‘બંધારણવાળો બાબો.” અને ‘માભોમ કી ગોદ કા અરમાન થા આંબેડકર..’ જેવા ડો. આંબેડકરની વિરાટ પ્રતિભાને છાજે તેવા ચિરકાલીન ગીતોને કંઠ આપનાર પદ્મશ્રી(Padma Shri Hemant) હેમંત ચૌહાણે(Hemant Chauhan) થોડા દિવસ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના શતાબ્દિ વર્ષ નિમિત્તે તેને શુભેચ્છા પાઠવતો વીડિયો બનાવી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યો હતો. જેને લઈને દલિત-બહુજન સમાજના એક વર્ગમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. એ પછી અનેક લોકોએ પદ્મશ્રી હેમંત ચૌહાણને ફોન કરીને આ બાબતે સ્પષ્ટતા કરવા માટે કહ્યું હતું. હવે આ બાબતે હેમંત ચૌહાણે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને માફી માગી લીધી(Hemant Chauhan apologizes) છે.
આવો જ એક ફોન જૂનાગઢના વતની અને બહુજન એક્ટિવિસ્ટ નિખિલ ભીમવંશી(Nikhil Bhimvanshi)એ હેમંત ચૌહાણને કર્યો હતો. નિખિલ ભીમવંશીએ હેમંત ચૌહાણને ફોન કરીને પ્રશ્ન કર્યો હતો કે, “ડો.આંબેડકરના કારણે તમને પદ્મશ્રી મળ્યો છે. જો બાબાસાહેબ ન હોત તો તમે ગમે તેટલા મોટા ગાયક કલાકાર હોત તો પણ તમને સ્ટેજ ન મળત.”
આ પણ વાંચો: દલિત પરિવાર દુર્ગાના દર્શન કરવા ગયો, સવર્ણોએ ધક્કા મારી કાઢી મૂક્યો
“એટલે બાબાસાહેબે ગળું આપ્યું એમ…?”
નિખિલ ભીમવંશીના આ સવાલના જવાબમાં પદ્મશ્રી હેમંત ચૌહાણ એવું કહેતા સંભળાય છે કે, ‘એટલે બાબાસાહેબે ગળું આપ્યું એમને?’ જો કે, એ પછી પોતાનાથી કાચું કપાઈ ગયું છે, એવો ખ્યાલ આવતા તરત હેમંત ચૌહાણ ‘મેં શું ભૂલ કરી?’ એમ કહીને આખી વાતને વાળવા પ્રયત્ન કરે છે. જેની સામે નિખિલ ભીમવંશી સવાલ કરે છે કે, “આરએસએસે દલિતો માટે એવું શું કામ કર્યું, જેનાથી તમે તેને શુભેચ્છા આપી? તમે 14મી એપ્રિલે કદી શુભેચ્છા આપી?”
જેના જવાબમાં હેમંત ચૌહાણ કહે છે કે, “બાબાસાહેબના 500 વીડિયો બનાવ્યા છે. તમે ના જોયો હોય એમાં હું શું કરું?” સામે નિખિલ ભીમવંશી કહે છે કે, “અમે તો એક પણ નથી જોયો.” આ સમગ્ર ટેલિફોનિક વાતચીતનો ઓડિયો નિખિલ ભીમવંશીએ પોતાની યુટ્યુબ ચેનલ પર મૂક્યો છે. જો કે, ખબરઅંતર.ઈન આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી. આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ અન્ય કેટલાક બહુજન એક્ટિવિસ્ટોએ પણ સોશિયલ મીડિયામાં પદ્મશ્રી હેમંત ચૌહાણની આકરી ટીકા કરી હતી. ત્યારબાદ હેમંત ચૌહાણે માફી માંગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.
આ પણ વાંચો: 100 વર્ષમાં એક પણ દલિત RSS પ્રમુખ કેમ નથી બન્યો?
ઓડિયો ક્લિપમાં હેમંત ચૌહાણ અને નિખિલ ભીમવંશી વચ્ચે શું વાતચીત થઈ?
નિખિલ ભીમવંશીઃ “તમારો એક વીડિયો મેં જોયો, આરએસએસને શુભેચ્છા આપતો. હેમંતભાઈ તમે જે સમાજમાંથી આવો છો. એમ કહેવાય કે,જો બાબાસાહેબ ન હોત તો તમે ગમે તેટલા મોટા ગાયક હોત તો પણ તમને સ્ટેજ ન મળત.”
હેમંત ચૌહાણઃ “એટલે બાબાસાહેબે ગળું આપ્યું એમને?”
નિખિલ ભીમવંશીઃ “હેં…?”
હેમંત ચૌહાણઃ “બાબાસાહેબના પ્રતાપે હું આગળ છું. તો શું મેં કોઈ ભૂલ કરી?”
નિખિલ ભીમવંશીઃ “તમે આરએસએસને શુભેચ્છા આપી. તો તેણે એવું શું કામ કર્યું દલિતો માટે?”
હેમંત ચૌહાણઃ “શુભેચ્છા તો હું તમને પણ આપું.”
નિખિલ ભીમવંશીઃ “આરએસએસે દલિતો માટે એવું શું સારું કામ કર્યું કે તમે તેને શુભેચ્છા આપી? તમે 14મી એપ્રિલે કદી શુભેચ્છા આપી? તમારો રસિક ખખ્ખરવાળો મુદ્દો ચાલતો હતો ત્યાં આરએસએસ આવતી હતી?”
હેમંત ચૌહાણઃ “આપણે એમને કીધું નહોતું, નહીંતર એ મદદ કરત.”
નિખિલ ભીમવંશીઃ “તો પછી તમે જાહેર કરી દો કે હું દલિત સમાજનો નથી. RSS ના જ થઈ જાવ, ચોખ્ખા થઈ જાવને તો.”
હેમંત ચૌહાણઃ “દલિત જ છીએ. પહેલા તો માણસ છીએ.”
નિખિલ ભીમવંશીઃ “આગળ તમે શું બોલ્યા, કે બાબાસાહેબે ગળું આપ્યું? બાબાસાહેબે ગળું નહીં, તેમણે જે આપ્યું તેની તમે કલ્પના પણ ન કરી શકો.”
હેમંત ચૌહાણઃ “દલિત પછી આવ્યા, પહેલા માણસ છીએ. એટલે આપણે માત્ર દલિત સાથે સંબંધ રાખવો એવું ન તો નથી.”
નિખિલ ભીમવંશીઃ “સંબંધની વાત નથી. સંબંધ તો અઢારેય વરણ સાથે રાખવાનો હોય.”
હેમંત ચૌહાણઃ “તો, બે શબ્દોમાં કંઈ ખરાબ થોડું છે.”
નિખિલ ભીમવંશીઃ “આરએસએસના એજન્ડા વાંચ્યા? તમે તો કર્મચારી છો, એજ્યુકેટેડ છો, કોઈ અભણ માણસ હોય તો બરોબર છે.”
હેમંત ચૌહાણઃ “પણ આપણા ઘરે આવતા હોય…”
નિખિલ ભીમવંશીઃ “આરએસએસ તમારા ઘરે આવે છે?”
હેમંત ચૌહાણઃ “હા, મળવા આવે. ક્યારેક કોઈ પ્રોગ્રામ હોય તો હું ના પાડું.”
નિખિલ ભીમવંશીઃ “પણ એમ નહીં. આ તમે જાહેરમાં આરએસએસને શુભેચ્છા આપી. કોઈ દિવસ એપ્રિલમાં બાબાસાહેબની શુભેચ્છા આપી?”
હેમંત ચૌહાણઃ “બાબાસાહેબના 500 વીડિયો બનાવ્યા છે. તમારા સુધી નો પોગ્યા એમાં હું શું કરું?”
નિખિલ ભીમવંશીઃ “કે દિ’ બનાવ્યા? અમે તો એકેય નથી જોયો.”
હેમંત ચૌહાણઃ “બાબાસાહેબના જેટલા ગીતો મેં ગાયા છે એટલા કોઈએ નહીં ગાયા હોય.”
નિખિલ ભીમવંશીઃ “તમે ખાલી ગાયા છે ને?”
(ત્યારબાદ ઓડિયો બંધ થઈ જાય છે.)
આ પણ વાંચો: ‘અમારો અવાજ કોઈ સાંભળતું નથી’, જૂનાગઢના આદિવાસીઓની રાષ્ટ્રપતિને ફરિયાદ











Users Today : 1746
*RSS નાં પ્રખર હિમાયતી પદ્યમશ્રી હેમંત ચૌહાણ જી
તંબુરા સાથે મસીહા બાબા સાહેબ આંબેડકરના નામે મીઠા મીઠા ભજનો ગાવાથી લાખો કરોડો દલિતોનો ઉદ્ધાર કરી શકો તેમ નથી, તથાગત ભગવાન બુદ્ધ, સંત કબીર સાહેબ, સંત શિરોમણી રવિદાસ સાહેબ, સત્યશોધક જોતિરાવ ફુલે અને આધુનિક ભારતના અને સંવિધાનના નિર્માતા એવાં પરમ પૂજ્ય બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકર જીના ભારતના કરોડો અનુયાયીઓના હૃદયને મોટો આઘાત પહોંચાડ્યો છે! તમારી મનપસંદ દલિલ જે માફીને પાત્ર નથી.
જય સંવિધાન જય ભારત જય વિજ્ઞાન!
જયભીમ નમો બુદ્ધાય! ધન્યવાદ સાધુવાદ! સાધુવાદ!