રાજસ્થાનમાં ADANI ગ્રુપની ફર્મ વિરુદ્ધ ચુકાદો આપનારા જજની તે જ દિવસે બદલી કરી દેવામાં આવતા ચર્ચા જામી છે. જજે રાજસ્થાન સરકારી કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જયપુર કોમર્શિયલ કોર્ટના જજ દિનેશ કુમાર ગુપ્તાએ 5 જુલાઈના રોજ સુનાવણીમાં જણાવ્યું હતું કે ADANI ગ્રુપની આગેવાની હેઠળની એક ફર્મે રાજસ્થાન સરકારની એક કંપની પાસેથી ટ્રાન્સપોર્ટેશન ફીના નામે રૂ.1,400 કરોડથી વધુ કમાણી કરી હતી અને વધુ નફો કમાવવાનો પ્રયાસ કર્યો હતો. જજે અદાણી ગ્રુપની ફર્મને પર રૂ.50 લાખનો દંડ ફટકાર્યો હતો અને સરકારને CAG દ્વારા તેમના વ્યવહારોની તપાસ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
જજે ચુકાદો આપ્યો તે જ દિવસે, રાજ્યની ભાજપ સરકારે ન્યાયાધીશને તેમના પદ પરથી દૂર કર્યા, અને રાજસ્થાન હાઈકોર્ટે તેમને બ્યાવર જિલ્લામાં ટ્રાન્સફર કર્યા. કોમર્શીયલ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટની સંમતિથી કરવામાં આવે છે. અહેવાલો અનુસાર, બે અઠવાડિયા પછી 18 જુલાઈના રોજ, હાઈકોર્ટે જજ ગુપ્તાના નિર્ણય પર સ્ટે આપ્યો. આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં થશે.
આ પણ વાંચો: ‘સુપ્રીમ કોર્ટ સરકારના દબાણમાં છે, ‘સુપ્રીમ’ કહેવડાવાને લાયક નથી!’
મામલો શું હતો?
આ કેસ કોલસાની ખાણના સોદા સાથે જોડાયેલો છે. વર્ષ 2007 માં, કેન્દ્રીય કોલસા મંત્રાલયે છત્તીસગઢના હસદેવ અરંડ જંગલમાં કોલસા બ્લોક રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડ (RRVUNL) ને ફાળવ્યો હતો, જે રાજ્યની માલિકીની વીજ ઉત્પાદન કંપની છે. તેનો હેતુ કંપનીને તેના થર્મલ પાવર પ્લાન્ટ માટે કોલસાની સીધી પહોંચ પૂરી પાડવાનો હતો. જોકે, કંપનીએ અદાણી ગ્રુપ સાથે સંયુક્ત સાહસ કર્યું, જેમાં અદાણીનો 74% હિસ્સો હતો.
ખાણકામ કામગીરી પણ અદાણીને આઉટસોર્સ કરવામાં આવી હતી. સોદા મુજબ, કોલસો રેલ દ્વારા રાજસ્થાન પહોંચાડવાનો હતો. તેના માટે, અદાણી કંપનીએ ખાણથી મુખ્ય રેલ્વે લાઇન સુધી એક સાઇડ ટ્રેક બનાવવાનો હતો. ખાણ 2013 માં કાર્યરત થઈ હતી, પરંતુ રેલ સાઇડિંગ ઘણા વર્ષો પછી પૂર્ણ થયું હતું. ત્યાં સુધી બંને કંપનીઓ રોડ દ્વારા કોલસા પરિવહનની વ્યવસ્થા કરવા સંમત થઈ હતી. મૂળ સોદામાં રોડ ટ્રાન્સપોર્ટેશનનો ઉલ્લેખ નહોતો. આ વિવાદનું કારણ છે.
આ પણ વાંચો: LIC એ લોકોની બચતના રૂ.48,284 કરોડ ADANI ગ્રુપમાં રોક્યા
અદાણી ફર્મે રૂ. 1,400 કરોડ વસૂલ્યા
અદાણી ગ્રુપની ફર્મ પારસા કેંટે કોલિયરીઝ લિમિટેડે રોડ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ માટે રાજસ્થાન સરકારની કંપની પાસેથી કુલ રૂ. 1,400 કરોડથી વધુ વસૂલ્યા. રાજસ્થાન સરકારની કંપનીએ આ પૈસા ચૂકવ્યા. જોકે, 2018માં, જ્યારે અદાણી ગ્રુપે મોડી ચૂકવણી પર વ્યાજની માંગણી કરી, ત્યારે કંપનીએ ઇનકાર કર્યો. 2020માં, મામલો જયપુર કોમર્શિયલ કોર્ટમાં પહોંચ્યો. અદાણીની કંપનીએ અરજી દાખલ કરી, પરંતુ ન્યાયાધીશ દિનેશ ગુપ્તાએ રાજસ્થાન કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો.
ન્યાયાધીશના નિર્ણયમાં શું કહેવામાં આવ્યું?
મીડિયા રિપોર્ટ મુજબ, જજે નિર્ણયમાં લખ્યું છે કે “સોદા મુજબ, અદાણી કંપની રેલ સાઇડિંગ બનાવવા માટે જવાબદાર હતી. જો તે કામગીરી કરવામાં નિષ્ફળ ગઈ, તો તેણે રોડ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પોતે જ ભોગવવો જોઈતો હતો. તેના બદલે કંપનીએ રૂ. 1,400 કરોડ વસૂલ્યા અને વ્યાજમાંથી નફો મેળવવાનો પ્રયાસ કર્યો.”
Adani: Rajasthan judge who ruled against Adani-led firm transferred the same day. A govt of Adani, for Adani, by Adani! https://t.co/7IVlGJNPxs
— Prashant Bhushan (@pbhushan1) December 18, 2025
ન્યાયાધીશે અદાણીની કંપનીને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો અને રાજ્ય સરકારને આ સોદાની CAG તપાસ કરાવવાનો નિર્દેશ આપ્યો. હાઈકોર્ટે હવે ન્યાયાધીશના નિર્ણય પર સ્ટે આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજસ્થાન સરકારના કાયદા વિભાગ અને હાઈકોર્ટના રજિસ્ટ્રાર ટ્રાન્સફરના સમય અને કારણ અંગેની વિનંતીઓનો જવાબ આપતા નથી. ફોન દ્વારા જજ ગુપ્તાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટનાએ રાજસ્થાનમાં ભારે ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો: LIC એ ADANI ગ્રુપને લોકોની બચતના 32,000 કરોડ દઈ દીધાંઃ રિપોર્ટ











*દેશની હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટની સમુચિત કાર્યવાહી ભારત સરકારનાં પ્રભાવ અને દબાણ હેઠળ ચાલે છે?