મનુવાદી તત્વો માંસ-મટનના નામે દલિતો, આદિવાસીઓ પર જીવલેણ હુમલા કરતા ખચકાતા નથી. યુપીની યોગી સરકાર હિંદુઓના તહેવારોના બહાને મુસ્લિમોની નોનવેજની દુકાનો બંધ કરાવે છે. પરંતુ હવે એક પૂજારી જ મંદિરમાં નોનવેજ ખાતા પકડાયા છે. મામલો યુપીના કાનપુરનો છે.
અહીંના કેશવપુરમ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ‘બાબા શ્રી ભૂતેશ્વર ધામ’ મંદિરના યુવા પૂજારી પ્રશાંત ગિરી ઉર્ફે ગોલુ પંડિતના એક કૃત્યએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ગોલુ પંડિત મંદિરમાં બેસીને મોજથી નોનવેજથી મજા માણી રહ્યાં હતા, તેમની આ મોજમાં ભંગ ત્યારે પડ્યો જ્યારે મંદિરમાં દર્શને આવતા કોઈ શ્રદ્ધાળુએ તેમના નોનવેજ ખાતા ફોટા પાડીને વાયરલ કરી દીધા. એ પછી ઉશ્કેરાયેલા ભક્તો મંદિરે પહોંચી ગયા હતા અને ગોલુ પંડિતની ધુલાઈ કરી નાખી હતી.

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થતા હોબાળો મચ્યો
આ સમગ્ર વિવાદની શરૂઆત રવિવારે રાત્રે થઈ હતી. પૂજારી પ્રશાંત ગિરીનો એક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. આ તસવીરમાં પૂજારી કથિત રીતે માંસાહારી ભોજન આરોગતા નજરે પડતા હતા. હિન્દુ ધર્મમાં અને ખાસ કરીને મંદિરના પૂજારી માટે માંસાહાર વર્જ્ય માનવામાં આવે છે, (જો કે, એ વાત જુદી છે કે, અનેક પૂજારીઓ માંસાહાર આરોગે છે.) ત્યારે આ ફોટો આગની જેમ વાયરલ થઈ ગયો હતો. સ્થાનિક ભક્તો અને હિન્દુ સંગઠનોમાં આ વાતને લઈને ભારે રોષ વ્યાપી ગયો હતો. લોકોનું માનવું હતું કે પૂજારીએ મંદિરની ગરિમા અને કરોડો લોકોની આસ્થા સાથે ચેડાં કર્યા છે.
આ પણ વાંચો: ત્રણ મુસ્લિમ વૃદ્ધોને બજરંગ દળ કાર્યકરે દોડાવી-દોડાવીને ફટકાર્યા!
ઉશ્કેરાયેલા ટોળાંએ પંડિતજીને ઢોર માર માર્યો
જેવો આ ફોટો વાયરલ થયો, કે તરત જ અંદાજે 50 થી 60 લોકોનું ટોળું ગુસ્સામાં લાલચોળ થઈને ભૂતેશ્વર ધામ મંદિર પરિસરમાં ધસી આવ્યું હતું. લોકોએ ત્યાં પહોંચીને ભારે સૂત્રોચ્ચાર કર્યા અને પૂજારી પ્રશાંત ગિરીને શોધવા લાગ્યા હતા. જ્યારે પૂજારી સામે આવ્યા, ત્યારે ઉશ્કેરાયેલી ભીડે કાયદો હાથમાં લીધો હતો. આરોપ છે કે લોકોએ પૂજારીને પકડીને મંદિરના પવિત્ર પરિસરની બહાર ઘસડ્યા હતા અને તેમની જોરદાર ધોલાઈ કરી હતી.
પૂજારીનો પરિવાર ટોળાએ કરેલી મારામારીથી સ્તબ્ધ
આ હિંસક દ્રશ્યો જોઈને પૂજારીના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. પૂજારીના પિતા અને મંદિરના મુખ્ય મહંત સંતોષ ગિરીએ જણાવ્યું કે, જ્યારે તેમની પત્ની (પૂજારીની માતા) અને પુત્રવધૂ પ્રશાંતને બચાવવા માટે વચ્ચે પડ્યા, ત્યારે ભીડે તેમની સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું. આ ઘટનાને કારણે મંદિર પરિસરમાં લાંબા સમય સુધી અફરાતફરીનો માહોલ રહ્યો હતો.

ગોલુ પંડિતને મંદિરમાંથી બહાર કરી દેવાયો
હોબાળો થતા ગોલુ પંડિતના પિતાએ પોતાના પુત્રને બચાવવા માટે ફરી ધર્મનું શરણું લીધું હતું. તેમણે હિંદુ ધર્મની ગરિમાનું બહાનું આગળ ધરીને મીડિયા સમક્ષ આવીને જાહેર કર્યું કે, “મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે અને તેની પવિત્રતા જાળવવી એ આપણી પ્રથમ ફરજ છે. મને જેવી જાણ થઈ કે મારા પુત્રએ માંસાહાર કરીને મર્યાદા તોડી છે, મેં તેને તાત્કાલિક અસરથી મંદિરની તમામ સેવાઓ અને જવાબદારીઓમાંથી બરતરફ કરી દીધો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે હવે તેમનો પુત્ર પ્રશાંત ગિરી મંદિરના કોઈ પણ કાર્યમાં ભાગ લઈ શકશે નહીં. જોકે, તેમણે એ વાત પર પણ દુઃખ વ્યક્ત કર્યું કે લોકોએ કાયદો હાથમાં લઈને મારપીટ નહોતી કરવી જોઈતી.
यूपी के कानपुर में भूतेश्वर मंदिर के महंत प्रशांत गिरी उर्फ गोलू पंडित के पिटाई का वीडियो सामने आया है। बताया जा रहा है कि उनका नॉनवेज दुकान पर नॉनवेज खाते हुए एक वीडियो वायरल होने के बाद कुछ श्रद्धालुओं में नाराज़गी पैदा हो गई। इसी तनाव के बीच मंदिर परिसर में कुछ लोगों ने उनके… pic.twitter.com/iUsYftiMhM
— NCIB Headquarters (@NCIBHQ) March 9, 2026
આ પણ વાંચો: જોષી સાહેબ, કેમ મને પીરસવા નહોતા દેતા એ હવે સમજાય છે’
પોલીસે પૂજારી વિરુદ્ધ તપાસ શરૂ કરી
આ હોબાળા બાદ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પૂજારી પ્રશાંત ગિરી વિરુદ્ધ શાંતિ ભંગની કલમો હેઠળ પગલાં લીધા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેઓ વાયરલ ફોટાની સત્યતાની પણ તપાસ કરી રહ્યા છે.
બીજી તરફ, મારામારીની ઘટના બાદ પૂજારી પ્રશાંત ગિરી હાલ ગુમ થઈ ગયો છે. તેના પિતાના જણાવ્યા મુજબ, તે પોલીસ અને લોકોના રોષના ડરથી ક્યાંક ચાલ્યો ગયો છે અને તેની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. હાલમાં મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી ફરીથી કોઈ હિંસક પ્રતિક્રિયા ન આવે.
આ પણ વાંચો: દૂધરેજ વડવાળા મંદિરના પૂજારીએ કરડી નજરે પૂછ્યું, ‘તમે કેવા?’











