બિહાર ચૂંટણીમાં 40 અનામત બેઠકોની લડાઈ, દલિતો કોની તરફ?

બિહાર ચૂંટણીમાં અનામત બેઠકો નિર્ણાયક હોવાથી NDA અને મહાગઠબંધન બંને દલિતોને રિઝવી રહ્યાં છે. જાણો દલિતો કોની તરફ છે.
bihar election 2025

બિહાર વિધાનસભાની ચૂંટણી(bihar election 2025)માં હાલ પ્રચાર અભિયાન તેની ચરમસીમાએ છે. નેતાઓ સતત હેલિકોપ્ટરોમાં ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને જાહેર સભાઓને સંબોધી રહ્યાં છે. ચૂંટણીની આ ધમાલમાં, એક વિષય હાંશિયામાં ધકેલાઈ ગયો છે અને તે છે એસસી અનામત(sc reserve seats)ની 38 બેઠકો અને એસટી અનામત(st reserve seats )ની 2 સીટો. ચૂંટણી વિશ્લેષણ(analysis)માં આ 40 અનામત બેઠકોનું મહત્વ કુલ 243 બેઠકોની તુલનામાં ઓછું આંકવામાં આવી રહ્યું છે, જોકે 2020 વિધાનસભા ચૂંટણીમાં NDA અને મહાગઠબંધન વચ્ચે બેઠકોનું જે અંતર હતું તેનો 40 ટકા હિસ્સો આ જ અનામત સીટોથી આવ્યો હતો.

2020 વિધાનસભા ચૂંટણીમાં, NDA એ 21 બેઠકો જીતી હતી, જ્યારે મહાગઠબંધને 17 બેઠકો જીતી હતી. ચાર બેઠકોનો આ તફાવત બંને ગઠબંધનો દ્વારા જીતવામાં આવેલી બેઠકોના તફાવતના 40 ટકા થવા જાય છે. NDA એ 125 બેઠકો જીતી હતી, જ્યારે મહાગઠબંધન 10 બેઠકોથી પાછળ રહી ગયું હતું અને 115 બેઠકો જીતી શક્યું હતું.

2020 માં, ભાજપે 9 SC અનામત બેઠકો જીતી હતી, જ્યારે JDU એ 8 બેઠકો જીતી હતી, અને જીતન રામ માંઝીના હિન્દુસ્તાની અવામ મોરચા (HAM) એ 3 બેઠકો જીતી હતી. મુકેશ સાહનીની VIP, જે પાછલી ચૂંટણીમાં NDA નો ભાગ હતી, તેણે 1 બેઠક જીતી હતી. પાછલી ચૂંટણીમાં, RJD એ 10 SC બેઠકો જીતી હતી, કોંગ્રેસે 2 અને ડાબેરી પક્ષોએ 5 બેઠકો જીતી હતી.

bihar election 2025

જોકે દલિત રાજકારણો મુખ્ય ચહેરો ગણાતા ચિરાગ પાસવાન ગઈ વખતે NDA સાથે નહોતા, તેમ છતાં તેમની પાર્ટીએ ચૂંટણી જીતવા કરતાં નીતિશ કુમારના ઉમેદવારોને હરાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ વખતે, NDA પાસે જીતન રામ માંઝી સાથે ચિરાગ પાસવાન પણ છે.

આ પણ વાંચો: “કાર પર ‘વસાવા’ કેમ લખ્યું છે?” કહી ટોળાંએ ભાજપ નેતાના પુત્રને માર્યો

એ પણ નોંધનીય છે કે 2023 ના બિહાર જાતિ સર્વે મુજબ, દલિતો અથવા અનુસૂચિત જાતિઓ બિહારની કુલ વસ્તીના 19.6 ટકા હતા. 2011 ની વસ્તી ગણતરી પછી આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું માનવામાં આવે છે, કેમ કે એ વખતે તેમની સંખ્યા 15.9 ટકા હોવાનો અંદાજ હતો. બિહારમાં કુલ મતદારોની સંખ્યા ૭૪ મિલિયન છે, પરંતુ એવું માનવામાં આવે છે કે અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા તેમની વસ્તી કરતા થોડી ઓછી છે.

એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સ્પેશિયલ ઈન્સેન્ટિવ રિવિઝન (SIR) દરમિયાન કાઢી નાખવામાં આવેલા અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા વધુ છે, જોકે તેના કોઈ સ્પષ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

15 અનામત બેઠકો પર JDU ઉમેદવારો

આ ચૂંટણીમાં, JDU NDA વતી સૌથી વધુ 15 અનામત બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે, જ્યારે BJP એ આવી 11 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. NDA માં ફરી જોડાયેલી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ને 8 અનામત બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની તક આપવામાં આવી છે, જ્યારે જીતન રામ માંઝીની પાર્ટી 4 અનામત બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

આ પણ વાંચો: દલિત દંપતી ખેતરમાં કપાસ જોતું હતું, ગુંડાઓએ હાથ-પગ ભાંગી નાખ્યા

જેમ NDAમાં અનામત બેઠકો પર JDUનું વર્ચસ્વ છે, તેમ મહાગઠબંધનમાં સંતુલન RJD તરફ ઝુકેલું છે, જે 20 SC બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. કોંગ્રેસે 11 અનામત બેઠકો મેળવી છે. CPI (ML) લિબરેશન પાસે છ, CPI બે અને VIP એક SC બેઠક ધરાવે છે. RJD સૌથી વધુ બેઠકો (143) પર ચૂંટણી લડી રહ્યું હોવાથી તેના SC બેઠકો પર સૌથી વધુ ઉમેદવારો છે.

બિહારની 50-60 બેઠકો પર દલિતોનો પ્રભાવ

એકંદરે, દલિત મતો બિહારની 50-60 બેઠકો પર પ્રભાવ પાડી શકે છે, જે NDA અને મહાગઠબંધન વચ્ચેની દ્વિધ્રુવીય લડાઈમાં તેમને નિર્ણાયક બનાવે છે. એવું માનવામાં આવે છે કે પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટી પણ કેટલીક બેઠકો પર પરિણામને પ્રભાવિત કરી શકે છે.

બિહારના જટિલ જાતિ સમીકરણમાં દલિતોને એક મહત્વપૂર્ણ જૂથ માનવામાં આવે છે, પરંતુ નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા પછી, તેમનામાં વિભાજન દેખાય છે. રાજકીય લાભ અને નુકસાનને ધ્યાનમાં રાખીને નીતિશ કુમારે દલિત સમાજને મહાદલિત અને દલિતોમાં વિભાજીત કર્યો, જેમાં રામવિલાસ પાસવાનની દુસાધ જાતિને મહાદલિતોને અગાઉ આપવામાં આવેલા કેટલાક વિશેષાધિકારોમાંથી બાકાત રાખવામાં આવી. રાજકીય વિશ્લેષકો માને છે કે દિવંગત રામવિલાસ પાસવાન પછી ચિરાગ પાસવાન પણ આ મુદ્દા પર નીતિશ કુમાર પ્રત્યે નારાજગી ધરાવે છે.

કઈ જાતિના દલિતો પર ક્યા પક્ષનો પ્રભાવ છે?

દલિતોમાં, દુસાધ અથવા પાસવાન સમાજ 5.31 ટકા સાથે સૌથી વધુ વસ્તી ધરાવે છે, જેના પર ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ની મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે. રવિદાસ સમાજની વસ્તી પાસવાન સમાજ કરતા થોડી ઓછી છે, જે 5.25 ટકા નોંધાઈ છે. RJD અને કોંગ્રેસની તેમના મતો પર મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે. જીતન રામ માંઝીની મુસહર જાતિમાં લગભગ ત્રણ દલિત મતદારોનો ટકાનો સમાવેશ થાય છે. એ પછી ડોમ (2.10%) અને પાસી (1.50%) જેવા નાના જૂથો આવે છે.

અનામત સીટોને કારણે દલિતોને વિધાનસભામાં તો સારું પ્રતિનિધિત્વ મળી જાય છે, પરંતુ તેમનું રાજકીય સશક્તિકરણ હાંસિયામાં ધકેલાઈ ગયું છે. બંધારણીય રીતે અનામત બેઠકો ઉપરાંત રાજકારણમાં તેમનું ભાગ્યે જ કોઈ પ્રતિનિધિત્વ છે.

આરજેડી શાસન હેઠળ દલિતોની સ્થિતિ કેવી હતી?

વિશ્લેષકો માને છે કે છેલ્લા સાડા ત્રણ દાયકાથી OBC અને EBC લોકો રાજકારણમાં પ્રભુત્વ ધરાવે છે. જોકે, 1990 ના દાયકામાં લાલુ પ્રસાદ યાદવના શાસનના પ્રથમ પાંચ વર્ષોએ આશા જગાવી હતી કે રાજકારણ પર ઉચ્ચ જાતિઓની પકડ ઢીલી થઈ શકે છે. આ આશા કંઈક અંશે પૂર્ણ થઈ કારણ કે તેણે દલિતો જેવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોને અવાજ આપ્યો.

આ પણ વાંચો: ભારતના બૌદ્ધો દશેરાને બદલે ‘અશોક વિજયાદશમી’ કેમ ઉજવે છે?

બીજી બાજુ, એવું પણ માનવામાં આવે છે કે લાલુ-રાબડી શાસનના પંદર વર્ષના સમયગાળા દરમિયાન દલિતો આ તબક્કાથી આગળ વધી શક્યા નહીં. ઉદારીકરણ અને રાજ્યની બહાર ખાનગી ક્ષેત્રના વિકાસ સાથે, દલિતોનું સ્થળાંતર અનેકગણું વધ્યું, અને આ તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે.

સવર્ણ હિંદુઓનું રાજકારણ કરતા પક્ષો વચ્ચે દલિતો અટવાયા

જ્યારે નીતિશ કુમાર વિકાસના વાયદાઓ સાથે સત્તામાં આવ્યા, ત્યારે દલિતોએ મોટા પાયે વફાદારી બદલી અને ત્યારથી તેઓ મુખ્યત્વે NDA ને મત આપતા રહ્યા છે. જોકે, વિકાસ હજુ પણ તેમનાથી દૂર છે. OBC તેમના સામાજિક દમનકારોની હરોળમાં જોડાયા છે. સામાન્ય રીતે કહીએ તો, RJD યાદવોનો પક્ષ છે, JDU કુર્મીઓ અને EBCનો પક્ષ છે, અને BJP ઉચ્ચ જાતિઓ અને વાણિયાઓનો પક્ષ છે. આ દરેક પક્ષ સત્તામાં આવ્યા પછી પોતાની મુખ્ય મતબેંકને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. તેથી, દલિત ધારાસભ્યોનો તેમના પક્ષ અને સરકારમાં મર્યાદિત પ્રભાવ હોય છે અને એ જ દલિત રાજકારણની સૌથી મોટી મર્યાદા છે.

આ પણ વાંચો: ‘અમે આદિવાસી છીએ, હિંદુ નથી’, કોંગ્રેસના આદિવાસી નેતાની સ્પષ્ટ વાત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x