રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને તળાવને ડેવલોપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવાનું શરૂ કરાયું છે. આજે વહેલી સવારથી કુલ 4 ફેઝમાં 8 ટીમે ડિમોલિશન કામગીરી શરૂ કરી છે અને આજે બપોર સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરાશે.
શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાનો અને કોર્પોરેશનના 300 અધિકારીઓ-કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. 10 હિટાચી મશીન અને 5 JCB મશીન તેમજ શ્રમિકોની મદદથી દબાણો દૂર કરાઈ રહ્યા છે. તંત્ર ધાર્મિક સિવાયના દબાણો હટાવશે અને વર્ષ 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરશે તેમ કહ્યું છે.

ભરવાડ વાસથી શરૂઆત કરવામાં આવી
વટવાના ભરવાડ વાસ ગલી નંબર 4માં મકાનોને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કેટલાક સ્થાનિકોએ મકાનો ખાલી કર્યા નહોતા. જેના કારણે હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં દબાણો દૂર કરવાની કાર્યવાહી બંધ કરવી પડી છે. સ્થાનિકોના મકાનો ખાલી કરાવવા પડે તેમ હોવાના પગલે હાલ દબાણ તોડવાનું બંધ કરવામાં આવ્યું છે. કોર્પોરેશને પોલીસને સાથે રાખીને મકાનો ખાલી કરાવવાની શરૂઆત કરી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નોટિસ આપ્યા વગર મકાનો તોડવા માટે કોર્પોરેશનની ટીમ આવી ગઈ છે.
આ પણ વાંચો: ડૉ. બાબાસાહેબ આંબેડકર: દલિત નેતા કે રાષ્ટ્ર નેતા?

સીમંતનો પ્રસંગ હોવા છતાં દબાણ તોડી પડાશે
અહીંની ગોપાલપાર્ક સોસાયટીમાં આજે એક ભરવાડ સમાજનો સીમંતોન્નયનનો પ્રસંગ છે. જેથી બાજુમાં આવેલી જગ્યામાં મંડપ બાંધી અને ત્યાં રસોડું કરવામાં આવ્યું છે. આજે સવારથી ડિમોલિશન શરૂ કરતાં સ્થાનિકોએ બપોર સુધીનો જમણવારનો પ્રસંગ પૂર્ણ થાય ત્યાં સુધી રસોડું કરાયું છે ત્યાં ડિમોલિશન બપોર બાદ કરવા વિનંતી કરાઈ હતી. સ્થાનિક રહેવાસીનો પ્રસંગ ન બગડે તેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા તે જગ્યામાં બપોર બાદ ડિમોલિશન કરવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમાર અને રીદ્ધેશ રાવલ તેમજ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ વાંદરવટ તળાવ ખાતે હાલ હાજર છે.
ઘર વિહોણા લોકોને શેલ્ટર હોમમાં રખાશે
AMCએ આ વખતે ઘર વિહોણા થનારા લોકો માટે વ્યવસ્થા કરી હોવાનું કહેવાય છે. કામગીરી દરમિયાન રહીશોને તેમનો સામાન ખસેડવા માટે AMTS બસો સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે. જે પરિવારો પાસે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા નથી, તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શેલ્ટર હોમમાં ખસેડવાની સુવિધા આપવામાં આવી છે. તંત્રના જણાવ્યાનુસાર, આ કામગીરી પૂર્ણ થવાથી તળાવની જળસંગ્રહ ક્ષમતા વધશે અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિમાં સુધારો જોવા મળશે.
4 ફેઈઝમાં દબાણ હટાવવાની કામગીરી કરાશે
AMC દ્વારા આ સમગ્ર કામગીરીને વ્યવસ્થિત રીતે ચાર તબક્કામાં વહેંચવામાં આવી છે. ડિમોલિશનનો પ્રારંભ નૈયા મયંક સીઝનેબલ સ્ટોર પાસે રહેલા દબાણો હટાવીને કરવામાં આવ્યો હતો. ફિરદોસ મસ્જિદ સહિતના બે મુખ્ય ધાર્મિક સ્થાનો સિવાયના તમામ ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. દબાણો દૂર થયા બાદ આ તળાવને સરકારના પ્રોજેક્ટ હેઠળ ડેવલપ કરવામાં આવશે, જેથી ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થાય અને આસપાસના રહીશોને સુંદર પર્યાવરણ મળી રહે.
આ પણ વાંચો: મહુમાં ડો.આંબેડકર જન્મભૂમિ પચાવી પાડવા કાવતરું રચાયું!
દબાણના નામે ગરીબોને હટાવવાનું ષડયંત્ર?
આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુજરાતમાં જે રીતે સરકાર દબાણો હટાવી રહી છે, તે જોતા એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, સરકાર અમદાવાદ શહેરમાંથી ગેરકાયદે દબાણો હટાવવાના બહાને દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજના લોકોને ટાર્ગેટ કરીને મોકાની જમીનો પરથી દૂર કરી રહી છે. વિકાસના નામે ગરીબોના ઘરોનો ભોગ લેવાઈ રહ્યો છે. બીજી તરફ શહેરમાં એવા અનેક દબાણો છે જે માલેતુજારો દ્વારા કરાયા છે. પણ તેમને તંત્ર દ્વારા હાથ પણ લગાડવામાં આવતો નથી.
Major demolition at Vatva area by #amc pic.twitter.com/4OPXe5w0GO
— Ishani Parikh (@ishaniparikh) January 20, 2026
અનેક રાજકીય વગ ધરાવતા લોકો શહેરમાં ગેરકાયદે દબાણો કરીને બેઠાં છે, પરંતુ તેમના દબાણો હટાવાતા નથી. બીજી તરફ સરકાર ગરીબોના ઝૂંપડાને ટાર્ગેટ કરીને તેમને ઘરવિહોણાં કરી રહી છે. આમ સુનિયોજિત રીતે મોકાની જગ્યાઓ પરથી એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમાજને શહેરમાંથી દૂર કરાઈ રહ્યો છે અને તે જગ્યાઓ વિકાસના નામે ભાજપના નેતાઓ અને તેમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ પર આપી દેવાશે.
આ પણ વાંચો: અમદાવાદના કુબેરનગરમાં 150 SC-OBC પરિવારોનો આશરો છીનવાયો!












