઓ માટે અનામત અને હાલમાં નીચલી અદાલતોમાં સેવા આપતા આ સમાજોના ન્યાયાધીશોની સંખ્યા અંગે માહિતી માંગી હતી. નીચલી અદાલતોમાં અનામત હાલમાં બધા રાજ્યોમાં સમાન રીતે લાગુ કરવામાં આવતી નથી. કેટલાક રાજ્યો ઉચ્ચ સ્તરે ન્યાયિક સેવાઓમાં અનામત આપતા નથી, જ્યારે અન્ય નીચલી અદાલતોમાં SC/ST અને OBC સમુદાયોને અનામત આપે છે.
આ ટકાવારી સરેરાશ 11 રાજ્યોમાં 3973 જજોની સંખ્યા પર આધારિત છે જેના માટે ડેટા ઉપલબ્ધ છે. બધા રાજ્યોમાં જિલ્લા ન્યાયાધીશોની સંખ્યાનો સમાવેશ કરવામાં આવ્યો નથી, તેથી જ્યારે બધા રાજ્યોના આધારે સરેરાશ ગણતરી કરવામાં આવે છે ત્યારે આ આંકડાઓમાં થોડો તફાવત હોઈ શકે છે. જે 11 રાજ્યોમાં SC/ST અને OBC જજોનો ડેટા ઉપલબ્ધ છે, ત્યાં ન્યાયિક સેવાઓમાં અનામતની જોગવાઈ છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા કેટલાક મોટા રાજ્યોનો આ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ ચૂકાદાઓમાં દલિતોને ‘જાનવર’ ગણાવ્યા!










