‘જય જોહાર’ શબ્દ આદિવાસી સમાજની અસ્મિતા સાથે જોડાયેલો છે, પરંતુ કેટલાક જાતિવાદી તત્વોને આ નારા સામે પણ વાંધો છે. મામલો મધ્યપ્રદેશનો છે. જ્યાં સૌથી વધુ આદિવાસીઓ વસે છે. અહીંના ભોપાલમાં આદિવાસી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલી ઘર્ષણની ઘટનાએ રાજ્યના રાજકારણ અને પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. પોતાની વિવિધ વ્યાજબી માંગણીઓને લઈને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા આદિવાસી વિદ્યાર્થીઓ સામે પોલિસ અધિકારીએ અભદ્ર વર્તન કરી ગાળો ભાંડી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક અને આદિવાસી એકતાના પ્રતીક સમાન ‘જય જોહાર’ના નારા લગાવતા જ મિસરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ રતન સિંહ પરિહાર ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી તથા અભદ્ર વર્તન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભોપાલ પોલીસ કમિશનર સંજય કુમારે તાત્કાલિક અસરથી રતન સિંહ પરિહારને સસ્પેન્ડ કરી દીધા છે.

શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ભોપાલમાં મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ, હોસ્ટેલ અને અન્ય પડતર પ્રશ્નો તથા માંગણીઓને લઈને એકઠા થયા હતા. તેઓ પોતાની માંગો અંગે રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાન (CM હાઉસ) તરફ કૂચ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે બેરિકેડ્સ મૂકીને વિદ્યાર્થીઓને રસ્તામાં જ રોકી લીધા હતા. વિરોધ પ્રદર્શન વધી જતાં પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરવાનું શરૂ કર્યું અને તેમને બળજબરીપૂર્વક પોલીસ વાહનો અને બસોમાં બેસાડવા લાગ્યા હતા.
પોલીસ વાહનમાં બેસતી વખતે અને અટકાયત દરમિયાન આદિવાસી વિદ્યાર્થીઓએ પોતાની ઓળખ અને સાંસ્કૃતિક સ્વાભિમાન વ્યક્ત કરતા ‘જય જોહાર’ ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ નારા સાંભળીને ત્યાં હાજર મિસરોદ પીઆઈ રતન સિંહ પરિહારનો પિત્તો ગયો હતો અને વાહનની બહાર ઊભા રહીને વિદ્યાર્થીઓ પર અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા હતા તેમજ જાહેરમાં ગાળો આપવા લાગ્યા હતા.
આ પણ વાંચોઃ આદિવાસી મહિલાને પોલીસે ઉંધી લટકાવીને ઢોર માર માર્યો
“जय जोहार” आदिवासी सम्मान एवं स्वाभिमान का प्रतीक है! इसका अपमान पूरे आदिवासी समाज का अपमान है! दोषियों को कठोर दंड दिया जाना चाहिए!
📍भोपाल | #जय_जोहार
@DGP_MP | @DrMohanYadav51 https://t.co/Z7CxHk2DYT
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) October 14, 2026
વીડિયો વાયરલ થતાં ઉગ્ર વિરોધ અને કાર્યવાહી
ઘટના સ્થળે હાજર કોઈ વ્યક્તિએ પોલીસ અધિકારીના આ દુર્વ્યવહાર અને ગાળાગાળીનો આખો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ વાયરલ થઈ ગયો હતો અને સમગ્ર મધ્ય પ્રદેશમાં આદિવાસી સમાજ, વિદ્યાર્થી સંગઠનો અને માનવાધિકાર કાર્યકરોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. આદિવાસી સમાજના સન્માનજનક નારા ‘જય જોહાર’ પ્રત્યે પોલીસના આવા વલણને લઈને પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા.

બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભોપાલ પોલીસ કમિશનર સંજય કુમારે તાત્કાલિક પગલાં ભર્યા હતા અને રતન સિંહ પરિહારને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો. આ ઉપરાંત સમગ્ર ઘટના અંગે ખાતાકીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે પ્રદર્શન દરમિયાન વાસ્તવમાં શું બન્યું હતું અને વીડિયોમાં દેખાતી ઘટના પાછળ કયા સંજોગો જવાબદાર હતા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ છોટાઉદેપુરની દીકરી રાઠવા આદિવાસી સમાજની પહેલી પાયલોટ બની
વિપક્ષી નેતા ઉમંગ સિંઘારે કરી FIR ની માંગ
આ ઘટના બાદ રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. મધ્ય પ્રદેશ વિધાનસભાના વિપક્ષી નેતા ઉમંગ સિંઘારે આ ઘટના અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આદિવાસી યુવાનો અને વિદ્યાર્થીઓ પર અત્યાચાર ચલાવવામાં આવી રહ્યો છે અને તેમના સાંસ્કૃતિક નારાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ઉમંગ સિંઘારે માત્ર સસ્પેન્શનથી સંતોષ ન માનતા, દોષિત પોલીસ અધિકારી રતન સિંહ પરિહાર સામે તાત્કાલિક ધોરણે એફઆઈઆર (FIR) દાખલ કરીને કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આદિવાસી સમાજમાં આક્રોશ
‘જય જોહાર’ એ માત્ર એક નારો નથી પરંતુ આદિવાસી સંસ્કૃતિ, પ્રકૃતિ પૂજન અને એકતાનું સદીઓ જૂનું પ્રતીક છે. આદિવાસી વિદ્યાર્થીઓ પોતાના હક્કો માટે અવાજ ઉઠાવી રહ્યા હતા ત્યારે તેમની સાથે થયેલા આ પ્રકારના વર્તનથી આદિવાસી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ આદિવાસી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો દોષિત અધિકારી સામે યોગ્ય અને કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
હાલમાં ભોપાલ પોલીસ તંત્ર દ્વારા મામલાને થાળે પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા નાગરિકો અને ખાસ કરીને આદિવાસી યુવાનો સાથે સંવેદનશીલતાથી વર્તવાને બદલે પોલીસ દ્વારા દમનકારી નીતિ અપનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ પથારી ન હોઈ નીચે સૂતેલી 6 આદિવાસી વિદ્યાર્થીનીઓને સાપ કરડ્યો, ત્રણના મોત











