બિહાર વિધાનસભાની ચૂંટણીમાં, શાસક NDA દ્વારા મહિલાઓને સ્વરોજગાર માટે 10,000 રૂપિયાનું ચૂંટણી પૂર્વેનું ઈનામ બેરોજગારી અને સ્થળાંતર સહિતના મુદ્દાઓ પર ભારે પડી ગયું છે. એનડીએ દ્વારા ચૂંટણી પહેલા જ બિહારની મહિલાઓના ખાતામાં નાખવામાં આવેલી રૂ. 10,000ની આડકતરી લાંચે 243 સભ્યોની બિહાર વિધાનસભામાં એનડીએને 200 થી વધુ બેઠકો જીતાડી દીધી છે. આ આંકડો એક્ઝિટ પોલના અંદાજો કરતા વધુ છે.
રાત્રે 8 વાગ્યા સુધીમાં, ભારતીય જનતા પાર્ટીએ 76 બેઠકો જીતી હતી અને 14 બેઠકો પર આગળ હતી. પાર્ટી 90 બેઠકો સાથે એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, જ્યારે તેના સાથી, જેડીયુ એ 60 બેઠકો જીતી હતી અને 25 બેઠકો પર આગળ હતી, જેના કારણે તેને 85 બેઠકો પર સંભવિત વિજય મળ્યો હતો. બંને પક્ષોએ 101 બેઠકો પર ચૂંટણી લડી હતી.
આ પણ વાંચો: ‘ભાજપને મત કેમ આપ્યો?’ કહી 3 દલિતોને બૂથ બહાર ફટકાર્યા
NDAના અન્ય સાથી પક્ષોમાં, ત્રીજા મુખ્ય પક્ષ, LJP (R) એ 14 બેઠકો જીતી હતી અને પાંચ બેઠકો પર આગળ હતી. જીતન રામ માંઝીના HAM એ ચાર બેઠકો જીતી હતી અને એકમાં આગળ હતી, અને ઉપેન્દ્ર કુશવાહાના રાષ્ટ્રીય લોક મોર્ચાએ બે બેઠકો જીતી હતી અને બેમાં આગળ હતી.
બીજી તરફ, મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો, અને રાષ્ટ્રીય જનતા દળ (25 જીત અને આગળ), કોંગ્રેસ (6 જીત અને આગળ), ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોનો સમાવેશ કરતું ગઠબંધન 40 ના આંકડા સુધી પણ પહોંચે તેવી શક્યતા નથી.
SIR અને રાહુલ ગાંધી સહિત વિપક્ષ દ્વારા ભાજપ અને ચૂંટણી પંચ સામે “મત ચોરી”ના આરોપો વચ્ચે આ ચૂંટણી યોજાઈ હતી. નીતિશ કુમારના 20 વર્ષના શાસન દરમિયાન વિપક્ષે બેરોજગારી, ગરીબી અને સ્થળાંતર જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા અને દરેક ઘર માટે નોકરીઓનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો: બિહાર ચૂંટણીમાં 40 અનામત બેઠકોની લડાઈ, દલિતો કોની તરફ?
જ્યારે શાસક ગઠબંધન, “સુશાસન” અને “વિકાસ” ઉપરાંત, લાલુ યાદવના કાર્યકાળના “જંગલ રાજ” અને તાજેતરના વર્ષોમાં “ઘૂસણખોરી” જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું હતું, પરંતુ આ બધી સમસ્યાઓ પર NDAનો સ્વરોજગારના નામે ચૂંટણી પહેલા મહિલાઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરાવવાનો નિર્ણય ભારે પડ્યો હતો. અહીં એ યાદ રાખવું જોઈએ કે, કેન્દ્રીય ચૂંટણી પંચે એનડીએએ મહિલાઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરાવ્યા તેના થોડા કલાકો પછી તરત બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી. આમ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની જીત પાછળ સૌથી મોટો હાથ મહિલાઓને આપવામાં આવેલી રૂ. 10,000ની આડકતરી લાંચ જ રહી છે.
આ પણ વાંચો: ‘NDA હોય કે મહાગઠબંધન, તમારો મત લઈ લેશે, પણ વિકાસ નહીં કરે…’










