જૂનાગઢમાં વર્ષ 2025ના સૌથી વધુ ચર્ચિત બનેલા ગણેશ જાડેજા અને રાજુ સોલંકી પરિવાર વચ્ચેના વિવાદમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. મળતી માહિતી મુજબ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઇ ગયુ છે. આજે રાજુ સોલંકીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને સમાધાન અંગે ખુલાસો કર્યો હતો, તેમણે કહ્યું કે, “મને સમાજના બે-ચાર લોકોએ ગેરમાર્ગે દોર્યો હતો. રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાના ઈશારે કામ કરાયું હતું. તેમાં જયરાજસિંહ જાડેજા વિરૂદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું. જોકે, આ સમગ્ર મામલે હવે સમાધાન થઈ ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા જ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકી વચ્ચે વિવાદ થયો હતો, અપહરણ અને માર મારવાની ઘટનાને લઇને બન્ને પક્ષો સામસામે કોર્ટમાં ગયા હતા.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ ચૂકાદાઓમાં દલિતોને ‘જાનવર’ ગણાવ્યા!
રાજુ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું?
આજે રાજુ સોલંકીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને મોટો ધડાકો કરતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં અનિરુદ્ધસિંહ જાડેજા અને સમાજના 2-3 આગેવાનોએ મને ગેરમાર્ગે દોર્યો હતો. જયરાજસિંહને બદનામ કરવા અનિરુદ્ધસિંહે કાવતરું ઘડ્યું હતું, અનિરુદ્ધસિંહના ઈશારે અમે કામ કર્યું હતું. અમને ગીતાબા જાડેજાનું રાજીનામું માગવાની પણ અમને સૂચના અપાઈ હતી. રાજુ સખિયા અને દિનેશ પાતર પણ આખા ષડયંત્રમાં સામેલ હતા. અનિરુદ્ધસિંહના પુત્રને ચૂંટણી લડાવવા ષડયંત્ર રચાયું હતું. આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ 2-4 લોકોનું જ હતું.

આ પણ વાંચો: UNESCO માં ડૉ. આંબેડકરની પ્રતિમા લાગી, મનુવાદીઓને લપડાક!
જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું?
રાજુ સોલંકી અને ગણેશ જાડેજા વચ્ચેના વિવાદનો અંત આવતા જયરાજસિંહ જાડેજાએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આ કેસમાં સમાધાન માટે કોઈએ રૂપિયા નથી માંગ્યા, સમાધાન પેટે કોઈ સોદાની વાત થઈ નથી. રાજુ સોલંકી સાથે કોઈ વહીવટ પણ નથી કર્યો. ગુમરાહ કરવા માટે સમાજને ગેરમાર્ગે દોરાય છે. દલિત સમાજના સમૂહ લગ્નમાં ભોજન સમારંભમાં હું મદદ કરીશ.
સમાધાનના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં
જો કે, આ ઘટનાના સૌરાષ્ટ્રના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગણેશ જાડેજાએ જે રીતે દલિત યુવકનું અપહરણ કરી, ગોંધી રાખીને માર માર્યો હતો, તેને લઈને સમગ્ર દલિત સમાજ રાજુ સોલંકીની પડખે ઉભો રહ્યો હતો. પણ હવે તેણે જ સમાધાન કરી લેતા દલિત સમાજ રોષે ભરાયો છે.
આ પણ વાંચો: દલિતોને બીમાર ગણાવી મંત્રીના ટ્રસ્ટે 19 વીઘા જમીન પડાવી!










