દિલ્હીની એક કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલા જજે એક નિવૃત્ત શિક્ષકને ચેક બાઉન્સ કેસમાં દોષી ઠેરવતા આરોપીએ ફરી કોર્ટમાં જ મહિલા જજને ધમકી આપી હતી કે, “તું છે કોણ, તું બહાર નીકળ, જોઉં છું તું કેવી રીતે જીવતી ઘરે જાય છે?”
મળતી માહિતી મુજબ દોષિત વ્યક્તિ 63 વર્ષીય નિવૃત્ત સરકારી શાળાનો શિક્ષક છે. 2 એપ્રિલના રોજ દિલ્હીની દ્વારકા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શિવાંગી મંગલા કેસની સુનાવણી કરી રહ્યા હતા. સુનાવણી પછી તેમણે આરોપીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ચેક બાઉન્સ કેસ માટે દોષિત ઠેરવ્યો હતો. આરોપ છે કે દોષિત ઠેરવ્યા બાદ, નિવૃત્ત શિક્ષકે કોર્ટરૂમમાં હોબાળો મચાવ્યો હતો. તેણે ન્યાયાધીશ શિવાંગી મંગલા વિરુદ્ધ ‘ધમકીભર્યા સૂત્રોચ્ચાર’ કર્યા અને તેમના પર કોઈ વસ્તુ ‘ફેંકવાનો પ્રયાસ’ કર્યો.
આ નિર્ણયનો આદેશ હવે જતો રિલીઝ કરવામાં આવ્યો છે. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, આ આદેશ મુજબ દોષીએ તેના વકીલને નિર્દેશ આપ્યો હતો કે તે તેના પક્ષમાં ચુકાદો અપાવવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરે. રિપોર્ટ અનુસાર, એવો પણ આરોપ છે કે કેસને પ્રભાવિત કરવાના પ્રયાસમાં, આરોપી અને વકીલે મહિલા ન્યાયાધીશને ‘માનસિક અને શારીરિક રીતે હેરાન’ કર્યા. એ ત્યાં સુધી કે તેમના પર પદ પરથી રાજીનામું આપવા માટે પણ ‘દબાણ’ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?
મહિલા ન્યાયાધીશે કહ્યું કે ધમકીઓ અને સતામણી બદલ આરોપી સામે રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ મુદ્દો ઉઠાવવામાં આવશે. એ પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ન્યાયાધીશ શિવાંગી મંગલાએ દોષિતના વકીલ અતુલ કુમારને કારણદર્શક નોટિસ ફટકારી છે. જેમાં મહિલા ન્યાયાધીશ સાથે ગેરવર્તણૂક કરવા બદલ તેમની સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી કેમ શરૂ ન કરવી જોઈએ તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. વકીલને આગામી સુનાવણીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, આરોપીને દોષિત ઠેરવ્યા બાદ મહિલા જજે 5 એપ્રિલે તેને સજા પણ ફટકારી હતી. મીડિયા રિપોર્ટ મુજબ ચેક બાઉન્સ કેસમાં તેને 22 મહિનાની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત, તેને 6.65 લાખ રૂપિયાનો દંડ ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ જ આદેશમાં, મહિલા જજે આ મામલો દ્વારકાના દક્ષિણ-પશ્ચિમ જિલ્લાના મુખ્ય જિલ્લા અને સેશન્સ ન્યાયાધીશને પણ મોકલ્યો છે, જેથી 2 એપ્રિલના આદેશના સંદર્ભમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે તેને દિલ્હી હાઈકોર્ટમાં મોકલી શકાય.
આ પણ વાંચો: દેશની પ્રખ્યાત કોલેજો પર સવર્ણોનો કબ્જો, દલિતો-આદિવાસીઓ ગાયબ