અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સાથળ ગામમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે આઝાદીના 78 વર્ષ અને બંધારણ લાગુ થયાને 75 વર્ષ બાદ પણ મરણ બાદ અંતિમક્રિયા(દફનાવવા) માટે સ્મશાન નીમ થયેલ ન હોવાનો અહેવાલ ખબરઅંતર.ઈન પર પ્રસિદ્ધ થયો હતો.
આ મામલે હવે સાથળ ગામે વસવાટ કરતા અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે સ્મશાનની જમીન તાત્કાલિક નીમ કરવા અને સ્મશાનની જમીન નીમ કર્યા બાદ મૂળભૂત અને પાયાની સુવિધાઓ પુરી પાડવા બાબતે માનવ અધિકાર કાર્યકર કાંતિલાલ પરમાર દ્વારા માનવ અધિકાર આયોગ ગાંધીનગર સમક્ષ ફરિયાદ આપવામાં આવી હતી. હવે રાજ્ય માનવ અધિકાર પંચે આ મામલે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી, ધોળકા તાલુકા વિકાસ અધિકારી અને સ્થાનિક તલાટી, સરપંચ સહિતના અધિકારીઓ-હોદ્દેદારોને સુનાવણીમાં હાજર થવા માટે આદેશ કર્યો છે.
રાજ્ય માનવ અધિકાર આયોગનો ડીડીઓ, ટીડીઓને હાજર થવા આદેશ
અગાઉ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગર દ્વારા સાથળ ગામમાં અનુ.જાતિ સમાજના લોકોના માનવ અધિકાર ભંગની ફરિયાદ નોંધી સંબંધિત જવાબદાર અધિકારી-પદાધિકારીઓ ડીડીઓ અમદાવાદ મહીપતસિંહ જી. ચૌહાણ, ટીડીઓ બી. આર. પરમાર, સમાજ કલ્યાણ નિરીક્ષક-ધોળકા એમ. વી. વાઘેલા, સાથળ ગામના તલાટી કમ મંત્રી, સરપંચ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાંતિભાઈ ડોડીયા, ગ્રામ પંચાયત સભ્ય મનુભાઈ મકવાણા વગેરેને આ મુદ્દે સમન્સ પાઠવી હકીકતલક્ષી રિપોર્ટ સાથે તા. 23/03/2025 ના રોજ સુનાવણી માટે હાજર રહેવા જણાવ્યું હતું, જેમાં ડીડીઓ સિવાયના તમામ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: બ્રાહ્મણોએ OBC કથાકારનું માથું મુંડી, માનવમૂત્ર છાંટી, નાક રગડાવ્યું
1 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા રાખેલ સુનાવણીમાં રૂબરૂ હાજર રહેલ તમામ અધિકારી-પદાધિકારીઓએ ગામે અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે સ્મશાનની જમીન નીમ થયેલ નથી તે વાસ્તવિકતા સ્વીકારી હતી. ટીડીઓએ જણાવ્યું હતું કે, તાલુકા મામલતદારને સ્મશાનની જમીન નીમ કરવા દરખાસ્ત મોકલવામાં આવી છે અને સ્થળ, જગ્યા જોઈને જમીન આપવાની પ્રક્રિયા પુરી કરવામાં આવશે. વધુમાં આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. આ બાબતે આયોગ દ્વારા 13/06/2025 ના રોજ હુકમ કરી અરજદારને નોટિસ આપી હાલની અરજીમાં બે માસ બાદ વધુ સુનાવણી તા. 01/08/2025 ના રોજ કરવાનું નક્કી થયેલ છે. આ બાબતે ડીડીઓ અમદાવાદ, ધોળકા ટીડીઓ, સાથળના તલાટી કમ મંત્રીને કરેલી કાર્યવાહીના અહેવાલ સાથે રૂબરૂ હાજર થવા સમન્સ પાઠવેલ છે.
સાથળના દલિતો અંતિમક્રિયા માટે વૌઠા જાય છે
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સાથળ ગામે આઝાદીના 78 વર્ષ પછી અને ભારતીય બંધારણ લાગુ થયાને 75 વર્ષ પુરા થવા આવ્યા છતાં અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે સ્મશાનની જમીન નથી. પરિણામે સાથળ ગામે એસસી સમાજમાં કોઈ વ્યક્તિનું મરણ થાય તો તેમણે તેમની અંતિમક્રિયા માટે 12 કિલોમીટર દૂર વૌઠા ગામે જવું પડે છે. જેથી અનુસૂચિત જાતિ સમાજના લોકોને પારાવાર મુશ્કેલી પડે છે.
સાથળની ઘટના ગુજરાતના વિકાસની પોલ ખોલે છે
સાથળ ગામમાં હાલમાં અનુસૂચિત જાતિ સમાજના મહિલા સરપંચ છે, તેઓ કહે છે કે અમે ઠરાવો કર્યા છે પરંતુ ગામમાં જમીન નથી, જેથી આ પરિસ્થિતિ ઉભી થઇ છે. આઝાદીના 78 વર્ષના વહાણા વાયા બાદ પણ સાથળ ગામે અનુસૂચિત જાતિના લોકોની આ હાલત છે. જે રાજ્ય સરકારના વિકાસની પોલ ખોલે છે. સાથળના અનુ.જાતિ સમાજના લોકોને મર્યા પછી પણ સન્માનજનક વિદાય આપી શકાતી નથી, જેથી તેમના બંધારણીય અને માનવ અધિકારોનો ભંગ થાય છે.
અરજીમાં શું શું માંગ કરવામાં આવી?
આવી સ્થિતિમાં તેમના માનવાધિકારોની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરી તેમને ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના બંધારણીય અને માનવ અધિકારોનું રક્ષણ કરવા માંગણી કરી સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર દ્વારા માનવ અધિકાર આયોગ સમક્ષ પિટિશન દાખલ કરવામાં આવી હતી.
જેમાં સૌ પ્રથમ સાથળ ગામમાં અનુસૂચિત જાતિ વર્ગ સમાજના લોકો માટે તાત્કાલિક સ્મશાનની જમીન નીમ કરવામાં આવે, ગામમાં સ્મશાનની જમીનમાં પ્રોટેકસન વોલ(સંરક્ષણ દિવાલ) બનાવવામાં આવે, સ્મશાનની જમીન નીમ કર્યા બાદ સ્મશાનમાં બાંકડા મુકવામાં આવે, સ્મશાન છાપરી બનાવવામાં આવે, ફુલછોડ વાવવામાં આવે, જમીનનું લેવલિંગ કરવામાં આવે, પાણીનો બોર અને ટાંકી બનાવવામાં આવે અને ઇલેક્ટ્રિક મોટર મુકવામાં આવે, નીમ થયેલ સ્મશાન સુધી જવા-આવવા માટે રસ્તાની સુવિધા કરવામાં આવે તેવી વિવિધ માગણીઓ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: એક દલિત પ્રોફેસર 20 વર્ષથી હક માટે યુનિ. સામે લડી રહ્યાં છે













Users Today : 1386