ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના પ્રમુખ અને સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા પૂર્વ આઈએએસ અધિકારી પ્રવીણ ગઢવી(Praveen Gadhvi) સાહેબે વિદાય લીધી છે. તેમની અચાનક એક્ટિઝથી તેમના ચાહકો, મિત્રવર્તુળ, સનદી અધિકારીઓ અને ગુજરાતી દલિત સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઢવી સાહેબને હૃદયની બીમારી હતી. થોડા દિવસ પહેલા જ તેમની બાયપાસ સર્જરી કરવા માટે દવાખાને લઈ જવાયા હતા. જો કે, કોઈ કારણોસર સર્જરી થઈ શકી નહોતી. એ પછી તેમની તબિયતમાં સુધારો જણાયો હતો. પરંતુ ગઈકાલે રાત્રે અચાનક તેમને છાતીમાં દુઃખાવો થયો હતો અને મધરાતે 12-01 વાગ્યાની વચ્ચે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. આ સાથે જ દલિત સાહિત્યના ગઢમાંથી એક મજબૂત કાંગરો ખરી પડ્યો હતો.
નાનપણમાં જાતિવાદનો અનુભવ થયો હતો
15 મે 1951ના રોજ મહેસાણાના મોઢેરામાં તેમનો જન્મ થયો હતો. હાલ તેઓ ગાંધીનગરમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. વતન મોઢેરમાં તેમનું ઘર બ્રાહ્મણ મહોલ્લા વચ્ચે હતું, પરંતુ નાનપણમાં એકવાર એક બ્રાહ્મણ મિત્રના ઘરમાં તેમને પ્રવેશવા દેવાયા નહોતા. એ ઘટનાએ નાનકડા પ્રવીણના મનમાં કાયમી ઉંડી છાપ છોડી દીધી હતી. તેમના ઘર પાસેથી દલિત મહોલ્લાનો રસ્તો પસાર થતો હોવાથી તેમના પિતાને પણ દલિતો સાથે સારો મનમેળ હતો. આવા વાતાવરણને કારણે દલિતો પ્રત્યે તેમનામાં પહેલેથી સમભાવ હતો.
રાજપુર-ગોમતીપુરમાં દલિત કવિઓ સાથે દોસ્તી
એ પછી માધ્યમિક શિક્ષણ લેવા માટે તેઓ અમદાવાદના રાજપુર-ગોમતીપુરમાં આવે છે. અહીં ‘બહિષ્કૃત ફૂલો’ના કવિ નીરવ પટેલ તેમના મિત્ર બને છે. નીરવ પટેલના કહેવાથી પ્રવીણ ગઢવીએ દલિત પેન્થરના મેગેઝિન ‘આક્રોશ’માં ગુજરાતના દલિતોની વ્યથા વર્ણવતી કવિતા લખી હતી. પોતાની જાતને દલિત તરીકે કલ્પીને જે તેમણે લખેલી પહેલી દલિત કવિતાના શબ્દો હતા,
“મંદિર પ્રવેશ ન કરો દોસ્તો, થંભી જાઓ
એ મંદિરના પગથિયા પર પડ્યો છે, આપણા પુત્રનો લોહી નીંગળતો દેહ
બાજુમાં પડી છે આપણી પુત્રી-નિર્વસ્ત્ર-અર્ધમૃત્ત-છિન્નવિછિન્ન છે એનું રૂપ”
જન્મે દલિત ન હોવા છતાં અનેક દલિત કવિઓ, સાહિત્યકારો, પત્રકારો અને લેખકો સાથે ભારે ઘરોબો હોવાથી દલિતોની પીડાને તેઓ બહુ નજીકથી સમજી શક્યા હતા. તેઓ ધારત તો પોતાની પ્રતિભાના જોરે મુખ્યધારાના સાહિત્યમાં પણ કાઠું કાઢી શક્યા હોત. પરંતુ તેમણે દલિત સાહિત્યનું સર્જન કરવાનું પસંદ કર્યું. જન્મે દલિત ન હોવા છતાં તેમણે જે લાગણી સાથે દલિત સાહિત્યમાં જે રીતે મજબૂત ખેડાણ કર્યું હતું તે કોઈને પણ આશ્ચર્ય પમાડે તેવું છે.
સનદી અધિકારી તરીકે પ્રશંસનીય કામગીરી કરી
પ્રવીણ ગઢવી આઈએએસ હતા. સનદી અધિકારી તરીકે તેમણે અમરેલી જિલ્લા કલેક્ટરથી માંડીને વિવિધ સરકારી કચેરીઓમાં નિયામકથી લઈને કમિશ્નર તરીકે સેવાઓ આપી હતી. તેમનાં આશરે 45 જેટલાં પુસ્તકો પ્રગટ થયેલાં છે. તેઓ 1970થી દલિત સાહિત્ય સાધના કરી રહ્યાં હતા. મુખ્યત્વે તેઓ વાર્તાકાર અને કવિ તરીકે આગવી ઓળખ ધરાવે છે. તેઓ મુખ્યધારાનાં પ્રવાહમાં રહીને સતત દલિત સાહિત્યની કૃતિઓ રચતાં રહ્યાં છે.
આ પણ વાંચો: મનરેગાના બે દાયકા: પડકારો અને પ્રાસંગિકતા
સવાયા દલિત સાહિત્યકાર તરીકે ખ્યાતિ પામ્યા
પ્રવીણ ગઢવી દલિત સાહિત્યનાં આંદોલનમાં પ્રારંભથી જ જોડાયેલાં રહ્યાં છે. તેઓ અદલિત હોવા છતાંયે પૂરી નિષ્ઠા અને પ્રતિબધ્ધતાથી દલિત સાહિત્યનું ખેડાણ કરી રહ્યાં હતા. ગુજરાતી દલિત સાહિત્યમાં જો સહુ પ્રથમ માત્ર દલિત વાર્તાઓનો જ વાર્તાસંગ્રહ પ્રગટ થયો હોય તો તે પ્રવીણ ગઢવીનો ‘અંતરવ્યથા’ છે. તેઓ અદલિત હોવા છતાંયે દલિત સાહિત્ય પરત્વેની પ્રતિબધ્ધતાને કારણે ‘સવાયા દલિત સાહિત્યકાર’ તરીકે સ્વીકૃતિ પામ્યાં છે. દલિત સાહિત્યમાં મહત્વનાં વાર્તાકાર તરીકે એમની ગણના થાય છે. જેવા એ વાર્તાકાર છે તેવા જ એ મહત્વનાં કવિ પણ છે, એમની કવિતાઓનું સૂક્ષ્મ કવિકર્મ એમને સ્થાપિત કવિઓની હરોળમાં મૂકી આપે છે.
કવિતા, દલિત વાર્તા, વિવેચન સહિત 45 પુસ્તકો લખ્યાં
પ્રવીણ ગઢવીના ટૂંકી વાર્તા, દલિત વાર્તા સંગ્રહ, દલિત પૌરાણિક વાર્તા સંગ્રહ, વિવેચન સંગ્રહ, ભાષાંતર અને સંપાદન મળી કુલ ૪૫ પુસ્તકો પ્રગટ થયાં છે. તેમના ‘સૂરજ પંખી’ ટૂંકી વાર્તા સંગ્રહને ગુજરાત સરકારનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. અને કલેકટર, અમરેલી તરીકે સ્વાંત સુખાય ‘કલાપી તીર્થ’ને ગુજરાત સરકારનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
સફાઈ કામદારો માટે નોંધનીય કામ કર્યું હતું
તાજેતરમાં ડૉ બાબાસાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મજયંતિ નિમિત્તે દુરદર્શન- અમદાવાદ દ્વારા વિશેષ કાર્યક્રમ અંતર્ગત કવિ સંમેલન યોજાયું ત્યારે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રવીણ ગઢવી ખેડામાં ડેપ્યૂટી કલેકટર અને અમરેલી ખાતે કલેકટર રહી ચૂક્યા હતા. એ દરમ્યાન સફાઈ કામદારો માટે ખૂબ નોંધનીય કાર્યો કર્યા હતા. વાવ તાલુકામાં તેમણે અનેક દલિતોને ફાજલ જમીન અપાવી હતી.
ખબરઅંતર.કોમના લોન્ચિંગમાં યાદગાર સંબોધન કર્યું હતું
Khabarantar.com ના લોન્ચિંગ કાર્યક્રમમાં ખરા તડકાની પરવા કર્યા વિના તેમણે સમયસર ઉપસ્થિત રહીને સ્ટેજ શોભાવ્યું હતું. એ દરમિયાન “બહુજન સમાજ માટે પોતાનું મીડિયા હોવું શા માટે જરૂરી છે?” તે વિષય પર યાદગાર સંબોધન કર્યું હતું. તેમની અણધારી વિદાયથી દલિત સાહિત્ય જગતને બહુ મોટી ખોટ પડી છે.
પ્રવીણ ગઢવીનું દલિત સાહિત્યમાં ખેડાણઃ
કવિતાઃ આસવદ્વીપ, મધુ વાર્તા ઋતાયતે, મધુમય પૃથિવીર ધુલિ, શિપ્રા અને આનંદધારા.
દલિત કાવ્ય સંગ્રહોઃ બેયોનેટ, પડછાયો, તૃણીર, કવિનો અવાજ, નિષાદ, ન સાંભળે કોઈ, દલિતવાણી(સં. હરીશ મંગલમ), વોરિયર અને કોમરેડ ગાંધી.
ટૂંકી વાર્તાઃ સૂરજપંખી, પ્રતિક્ષા, મલાકા અને સ્વર્ગ ઉપર મનુષ્ય.
દલિત વાર્તા સંગ્રહઃ અંતરવ્યથા, છમ્ભરૂપ અને આભડછેટના ઓછાયા.
દલિત પૌરાણિક વાર્તાસંગ્રહઃ સંશય, શુદ્રપર્વ, અસુરસર્ગ અને અસુર સ્કંધ.
વિવેચન સંગ્રહઃ સોહામણી રૂપેણ(લોકગીતો), મધ્યકાલિન કાવ્ય વિનોદ(આસ્વાદ), શબ્દપાન(વિવેચન), મુક્તકંઠ(રાજકીય-સામાજિક લેખ સંગ્રહ), ચારણી લોક કાવ્ય સૌંદર્ય(લોકસાહિત્ય), ગાંધી પુનરાવલોકન(ગાંધી વિચાર પરના લેખો), આરામ(દલિત વિવેચન), સ્વાન્ત સુખાય(વિવેચન) ચારણી લોકકાવ્ય સૌંદર્ય(અભ્યાસ લેખો)
ભાષાંતરઃ વોઈસ ઓફ ધી લાસ્ટ (દલિત કવિતા), પોએટ્સ વોઈસ(દલિત કવિતા), બ્લેક પેઈન(દલિત વાર્તા), સિટી ઓફ ડસ્ટ એન્ડ લસ્ટ, લવ સોંગ્સ ઓફ સિઝન્સ.
સંપાદનઃ દલિત કવિતા(ગુજરાત દલિત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત)
પુરસ્કારઃ ‘સૂરજપંખી’ ટૂંકી વાર્તાસંગ્રહને ગુજરાત સરકારનો પ્રથમ પુરસ્કાર. ‘સ્વાન્તઃ સુખાય’ પ્રોજેક્ટ કલાપીતીર્થને ગુજરાત સરકારનો પ્રથમ પુરસ્કાર, કલેક્ટર અમરેલી તરીકે. કવિ ડાહ્યાભાઈ પટેલ ટ્રસ્ટ દ્વારા સાહિત્ય સર્જન માટે સુવર્ણચંદ્રક.
(વિશેષ માહિતીઃ કવિ નિલેશ કાથડ, જૂનાગઢ)
આ પણ વાંચો: ‘રામને ન માનનારા ચમાર છે..’ કહેનાર રામભદ્રાચાર્યને ‘જ્ઞાનપીઠ’ મળ્યો
OM shanti..sat sat Naman..