સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સડલા ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ શાળામાં ભણતી ધો.6થી 8ની નવ જેટલી વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે વિદ્યાર્થીનીઓએ પહેલા તેમના વાલીઓ જાણ કરી હતી, વાલીઓએ સરપંચને જાણ કરતા સરપંચે પોલીસ બોલાવી હતી. અંતે પાટડી પોલીસે આચાર્યને પોલીસ સ્ટેશને લઈ પૂછપરછ હાથ ધરી હતી. બીજી તરફ ટી.પી.ઓ. દ્વારા કેળવણી નિરીક્ષક અને બી.આર.સી. તપાસ શરૂ કરી દેવાઇ છે. હવે ગ્રામજનોએ આચાર્ય સામે કડક પોલીસ કાર્યવાહી કરી શિક્ષણ વિભાગ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરે તેવી માંગ કરી છે.
ઘટના શું છે?
મળતી માહિતી મુજબ, પાટડીના સડલા ગામની પ્રાથમીક શાળાના આચાર્ય હરેશ દ્વારકાદાસ પ્રજાપતિ ધોરણ 6-7-8 ની નવેક છોકરીઓની છેડતી કરતા હોવાનો આરોપ લાગતા હોબાળો મચી ગયો છે. એક દીકરીએ આ મામલે તેના માતાપિતાને જાણ કરી હતી, તેમણે સરપંચને વાત કરી હતી. એ પછી સરપંચે પોતાની રીતે વિદ્યાર્થીનીઓની તપાસ કરતા 9 જેટલી વિદ્યાર્થીનીઓએ આચાર્ય તેમની છેડતી કરતા હોવાનું સ્વીકારતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે, આચાર્ય તેમને ધમકાવતા હતા અને આ વાત જો ઘરે કોઈને કરી તો નાપાસ કરીશ તેમ દાટી મારતા હતા. આ મામલે સરપંચે પોલીસને જાણ કરતા પાટડી પીઆઈ સહિતનો સ્ટાફ સડલા પ્રા.શાળાએ પહોંચ્યો હતો અને આચાર્યને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગયો હતો.
શાળામાં લોકોના ટોળાં ઉમટ્યાં
બીજી તરફ આ મામલાની જાણ ગામલોકોને થતા લોકોના ટોળેટોળાં શાળાએ એકઠા થઈ ગયા હતા. જેથી પોલીસ આચાર્યને લઈને પાટડી પોલીસ સ્ટેશન પહોચી હતી. જ્યાં આચાર્ય અને ગામના સરપંચ અને દીકરીઓના વાલીઓની પણ પૂછપરછ પોલીસે શરૂ કરી હતી. આ મામલે હવે આચાર્ય સામે કોણ પોલીસ ફરીયાદ આપશે અને શિક્ષણ વિભાગ આચાર્ય સામે કેવી કાર્યવાહી કરે છે એના પર સૌ કોઈની નજર છે.
આ પણ વાંચો: પોલીસે ચોરને જોડાનો હાર પહેરાવી કારના બોનેટ પર બેસાડી પરેડ કરાવી
જિલ્લા પોલીસ વડાએ શું કહ્યું?
આ ઘટનાને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશ પંડયાએ જણાવ્યું હતું કે, સડલાના આચાર્ય સામે છેડતી કર્યાની ગ્રામજનોની રજૂઆતના આધારે આચાર્યની પુછપરછ ચાલુ છે. પોલીસ તપાસ ચાલુ છે ફરીયાદ આપશે તો ફરીયાદ પણ લઇ લેવાશે.
શાળાના શિક્ષકો અજાણ હતા કે આચાર્યને છાવરતા હતા?
આ ઘટનાને લઈને શાળાના અન્ય શિક્ષકો વિરુદ્ધ પણ શંકાની સોય તકાઈ છે. આચાર્ય છ માસથી છોકરીઓની છેડતી સ્કૂલમાં કરતા હોય અને આ વાતની શાળાના શિક્ષકોને જાણ ન હોય એ ગંભીર બાબત ગણાય. તો શું શિક્ષકોને જાણ હોય અને છતાં તેઓ આચાર્યને છાવરતા હશે? કે શિક્ષકો પણ અજાણ હશે? એની પણ તપાસ થાય એવી લોકોની માંગ છે. ગ્રામજનો પોલીસ આચાર્ય સામે કડક કાર્યવાહી કરીને તાત્કાલિક સસ્પેન્ડ કરે તેવી માંગ કરી રહ્યાં છે.
પાટડીના ટીપીઓએ શું કહ્યું?
આ મામલે પાટડીના ટી.પી.ઓ. અંબુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, સડલાના આચાર્ય સામે વાલીઓની રજૂઆતના આધારે પાટડી કેળવણી નિરીક્ષક અને બી.આર.સી. તપાસ ચલાવી રહયા છે. તેમનો રિપોર્ટ આવ્યા બાદ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે અને આગળની કાર્યવાહી ત્યાંથી જ કરવામાં આવશે.
આ પણ વાંચો: બ્રાહ્મણોએ OBC કથાકારનું માથું મુંડી, માનવમૂત્ર છાંટી, નાક રગડાવ્યું
*આચાર્ય હરેશ દ્વારકાદાસ પ્રજાપતિની તેની શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટોની ઉચ્ચ લેવલે તપાસ થવી જોઈએ, સાથે સાથે નકલી સર્ટિફિકેટોની પણ તપાસ થવી જ જોઈએ! આવા હવસખોરોને ના પોલીસનો ડર છે કે ના ગુજરાત સરકારનો! જયભીમ જય ભારત!