ગુજરાતીમાં એક કહેવત છે-નબળો ધણી બૈરી પર શૂરો. કહેવતનો અર્થ ગુજરાતની જાતિવાદથી ખદબદતી સિસ્ટમમાં જરા જુદી રીતે લાગુ પડે તેમ છે. ગુજરાત સહિત દેશભરમાં ઓબીસી સમાજના બંધારણીય હકો પર સવર્ણો દ્વારા સૌથી તરાપ મારે છે, એ હવે નગ્ન સત્ય બાબત છે. પણ અંધશ્રદ્ધા અને સવાયા હિંદુ બનીને પોતાની જાતિનું ઠાલું ગૌરવ લઈને ફરતા ઓબીસી સમાજની અમુક ચોક્કસ જાતિના લોકો આ અસલ લડાઈ છોડીને નિર્દોષ અને આર્થિક-સામાજિક-રાજકીય રીતે નબળા
દલિત સમાજના લોકોને નિશાન બનાવીને પોતાની જાતિની મહાનતાનું ગૌરવ સ્થાપિત કરવા હવાતિયાં મારતા રહે છે. આ લોકોમાં તેમના ખુદના હકો સામે અવાજ ઉઠાવવાની હિંમત નથી પરંતુ દલિતોને વગર વાંકે માર મારી, હત્યા કરી તેમને તેમની જાતિની મહાનતા સાબિત કરવામાં અંદરથી પોતે મહાન હોવાની લાગણી અનુભવવાની મજા આવે છે. આવા લોકોને જ્યારે કાયદો સજા કરે છે અને જેલમાં સબડવાનું આવે છે ત્યારે બધી મહાનતા સોંસરી નીકળી જતી હોય છે.
ઠાકોર સમાજની બે મહિલાઓ-એક પુરૂષે મળી હુમલો કર્યો
ગુજરાતમાં ઓબીસી સમાજની ચોક્કસ જાતિઓ દ્વારા દલિતો પર હુમલા કરવાની ઘટનાઓ છેલ્લાં કેટલાક સમયથી વધી છે. આવી જ વધુ એક ઘટના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી સામે આવી છે. અહીં એક દલિત યુવકને ઓબીસી ઠાકોર સમાજની બે મહિલાઓ અને એક પુરૂષે મળીને કોઈ જ કારણ વિના જાતિસૂચક ગાળો ભાંડીને હુમલો કરી દીધો હતો. આ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: એક દલિત પ્રોફેસર 20 વર્ષથી હક માટે યુનિ. સામે લડી રહ્યાં છે
પાટણ જિલ્લાના સિદ્ધપુરના ખોલવાડા-રામપુરની ઘટના
મામલો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખોલવાડા-રામપુરા ગામનો છે. અહીં તા. 20 જુલાઈ, 2025ના રોજ એક દલિત યુવક પર ઠાકોર સમાજની બે મહિલાઓ અને એક પુરૂષે હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ ગામના દલિત સમાજમાંથી આવતા સુરેશભાઈ પરમાર(ઉ.40 વર્ષ) સવારના સાડા અગિયાર વાગ્યા આસપાસ ગામમાં આવેલી એક પાનની દુકાને ઉભા હતા. એ દરમિયાન ગામના રાજેશજી ઉર્ફે ડેકો ઠાકોર, કોકિલાબેન હેમાજી ઠાકોર અને આશાબેન ઠાકોર ત્યાં ગુસ્સામાં આવ્યા હતા. અને સુરેશભાઈ પરમારને જાતિસૂચક ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપીને હુમલો કરી દીધો હતો.
આરોપીઓએ જાતિસૂચક ગાળો ભાંડી કુહાડીથી હુમલો કર્યો
ત્રણેય આરોપીઓએ મળીને સુરેશભાઈને ગડદાપાટુંનો માર મારીને તેમના ચશ્મા અને ગળામાં પહેરેલું પેંડલ તોડી નાખ્યું હતું. આશાબેન નામની મહિલાએ સુરેશભાઈના માથામાં ઊંધી કુહાડી મારી હતી, જેથી તેમને ઈજા થઈ હતી.
એટ્રોસિટી, બીએનએસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
આ મામલે સુરેશભાઈ પરમારે સિદ્ધપુર પોલીસ સ્ટેશને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા(BNS)ની વિવિધ કલમો, GP એક્ટ અને એટ્રોસિટી એક્ટ(SC-ST Act) ની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડવાની કવાયતની સાથે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: વાંકાનેરના રાતી દેવરીમાં 10 ભરવાડોએ બે દલિત ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો
*શા માટે જાણી જોઈને પોતાના ગરીબ સમાજની ફજેતી કરો છો, તમે પણ OBC માં આવો છો, ઉચ્ચ જાતિના સંગે ચઢવાની કોશિશ કરશો નહિ! ક્યાં સુધી દલિતોને માનસિક ત્રાસ આપ્યા કરશો? ધન્યવાદ!