બહુજન સમાજના પુસ્તકો માટે જાણીતા શરૂઆત પબ્લિકેશન દ્વારા અમદાવાદ ખાતે નવા 5 પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજના વાંચનરસિકો, બૌદ્ધિકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વિદ્યાપીઠ પાસે આવેલા ભારતીય સમુદાય શિક્ષણ સંઘ ખાતે શરૂઆત પબ્લિકેશન દ્વારા ૧ જૂન ૨૦૨૫, રવિવારના રોજ પાંચ નવા પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જાણીતા લેખક, કવિ અને સામાજિક કાર્યકર્તા રાજુ સોલંકી, આકાશવાણી અમદાવાદના નિવૃત્ત ડે. ડાયરેક્ટર ભરત દેવમણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન શરૂઆત પબ્લિકેશનના માલિક કૌશિક પરમારે કર્યું.

વિમોચન થયેલા પુસ્તકોમાં જોતિરાવ ફુલે રચિત ગુલામગીરી (ગુજરાતી અનુવાદ), ડૉ. બાબાસાહેબ આંબેડકર રચિત રામ અને કૃષ્ણ (ગુજરાતી અનુવાદ), સંત શિરોમણી રોહીદાસ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર (લેખક: ચર્ચિલ મીરાણા), કાર્લ માર્ક્સ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર અને વ્લાદિમીર લેનિન – સંક્ષિપ્ત જીવન ચરિત્ર (લેખક: સાહિલ પરમાર)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Wikipedia ની ‘ગુજરાતી સાહિત્યકારોની યાદી’માં દલિતો ગાયબ
કાર્યક્રમમાં એક્ટિવિસ્ટ રાજુ સોલંકીએ જોતિરાવ ફુલેના સાહિત્ય પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, જોતિરાવ ફુલેએ વિદેશી સાહિત્યકારોના જન્મ પહેલાં જ વિશ્વકક્ષાના નાટકો અને પુસ્તકો લખ્યા હતા. તેમના ગુલામગીરી પુસ્તકના વિચારોને બાબાસાહેબ આંબેડકરે પોતાના સાહિત્યમાં વિસ્તારથી રજૂ કર્યા છે. તેમણે કાર્લ માર્ક્સ અને લેનિનની વિચારધારા પર પણ ચર્ચા કરી અને ભારતીય સંદર્ભમાં તેનું મહત્વ સમજાવ્યું.
આકાશવાણી અમદાવાદના પૂર્વ અધિકારી ભરત દેવમણીએ સંત રોહીદાસના જીવન અને તેમના બેગમપુરાના વિચાર પર વિસ્તૃત ચર્ચા કરી, જેમાં સામાજિક સમાનતાનો સંદેશ સમાવિષ્ટ છે.
પ્રો. હેમંતકુમાર શાહ, જેમણે ગુલામગીરી અને રામ અને કૃષ્ણનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમણે ભારતની સામાજિક સ્થિતિ અને આ પુસ્તકોની ન્યાયની ચળવળમાં ઉપયોગિતા વિશે જણાવ્યું. ચર્ચિલ મીરાણાએ સંત રોહીદાસના જીવનચરિત્ર પર પ્રકાશ પાડ્યો, જ્યારે સાહિલ પરમારે કાર્લ માર્ક્સ અને લેનિનના જીવનચરિત્રો દ્વારા ભારત અને ગુજરાતમાં સામ્યવાદની સ્થિતિની ચર્ચા કરી.

કાર્યક્રમમાં દલિત પેન્શર ગુજરાતના પ્રમુખ, રાહુલ પરમાર, ગુજરાત યુનિ.ના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. અરુણ વાઘેલા, એક્ટિવિસ્ટ સંજય પરમાર (જ્ઞાનીસ), કિશન સોલંકી, વિનીત સોલંકી, શમશાદ પઠાણ, તુષાર પરમાર સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી.
શરૂઆત પબ્લિકેશનના આ પ્રયાસને સામાજિક જાગૃતિ અને શૈક્ષણિક ઉન્નતિના પગલાં તરીકે જોવામાં આવે છે. આ પુસ્તકો ગુજરાતી ભાષામાં સામાજિક ન્યાય અને ચેતનાના વિચારોને વધુ સુલભ બનાવશે. વધુ માહિતી માટે www.sharuaatbookstore.com પર મુલાકાત લઈ શકાય છે અથવા 8141191312 પર સંપર્ક કરી શકાય છે.
આ કાર્યક્રમે સામાજિક ચેતના અને સાહિત્યના મહત્વને ઉજાગર કરી ઉપસ્થિત પ્રેક્ષકોમાં નવા વિચારોનું સંચારણ કર્યું હતું.
આ પણ વાંચો: શરૂઆત બુકસ્ટોર : જ્ઞાન અને જાગૃતિનું એક અનોખું સ્થળ










