Special story: ભારતની સુપ્રીમ કોર્ટે ઘણીવાર દલિતોના અધિકારોનું રક્ષણ કરવા પર ભાર મૂકે છે. પરંતુ તાજેતરના એક અભ્યાસમાં એક ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે. મેલબોર્ન યુનિવર્સિટીના સંશોધન મુજબ, સુપ્રીમ કોર્ટના જજો ઘણીવાર પોતાના ચૂકાદાઓમાં દલિતો માટે જાતિવાદી શબ્દોનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, અનેક કેસોમાં તેમણે દલિતોની સરખામણી જાનવરો અને વિકલાંગો સાથે કરી હોવાના પણ દાખલા સામે આવ્યા છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા તેના ચૂકાદાઓમાં ઉપયોગમાં લેવાતી ભાષામાં અનેકવાર જાતિ ભેદભાવ પ્રતિબિંબિત થાય છે. આઝાદી બાદથી અત્યાર સુધીમાં અનેક ચૂકાદાઓમાં દલિતો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે. આ સંશોધન રિપોર્ટ 75 વર્ષના કોર્ટના ચુકાદાઓની સમીક્ષા પર આધારિત છે. જેમાં જાણવા મળ્યું છે કે પ્રગતિશીલ ચુકાદાઓ છતાં જજોના શબ્દોમાં દલિતો પ્રત્યેના જૂના પૂર્વગ્રહો સામેલ હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં દલિત વૃદ્ધની હત્યામાં 6 ની SC-ST Act હેઠળ ધરપકડ
75 વર્ષના બંધારણીય ચૂકાદાઓની તપાસ કરાઈ
આ અભ્યાસ વર્ષ 1950 થી 2025 સુધીના બંધારણીય બેન્ચ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર આધારિત છે. આ નિર્ણયો પાંચ કે તેથી વધુ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા આપવામાં આવ્યા હતા. મેલબોર્ન લો સ્કૂલની પ્રોફેસર ફરાહ અહેમદ સંશોધનની સહ-લેખિકા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ચૂકાદાઓ કાનૂની પૂર્વધારણા બની જાય છે અને કાયદાની શાળાઓમાં શીખવવામાં આવે છે. આવી સ્થિતિમાં, જજો દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા સમાજ પર ઊંડી અસર કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દલિત અધિકારોને ટેકો આપતી વખતે પણ, ન્યાયાધીશો ક્યારેક “અપમાનજનક અથવા અસંવેદનશીલ” શબ્દોનો ઉપયોગ કરતા હતા.
ચૂકાદાઓમાં દલિતોની જાનવરો અને વિકલાંગો સાથે તુલના
આ અભ્યાસમાં કેટલાક ગંભીર ઉદાહરણો પૂરા પાડવામાં આવ્યા છે. કેટલાક ચૂકાદાઓમાં જાતિગત અત્યાચારની તુલના વિકલાંગતા સાથે કરાઈ છે. આનાથી એવી છાપ પડી કે દલિતો અથવા વિકલાંગો સ્વાભાવિક રીતે નબળા હોય છે.
ઘોડા સાથે તુલના: કેટલાક જજોએ પોતાના ચૂકાદાઓમાં દલિતોને “સામાન્ય ઘોડો” અને કથિત ઉચ્ચ જાતિઓને “ફર્સ્ટ ક્લાસ ઘોડો” ગણાવ્યા હતા.
આ પણ વાંચો: SC-ST અનામતને ‘આવકના આધારે’ કરવાનો તખ્તો તૈયાર?
અનામત પર નકારાત્મક નિવેદનઃ કેટલાક જજોએ દલિતોને આપવામાં આવેલી અનામતને ‘કાંખઘોડી’ કહી. તેમણે દલિતો પર થતા અત્યાચારો પર નિયંત્રણ લાદવાને બદલે દલિતોને વધુ સમય અનામત પર નિર્ભર ન રહેવાનો તર્ક આપ્યો હતો.
વર્ણવ્યવસ્થાનો અસ્વીકારઃ કેટલાક જજોએ જાતિ વ્યવસ્થાને નુકસાનકારક ગણવાને બદલે, તેને માત્ર કામની વહેંચણી માટેની વ્યવસ્થા ગણાવીને હાથ ખંખેરી લીધા હતા.
પછાતપણું અને શિક્ષણને લઈને પૂર્વગ્રહ
આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અદાલતોએ ઘણીવાર જાતિ ભેદભાવને નાબૂદ કરવાની તમામ જવાબદારી દલિતો પર નાખી દીધી હતી. એવું માનવામાં આવ્યું કે ફક્ત શિક્ષણ જ જાતિને દૂર કરી શકે છે. આ વિચારસરણી સામાજિક અવરોધોને અવગણે છે, જે દલિતોને રોજગાર અને વ્યવસાયથી દૂર રાખે છે. વર્ષ 2020 ના ચૂકાદાને ટાંકીને, અહેવાલમાં જણાવાયું છે કે આદિવાસીઓના જીવનને “આદિમ” તરીકે વર્ણવવામાં આવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે તેમને મુખ્ય પ્રવાહના કાયદાઓ સાથે અનુકૂલન સાધવા માટે યોગ્ય બનાવવા માટે મદદની જરૂર છે. પ્રોફેસર અહેમદના મતે, આ ભાષા અન્યાયી રૂઢિઓને મજબૂત કરે છે.
આ પણ વાંચો: CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં બ્રાહ્મણ વકીલે હુમલો કર્યો!
જજોના ઇરાદા અને સુધારાની જરૂરિયાત
ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ મદન લોકુરે બીબીસીને જણાવ્યું હતું કે અદાલતોના ઈરાદા ખોટા નથી હોતા, પરંતુ તેઓ બદલાતી ભાષાથી સંપૂર્ણપણે વાકેફ નથી હોતા. પ્રોફેસર અહેમદ એમ પણ માને છે કે ન્યાયાધીશોનો ઇરાદો દલિતોને નીચું દેખાડવાનો નહોતો. પરંતુ આ ભાષા તેમના ઊંડા પૂર્વગ્રહોને પ્રતિબિંબિત કરે છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં “હેન્ડબુક ઓન કોમ્બેટિંગ જેન્ડર સ્ટિરિયોટાઈપ” જારી કરી હતી. જેનો હેતુ મહિલાઓ સામે રૂઢિવાદી ભાષાને બદલવાનો હતો. નિષ્ણાતો માને છે કે જાતિ સાથે જોડાયેલા શબ્દો માટે પણ આવા જ આત્મમંથનની જરૂર છે.
કોર્ટમાં દલિત પ્રતિનિધિત્વનો અભાવ
આ સંશોધનમાં ન્યાયતંત્રમાં વિવિધતાના અભાવને પણ એક મુખ્ય કારણ તરીકે ટાંકવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ, અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં ફક્ત 8 દલિત જજોની નિમણૂક કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે.જી. બાલકૃષ્ણન પ્રથમ દલિત સીજેઆઈ હતા. તેમણે જાતિને એક “અતૂટ બંધન” તરીકે વર્ણવી હતી, જે ક્યારેય વ્યક્તિને છોડતી નથી. સંશોધકો કહે છે કે, ન્યાયતંત્રમાં દલિત જાતિઓની ભાગીદારી વધારવાથી આ દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવશે. આ રિપોર્ટ દુનિયાની સૌથી શક્તિશાળી અદાલતોમાંની એક માટે સુધારાની તક છે.
આ પણ વાંચો: ‘સુપ્રીમ કોર્ટ સરકારના દબાણમાં છે, ‘સુપ્રીમ’ કહેવડાવાને લાયક નથી!’










