નેપાળના લોકતાંત્રિક ઈતિહાસમાં લુમ્બીની(Lumbini) પ્રાંતે એક નવો અધ્યાય લખ્યો છે. લુમ્બીની પ્રાંતીય સભાએ દલિતોના ઉત્થાન અને સામાજિક સુરક્ષાને પ્રાધાન્ય આપતું એક વિશેષ બિલ(first province to pass Dalit rights bill) સર્વસંમતિથી પસાર કર્યું છે. આ સાથે જ લુમ્બીની નેપાળનો એવો પ્રથમ પ્રાંત બન્યો છે જેણે રાષ્ટ્રીય કાયદા ઉપરાંત સ્થાનિક સ્તરે દલિતોના હકો માટે મજબૂત કાયદાકીય માળખું તૈયાર કર્યું છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય દલિતો સામે થતા ભેદભાવોને અટકાવવા ઉપરાંત તેમના જીવનધોરણમાં સુધારો લાવવા માટે શિક્ષણ, આરોગ્ય અને આવાસ જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવાનો છે.
શિક્ષણ અને આવાસ માટે વિશેષ જોગવાઈ કરાશે
આ બિલમાં દલિત વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા પરંતુ આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા દલિત વિદ્યાર્થીઓ માટે પ્રાંતની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના હોસ્ટેલમાં બેઠકો અનામત રાખવામાં આવશે. આ કાયદો સુનિશ્ચિત કરશે કે રહેવાની સુવિધાના અભાવે કોઈ પણ દલિત તેજસ્વી વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે.

શિક્ષણની સાથે જ દલિત પરિવારો માટે આવાસની સમસ્યા હલ કરવા માટે પણ સરકારે જવાબદારી સ્વીકારી છે. આવાસ વિહોણા પરિવારોને સુરક્ષિત આશ્રય પૂરો પાડવાની વ્યવસ્થા આ બિલના અમલીકરણ સાથે શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: નેપાળમાં બળવાનો ચહેરો બનેલો સુદન ગુરંગ કોણ છે?
ગંભીર બીમારીઓમાં મફત સારવાર
આરોગ્ય ક્ષેત્રમાં આ બિલ એક મોટી રાહત લઈને આવ્યું છે. ગંભીર અને જટિલ બીમારીઓથી પીડાતા ગરીબ દલિત નાગરિકો માટે પ્રાંતીય સરકાર દ્વારા નિર્ધારિત હોસ્પિટલોમાં સંપૂર્ણ મફત સારવારની ગેરંટી આપવામાં આવી છે. આર્થિક મોરચે, આ સમુદાયના પરંપરાગત વ્યવસાયોને જીવંત રાખવા અને તેમને આધુનિક યુગ સાથે જોડવા માટે સરકાર ટેકનિકલ સહાય અને મશીનરી પૂરી પાડશે.
પરંપરાગત વ્યવસાયોમાં વપરાતા કાચા માલ પર સબસિડી અને રાહત દરે લોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી દલિત પરિવારો આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે અને તેમના કૌશલ્યને યોગ્ય વળતર મળી રહે.

આ પણ વાંચો: BSP ને છેલ્લાં 19 વર્ષથી 20 હજારથી વધુનું દાન નથી મળ્યું!
સામાજિક ભેદભાવને નાબૂદ કરવામાં મદદ મળશે
સામાજિક વિકાસ મંત્રી જન્મજય તિમિલ્સિનાએ પ્રાંતીય સભામાં આ બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાયદો દલિત સમાજ માટે માનવાધિકાર અને સામાજિક ન્યાયની સાચી સ્થાપના કરશે. રાજ્યના તમામ સ્તરો પર દલિતોનું સમાવેશી પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવશે. નીતિ નિર્માણની પ્રક્રિયાથી લઈને તેના અમલીકરણ સુધી દલિતોની સક્રિય ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ કાયદો આર્થિક સંસાધનો અને તકો સુધી સમાન પહોંચ સ્થાપિત કરવામાં મદદરૂપ થશે, જેનાથી વર્ષો જૂના સામાજિક ભેદભાવોને નાબૂદ કરવામાં સફળતા મળશે.
લુબ્બીનીમાં દલિતોની વસ્તી 14.30 ટકા જેટલી
વર્ષ 2021ની વસ્તી ગણતરી મુજબ લુમ્બીની પ્રાંતમાં દલિતોની વસ્તી કુલ વસ્તીના 14.30 ટકા જેટલી છે, જે નોંધપાત્ર ગણાય. સમગ્ર નેપાળમાં આ સમાજની હિસ્સેદારી 13.44 ટકા છે. પ્રાંતીય સભાના પ્રવક્તા લોકમણિ પાંડેએ ખાતરી આપી છે કે પ્રાંતીય વડાની મંજૂરી મળતાની સાથે જ આ બિલ સત્તાવાર રીતે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. નેપાળના સંવિધાન મુજબ પ્રાંતોને મળેલી કાયદાકીય સત્તાનો લુમ્બીનીએ સચોટ ઉપયોગ કરીને સામાજિક ક્રાંતિની દિશામાં પહેલ કરી છે.
આ પણ વાંચો: નેપાળની બાલેન શાહ સરકારે સત્તાવાર રીતે દલિતોની માફી માંગી











