વાંકાનેરના રાતી દેવરીમાં 10 ભરવાડોએ બે દલિત ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો

'તને બહુ હવા આવી ગઈ છે, મંદિરે ભેગો થા' કહીને 10 ભરવાડોએ મળી બે દલિત ભાઈઓ પર તલવાર, પાઈપ, ધોકાથી હુમલો કર્યો.
dalit news

ગુજરાતમાં દલિત અત્યાચારની મોટાભાગની ઘટનાઓમાં ઓબીસી સમાજના લોકોનો ફાળો વધુ રહ્યો છે. આ એ સમાજ છે, જે તેમના સંતાનોને મળેલી 27 ટકા બંધારણીય અનામત પર સવર્ણો દ્વારા મારવામાં આવતી તરાપ મુદ્દે લડતો નથી. પરંતુ દલિતોને તદ્દન નજીવી બાબતે પાઠ ભણાવી દેવા માટે તરત તૈયાર થઈ જાય છે અને તેમના પર જીવલેણ હુમલો કરતા પણ ખચકાતો નથી. આ એ લોકો છે, જેઓ આજે પણ શિક્ષણમાં સૌથી પછાત છે અને સતત ભૂવા-ભારાડી, માતા અને દેવોની પૂજામાં મગ્ન રહીને અંધશ્રદ્ધામાં રાચતો રહે છે. આ એ લોકો છે, જેમને સવર્ણો તેમની અનામતમાં ગાબડાં પાડી તેમના સંતાનોના હકની નોકરીઓ છીનવી રહ્યાં છે તેને લઈને તદ્દન અંધારામાં છે, ત્યાં લડત આપવાનું તેમને સૂઝતું નથી અને હજુ ઘોર નિંદ્રામાં છે અને સવાયા હિંદુ બનીને છાતી ફૂલાવીને ફરે છે.

પરિણામે જાતિનું સૌથી વધુ અભિમાન આ જ લોકોના મગજમાં ભરાઈ ગયું હોય તેવી સ્થિતિ છે. હજુ ગયા મહિને જ અમરેલીમાં એક નિર્દોષ દલિત યુવકની ભરવાડોએ બેટા કહેવા બદલ હત્યા કરી નાખી હતી.

હવે આવી જ એક ઘટના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના એક ગામમાં સામે આવી છે. જ્યાં 10 જેટલા ભરવાડોએ મળીને એક બે સગા દલિત યુવકો પર તલવારો, પાઈપ, ધોકા સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરતા બંને દલિત યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે 10 ભરવાડો સામે એટ્રોસિટી એક્ટ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

મોરબીના રાતી દેવરી ગામની ઘટના

મામલો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાતી દેવરી ગામનો છે. અહીં અનુસૂચિત જાતિ સમાજના બે સગા ભાઈઓ પર 10 જેટલા ભરવાડોએ ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આરોપીઓએ બંને યુવકોને જાતિસૂચક અપશબ્દો બોલી અપમાન કરી તલવારો, ધોકા, પાઈપ સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ મામલે 10 જેટલા ભરવાડો સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: લો બોલો! જાહેર શૌચાલય પર કબ્જો જમાવી તેને મંદિર બનાવી દીધું

મામલો શું હતો?

આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના રાતી દેવરી ગામે રહેતા 24 વર્ષનો ભરતભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રેમજીભાઈ ઉર્ફે વિપુલભાઈ વોરા નામનો યુવક સીએનજી રિક્ષામાં જડેશ્વરથી પોતાના ગામ રાતી દેવરી આવી રહ્યો હતો. એ દરમિયાન રસ્તામાં આરોપી ભગા ભરવાડે તેને રોકીને “તને બહુ હવા છે? તું ગામના હનુમાન મંદિર પાસે ભેગો થા, તને જોઈ લઉં” કહીને નીકળી ગયો હતો. એ પછી જ્યારે વિપુલ વોરા રિક્ષા લઈને પોતાના ગામ રાતી દેવરીના પાદરમાં આવેલા હનુમાન મંદિરે પહોંચ્યો ત્યારે તમામ આરોપીઓ હથિયારો સાથે તૈયારી કરીને બેઠા હતા. વિપુલ જેવો મંદિર પાસે પહોંચ્યો કે તરત આરોપીઓ તેના પર તલવાર, પાઈપ, ધોકા અને હાથમાં પહેરેલા કડાથી તૂટી પડ્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વિપુલ ઉર્ફે ભરતભાઈ વોરાનો ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે વાંકાનેર અને ત્યાંથી રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

યુવકના મોટાભાઈ સમજાવવા ગયા તો તેમના પર પણ હુમલો કર્યો

હુમલાની જાણ થતા વિપુલ ઉર્ફે ભરતભાઈના મોટાભાઈ દેવજીભાઈ આરોપીઓને ક્યા કારણોસર હુમલો કર્યો તે પૂછવા માટે ગયા હતા. તો આરોપીઓએ તેમના પર પણ તલવાર, ધોકા, પાઈપ અને કડાથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દેવજીભાઈ વોરાને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. અને તેમને પણ સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે વિપુલ ઉર્ફે ભરતભાઈ વોરાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ભગા ઘોઘા ભરવાડ, ભૂપત વિભા ભરવાડ, હિતેશ કરશન ભરવાડ, પાંચા છના ભરવાડ, જયેશ કરશન ભરવાડ, અનિલ છના ભરવાડ, મેઘા વિરજી ભરવાડ, જીલા વિરજી ભરવાડ, વિભા ભરવાડ અને છના ભરવાડ એમ કુલ 10 આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને બીએનએસ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

હુમલા પાછળનું કારણ હજુ પણ અસ્પષ્ટ

આ કેસમાં આરોપી ભરવાડોએ શા માટે આટલો મોટો હુમલો કર્યો તે હજુ સુધી મીડિયા રિપોર્ટ પરથી સ્પષ્ટ થતું નથી. ફરિયાદી યુવક માત્ર રિક્ષા લઈને ગામે પરત આવી રહ્યો હતો ત્યારે ભરવાડ શખ્સે તેને રસ્તામાં રોકીને ધમકી આપી હતી અને પછી દલિત યુવક ગામમાં પહોંચ્યો કે તરત તેના પર હુમલો કરી દીધો હતો. હુમલા માટે ચોક્કસ શું કારણ જવાબદાર છે, તેને લઈને હજુ પણ કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી. આ ઘટનાને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

આ પણ વાંચો: હિંમતનગરના ઢુંઢરમાં 9 દરબારોએ દલિત કિશોર પર હુમલો કર્યો

4 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
3 months ago

*ગુજરાતનાં ભરવાડ સમાજનાં બુદ્ધિશાળી લોકોએ સમજવું જોઈએ કે તમારી સંવૈધાનિક 27% અનામત કોણ કોણ લોકો હડપ કરી નાંખે તેની સામે RTI કરવાની હિંમત રાખો, ફક્ત દલિત સમાજની પીઠ પાછળ ઘા ઝીંકવાની કૂટનીતિ બંધ કરો એ જ વિનંતી છે…!

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x