વડોદરાનો કમાટી બાગ ભારતના બહુજન સમાજ માટે લાગણીનું પ્રતિક છે. મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરે જાતિવાદી તત્વોથી પરેશાન થઈને જ્યારે આ શહેર છોડવાનો નિર્ણય કર્યો ત્યારે તેઓ કમાટીબાગમાં વડના ઝાડ નીચે બેસીને ચોધાર આંસુએ રડ્યા હતા. એ પછી તેમણે આખું જીવન દલિત-બહુજન સમાજ માટે સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો. હવે એ જ કમાટી બાગમાં કામ કરતા દલિત સફાઈકર્મીઓને કોર્પોરેશનના સવર્ણ કોન્ટ્રાક્ટરો દ્વારા અન્યાય થઈ રહ્યો હોવાથી સફાઈકર્મીઓએ આંદોલન શરૂ કર્યું છે.
સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપી અહિંસક લડત શરૂ કરી
ગઈકાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતે આજે વિવિધ બાગમાં કામ કરતા કર્મચારીઓએ પોતાની માગણીઓ સંદર્ભે દેખાવો કર્યા હતા અને કામગીરીથી અલિપ્ત રહી હડતાલ પાડી હતી. કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાની માગણીઓ સંદર્ભે પ્લે કાર્ડ દર્શાવી લડત શરૂ કરી હતી. બાગમાં આવતા સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપી અહિંસક લડત શરૂ કરી હતી. તેઓએ બગીચાઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓ લાવવાની વિચારણા શરૂ થઈ છે તે સામે વિરોધ પણ વિરોધ દર્શાવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેર ભાજપ SC મોરચો ચાની કીટલીએથી ચાલે છે!
15 વર્ષથી કામ કરતા સફાઈકર્મી સાથે અન્યાય
સફાઈ કામદાર સંઘર્ષ સમિતિએ જણાવ્યું છે કે અગાઉ 1,200 સફાઈ સેવકોને જે રીતે ન્યાય અપાયો છે, તે રીતે બગીચાઓમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતા કર્મચારીઓને ન્યાય મળવો જોઈએ. બીજા વિભાગોમાં માનવ દિન મજુર તરીકે 720 દિવસ પૂરા કરનાર લોકોને રોજમદાર ગણીને ન્યાય અપાયો છે તો બાગના કર્મચારીઓને પણ ન્યાય મળવો જોઈએ, કારણ કે આ લોકોના 2,000 થી વધુ દિવસ થયા છે. માનવ દિન મજૂર તરીકે તેઓ દરેક કામગીરી કરતા આવ્યા છે. અમારી આ વેદના લોકોને ગુલાબનું ફુલ આપીને વ્યક્ત કરી છે.
કોન્ટ્રાક્ટ આપી દઈ મજૂરોનું શોષણ કરવામાં આવે છે
સફાઈકર્મીઓએ વધુમાં જણાવ્યું હતું કે, આઉટસોર્સિંગથી બાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવવા સામે વિરોધ છે. છેલ્લા 15 વર્ષથી બગીચાઓમાં માળી, સફાઈ કામદાર, એનિમલ કીપર સહિતની વિવિધ કામગીરી કરતા 140 કર્મચારીઓ છે, તેઓને માનવ દિનમાંથી રોજમદાર તરીકે પરિવર્તિત કરવા અમારી માગણી છે. ગાર્ડન શાખામાં 350 થી વધુ જગ્યા ખાલી છે અને આ ખાલી જગ્યામાં 140 કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવતા કોર્પોરેશનને કોઈ આર્થિક નુકસાન થાય તેમ નથી, તો આ ખાલી જગ્યા ભરી દેવી જોઈએ. જો અમને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું.
દેશના વંચિત,શોષિત, પીડિત સમાજને ન્યાય અપાવવાનો ડો.આંબેડકરે જે જગ્યાએ સંકલ્પ લીધો હતો, એ જ જગ્યાના સફાઈકર્મીઓ આજે પોતાના હકો અને ન્યાય માટે લડી રહ્યાં હોવાથી સમગ્ર ગુજરાતનું આ ઘટના તરફ ધ્યાન ખેંચાયું છે.
આ પણ વાંચો: વાલ્મિકી યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત, પરિવારે કહ્યું આ હત્યા છે