ગુજરાતમાં દલિતો સાથે જોડાયેલી મોટાભાગની બાબતોમાં સરકારી તંત્રનું વલણ ઉદાસીન રહ્યું છે. ગુજરાતમાં દલિતોના સ્મશાનોની સ્થિતિ મોટાભાગે ખરાબ રહી છે. અનેક ગામોમાં દલિતોના સ્મશાન માટે જમીનો પણ ફાળવાયેલી નથી. અનેક ગામોમાં જમીનો છે, પણ ત્યાં જવા માટેનો રસ્તો નથી. જો રસ્તો છે તો સ્મશાનમાં સુવિધાઓ નથી. આવું જ કંઈક ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામમાં જોવા મળી રહ્યું છે.
સ્મશાનની કામગીરી 15 વર્ષથી અધૂરી છોડી દેવાઈ
અહીં સિંગોડી તળાવના કિનારે આવેલ દલિત સમાજનું સ્મશાન છેલ્લા 15 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે. આ સ્મશાનનું બાંધકામ અધવચ્ચેથી જ અટકાવી દેવામાં આવ્યું છે, જે આજે પણ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યું છે. માત્ર કોંક્રિટના થાંભલાઓ અને અધૂરા માળખાને કારણે આ સ્થળ સ્મશાન ઓછું અને ખંડેર વધુ લાગે છે. જેને કારણે ચોમાસામાં ડાઘુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહેમદાવાદના વાંઠવાળી ગામમાં સિંગોડી તળાવના કિનારે આવેલાં સ્મશાનની કામગીરી છેલ્લા 15 વર્ષથી અધુરી છોડી દેવામાં આવી છે. જેને કારણે ડાઘુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો: ભાઈ સરપંચ બન્યો અને હત્યા થઈ, પછી બહેનની હત્યા થઈ…
દલિત સમાજનું સ્મશાન છે, પણ માથે છત નથી
દલિત સમાજના આ સ્મશાનની મરામત અને તેમાં પાયાની સુવિધાઓ આપવા માટે વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતાં હાલમાં સમાજના લોકોને કોઇ સ્વજનના મૃત્યુ સમયે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં આ સ્મશાનની જગ્યા અવાવરૂ અને ખંડેર જેવી બની છે. સ્થાનિક રહીશોના જણાવ્યાનુસાર, ચોમાસા દરમિયાન જ્યારે પણ કોઈનું અવસાન થાય છે, ત્યારે અંતિમ સંસ્કાર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્મશાન પર છત ન હોવાને કારણે વરસાદમાં ચિતા સળગાવવી મુશ્કેલ બને છે. પાયાની સુવિધાના અભાવે શોકગ્રસ્ત પરિવારને ભારે હાડમારી વેઠવી પડે છે.
તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો અપાય છે, કામગીરી નહીવત
આ બાબતે અનેક રજૂઆતો છતાં 15 વર્ષથી માત્ર આશ્વાસનો જ મળી રહ્યા છે. આ મામલે સરપંચ રમેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમે નવું સ્મશાન બનાવવા માટે મંજુરી માંગી છે. જે મળ્યેથી તમામ સુવિધા સાથેનું સ્મશાન બનાવવામાં આવશે. અમે તળપદા સમાજના સ્મશાન માટે પણ તાલુકા કક્ષાએ રજૂઆત કરી છે. પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો: ‘આ ફ્રૂટવાળો ઢે#@ છે, પૂજા માટે તેની પાસે ફ્રૂટ ન ખરીદતા…’










