Adivasi News: ઓડિશા(odisha) ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા અહીં બે દલિત યુવકોને જાતિવાદી તત્વોએ ગૌતસ્કરીના આરોપસર માથું મુંડી, મોં કાળું કરી, ઘાસ ખવડાવીને બે કિ.મી. સુધી ઘૂંટણિયે ચાલવા મજબૂર કર્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. આવી જ બીજી એક ઘટના અહીં સામે આવી છે. જેમાં એક આદિવાસી પ્રેમી યુગલે(loving couple) પોતાની મરજીથી લગ્ન કરતા સમાજના પંચે તેમને બળદ બનાવી (turned into a bull) ખેતર ખેડવાની સજા કરી હતી. એ પછી તેમનું શુદ્ધીકરણ કરી સમાજમાં પરત લીધાં હતા.
ઓડિશાના રાયગઢની ઘટના
મામલો ઓડિશાના રાયગઢનો છે. અહીં એક નવપરિણીત આદિવાસી યુગલને સ્થાનિક રિવાજો વિરુદ્ધ લગ્ન કરવા બદલ ટોળા દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોના ટોળાએ યુગલને બળદની જેમ દોરડાથી બાંધી ખેતર ખેડવા માટે મજબૂર કર્યું હતું. આ અમાનવીય ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
યુવક-યુવતીને પ્રેમલગ્ન કરવાની સજા મળી
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, યુવક અને મહિલાએ તાજેતરમાં પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે ગામના કેટલાક લોકો ગુસ્સે હતા. કહેવાય, છે કે બંનેના લગ્ન સામાજિક રિવાજો વિરુદ્ધ હતા, જેના કારણે સ્થાનિકો તેને તેમની પરંપરાઓનું અપમાન માનતા હતા. મળતી માહિતી અનુસાર, યુવક યુવતીની ફોઈનો પુત્ર છે. જેને પરંપરાગત માન્યતાઓ અનુસાર ખૂબ જ નજીકના સંબંધી માનવામાં આવે છે. આ કારણોસર, બંને વચ્ચે કોઈપણ પ્રકારનો સંબંધ પ્રતિબંધિત છે.
આ પણ વાંચોઃ પાણી ભરેલા ખાડામાંથી 4 આદિવાસી બાળકોના મૃતદેહ મળ્યાં
ઓડિશાના રાયગઢમાં એક આદિવાસી યુગલને પ્રેમલગ્ન કરવા બદલ બળદ બનાવી ખેતર ખેડવાની સજા કરવામાં આવી. આ મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. #viralvideo #Odisha #adivasi #couple #lovemarriage #atrocity pic.twitter.com/HcXb3cQZNc
— khabar Antar (@Khabarantar01) July 12, 2025
ટોળું મૂકપ્રેક્ષક બની તમાશો જોતું રહ્યું
આ લગ્ન કાયદેસર હોવા છતાં ગ્રામજનોએ તેની સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને તેને રીતિ-રિવાજોનો ભંગ માન્યા હતા. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ યુગલને સજા કરવા માટે ક્રૂર અને અમાનવીય પદ્ધતિ અપનાવી હતી. વાયરલ વીડિયોમાં એવું જોવા મળે છે કે યુવક અને યુવતીને દોરડાથી બાંધીને ખેતરમાં લઈ જવામાં આવ્યા હતા અને હળ ખેંચવાની ફરજ પાડવામાં આવી હતી. આ સમય દરમિયાન ભીડ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી હતી. કેટલાક લોકો આ ઘટનાને તેમના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરતા રહ્યા.
આ પણ વાંચોઃ આદિવાસી યુવકને માર મારી, મોં પર થૂંકી, પેશાબ પીવડાવ્યો
ખેતર ખેડાવ્યા બાદ યુગલનું શુદ્ધિકરણ કરાયું
ખેતરમાં હળ ચલાવવા માટે દબાણ કર્યા પછી, યુગલને ગામના મંદિરમાં લઈ જવામાં આવ્યું. જ્યાં વડીલોએ તેમની ‘શુદ્ધિકરણ’ વિધિ કરાવી. જેનો હેતુ ‘પાપ ધોવાનો’ હતો. આ કથિત શુદ્ધઇકરણ દ્વારા યુવક-યુવતીને પ્રતીકાત્મક રીતે સમાજમાં ફરીથી સામેલ કરવામાં આવ્યા હતા.
સામાજિક કાર્યકરોએ કાર્યવાહીની માંગ કરી
આ ઘટનાને પગલે રાજ્યભરના સામાજિક કાર્યકરો અને સંગઠનો તાત્કાલિક કાનૂની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અધિકારીઓએ આ બાબતની તપાસ શરૂ કરી છે. રાજ્ય સરકારે પણ ખાતરી આપી છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું