અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું લોલિયા ગામ. જ્યાં એક દલિત પરિવાર પર અત્યાચારનો કાળો ઇતિહાસ લખાયો છે. અમે 25 ડિસેમ્બર 2025 ના રોજ લોલિયા ગામની મુલાકાત લીધી. જેમાં હું એડવોકેટ કૌશિક પરમાર (લેખક અને કર્મશીલ), ડો.મિતાલી સમોવા (મહિલા અધિકાર મંચ, ગુજરાત-લેખક અને કર્મશીલ) તથા વિનોદ કુમાર અઢિયોલ (કર્મશીલ અને સમાજ સેવક) આ મુલાકાતમાં જોડાયા હતા. આ મુલાકાત નો હેતુ એક સામાજિક દ્રષ્ટિકોણનો હતો. જેમાં ઘટના શું હતી, શા માટે બનેલી, અને આજે આ ગામમાં શું સ્થિતિ છે? તેના થકી આખી ઘટનાના મૂળમાં જવાનો પ્રયત્ન કર્યો છે.
મુલાકાત દરમિયાન અમો સૌ પ્રથમ ઘનશ્યામભાઈ હરજીભાઈ રાઠોડના ઘરે ગયા, જેઓ આ કેસના મુખ્ય સાહેદ છે અને ઓબીસી સમાજમાંથી આવે છે. તેઓની સાથે ભીમભાઈ જાલુભાઈ જેજરીયા, મફાભાઈ માઉભાઈ ઓજારી, વિનુભાઈ બચુભાઇ પીટવા, જ્યોત્સનાબેન ઘનશ્યામભાઈ રાઠોડ સહિતના લોકો મળ્યાં. ત્યાર બાદ વિજયભાઈ, પ્રવિણાબેનના ઘરે ગયા. જ્યાં કંકુબેન જે વિજયભાઈના માતા છે અને તેમની ઉંમર આશરે 95 વર્ષ છે. તેમની માનસિક હાલત અત્યંત ખરાબ છે. એવું જાણવા મળેલ છે કે વિજયભાઈ અને પ્રવિણાબેનની હત્યા બાદ તેમની માતાએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને આપણી કોઈ વાત ભાગ્ય જ સમજી શકે છે. તેમની સાથે હંસાબેન અને જયેશભાઈ હતા, જેમની સાથે લાંબી વાતચીત થઈ.
લોલિયા ગામ અમદાવાદથી આશરે 80 કિલોમીટર દૂર આવેલું છે તાલુકા મથકથી એટલે કે ધોળકાથી લોલિયા 45 કિલોમીટર દૂર છે. આ ગામ અમદાવાદ ભાવનગર હાઇવે ઉપર બિલકુલ રોડ ઉપર આવેલું છે. મુખ્ય હાઇવેથી 100 મીટરના અંતરે લગભગ માનવ વસાહત શરૂ થઈ જાય છે. ગામમાં કોળી પટેલ, રાજપૂત, ભરવાડ, દેવીપૂજક, અનુ.જાતિ સહિતના લોકો રહે છે. હાલ ગામની વસ્તી આશરે 5000ની આસપાસ ની હોવાનું મનાય છે. જ્યારે ગામમાં અમે પ્રવેશ્યા તો ગામમાં અજંપાભરી શાંતિ જણાતી હતી અને અનેક લોકો અમોને જુદી દ્રષ્ટિ થી જોતા હતા, તેઓ અમોને કોઈ અધિકારીઓ સમજતા હતા કારણ કે આ ગામમાં એસ.પી.શ્રી,કલેકટર શ્રી પણ આવી ચૂકેલ છે.
આ પણ વાંચો: બોલીવૂડના ‘જાતિવાદની પોલ ખોલનાર’ વિજય રંચનની વિદાય
ગામમાં દલિત અત્યાચાર પૂર્વેની કેટલીક નોંધનીય ઘટનાઓ
લોલિયા ગામમાં ભરવાડ જાતિના ત્રણેક પરિવારો અત્યંત માથાભારે હોવાનું કહેવાય છે. ખૂબ લાંબા સમયથી આ પરિવારોનું ગામમાં તેમજ આજુબાજુના ગામમાં વર્ચસ્વ રહેલુ છે. આ પરિવારો દ્વારા અનેક લોકો ભોગ બન્યા હોય તેવી માહિતી અમારી મુલાકાતમાં જણાયું છે. જુદી જુદી અનેક જ્ઞાતિના લોકોને આ પરિવારો એ માર મારેલ છે અને પોતાનું એક શાસન ઉભું કર્યું છે. પણ મૂળ પ્રશ્ન વર્ષ 2006 માં ઉભો થાય છે, જે વિજયભાઈની હત્યા સુધી દોરી જાય છે.
વર્ષ 2006 માં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લોકશાહીની જીત અને વર્ચસ્વની લડાઈ
લોલિયા ગ્રામ પંચાયતની વર્ષ 2006 માં ચૂંટણી હતી અને વિજયભાઈ અમરભાઈ ચાવડાએ આ ચૂંટણીમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ ચૂંટણી જીત્યા હતા. આ દલિત પરિવારના એક યુવાને સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી હતી. આ જીત માત્ર રાજકીય સફળતા નહોતી, પરંતુ વર્ષોથી ચાલતા માથાભારે તત્વોના વર્ચસ્વને સીધો પડકાર હતો. આ જીત પછી જ તેના વિરોધમાં દબાણ, ધમકીઓ અને શત્રુતા વધી ગઈ. લોકશાહીએ જેને અવાજ આપ્યો, એ અવાજને દબાવવાનો પ્રયાસ શરૂ થયો. ખૂબ નાની ઉંમરે સરપંચ બનેલા યુવાને ત્યાર પછી પણ અન્યાય,અત્યાચાર અને શોષણ સામે પોતાનો અવાજ બુલંદ કરી આ અમાનવીય વ્યવસ્થા ને જાણે કે પડકાર ફેંક્યો હતો.
વિજયભાઈએ પોતાની હત્યા અગાઉ કરેલી રજૂઆતો
વિજયભાઈ ચાવડા દ્વારા પોતાની હત્યા થઈ તે પૂર્વે ગામના માથાભારે અને અસામાજિક તત્વો વિરુદ્ધ તેઓએ મોરચો ખોલ્યો હતો. તેમના દ્રષ્ટિકોણમાં સામાન્ય નાગરિકને ન્યાય અપાવવાની ખેવના હતી, લોકો માટે કાંઈક કરી છુંટવાની ભાવના હતી. તેથી જ તેઓએ આ માથાભારે તત્વો વિરુદ્ધ અનેક રજૂઆતો રાજ્ય સરકાર માં કરી હતી. આ માથાભારે તત્વો વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેઓએ અનેક લોકોની મિલકતો હડપ કરી લીધી છે અનેક ખેડૂતોની જમીનો પડાવી લીધી છે.
આ પણ વાંચો: OBC દંપતિને સરપંચના પતિએ જૂતામાં પેશાબ ભરીને પીવડાવ્યો!
નાના-મોટા રૂપિયા વ્યાજે આપી અને જ્યારે ખેડૂતો એ રકમ પરત ન આપી શકે તો તેઓની જમીન લખાવી લીધી હોય તેવા અનેક પ્રકારના કિસ્સા બન્યા છે. કાયમ અનેક લોકો સાથે આ માથાભારે તત્વોએ ઝઘડા કર્યા છે અને અનેક લોકોને માર્યા છે. વિજયભાઈ ચાવડાએ જુદા જુદા વિભાગોમાં, કલેકટર, ડી.એસ.પી., રાજ્યપાલ સહિતના લોકોને ફરિયાદો કરી હતી અને આ માથાભારે તત્વોની મિલકતો ટાંચમાં લેવા માટે પણ રજૂઆતો કરી છે. આટલા મોટા ગુંડાઓ હોવા છતાં અને આ ગુંડાઓ ને પાસા-તેમજ તડીપાર ના હુકમ હોવા છતાં જાન્યુઆરી 2013માં વિનયભાઈ ની રજૂઆતના આધારે માત્ર તેઓના આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.
લોહી તરસ્યા તત્વોએ 120 જેટલા ફ્રેક્ચર કરી હત્યા કરી
તારીખ 01/07/2013 ના રોજ વહેલી સવારે આસરે 7-00 વાગે વિજયભાઈ કુદરતી હાજતે ગયા ત્યારે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે મોટું ટોળું તેમની રાહ જોઈને ઉભું હતું અને વસાહતની પાસે જ વિજયભાઈ જતા હતા ત્યારે જ, “આ ઢેઢા ને મારી નાખો, મારી નાખો..”ની ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી. તે દિવસ પટણી સમાજના લોકોનો ધાર્મિક કાર્યક્રમ હોઈ ગામમાં આશરે 1000 જેટલા લોકો મહેમાનગતિએ આવ્યા હતા અને ઘટનાને સાવ નજીકથી જોઈ શકાય એમ હોવા છતાં આ માથાભારે તત્વોના ડરથી કોઈ વિજયભાઈને બચાવવા કોઈ જઈ શક્યું નહીં.
હદ તો એ છે કે વિજયભાઈનો પરિવાર, ‘મારા વિજયને બચાવો’ ની બૂમો પાડતો હતો અને રોકકળ કરતો હતો તેમ છતાં માથાભારે તત્વોનું એક ટોળું તેના પરિવારને રોકવા માટે ઊભું રહેલું હતું. વિજયભાઈ પર કડીયાળી ડાંગો વડે લોહી તરસ્યા લોકો તૂટી પડ્યા હતા.
આ પણ વાંચો: જ્યારે ટોળાએ 116 મુસ્લિમોની હત્યા કરી ઉપર ફુલાવર વાવી દીધું!
વિજયભાઈ ને મારીને આ ટોળું ત્યાં મહોલ્લા વચ્ચે થી જ નીકળ્યું અને જાહેરમાં અનેક લોકોને ગર્ભિત ધમકીઓ આપતું ગયું કે જો અમારી સામે પડયા છો તો તમારા પણ આવાજ હાલ થશે.મળેલ માહિતી મુજબ વિજયભાઈના શરીરમાં આશરે 120 જેટલા ફ્રેક્ચર થયા હતા.આ ટોળું ત્યાંથી સીધું કોળી પટેલ વાસમાં વિજયભાઈના ખાસ મિત્ર ઘનશાયમ ભાઈ રાઠોડ ને ત્યાં ગયું જે હાલના આ કેસના મહત્વના એક જીવિત અને તટસ્થ સાક્ષી છે. આ લોહી તરસ્યા લોકોએ ઘનશ્યામભાઈ ઉપર પણ હુમલો કર્યો અને ‘આજે આને પણ પતાવી દેવાનો છે’ એમ કહી તેઓની ઉપર પણ લાકડીઓ વરસાવી, જોકે ઘનશ્યામભાઈને મારવા માટે તેઓ તેઓના ઘરે જ આવ્યા હતા એટલે ઘનશ્યામભાઈ અન્ય લોકોની મદદ મળવાના કારણે બચી ગયા. પરંતુ તેઓના શરીરમાં ચાર ફેક્ચર થયા.
આરોપીઓએ ઘનશ્યામભાઈના પિતા હરજીભાઈને પણ માર માર્યો અને તેમના સગાભાઈ, જેઓ એક પગે અપંગ છે, તેઓને પણ બક્ષવામાં ન આવ્યા તેઓના સાજા પગ ઉપર લાકડીયો વરસાવી કુદરતે જેને અપંગ બનાવ્યો તેના સાજા પગને પણ છોડવામાં ન આવ્યો.
અમદાવાદ જિલ્લાના કોઠ પોલીસ સ્ટેશનમાં તેઓની બહેન પ્રવીણાબહેન દ્વારા હત્યારાઓ સામે ફરિયાદ કરવામાં આવી. ફસ્ટ ગુન્હા રજીસ્ટર નંબર 44/2013 થી ગુનો દાખલ થયો જેમાં આઇપીસી 147, 148, 149, 302, 307, 120 બી, જીપીએક્ટ 135 તેમજ એટ્રોસીટી એકટ 3(2)5 તથા 3(1)10 મુજબ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી. આરોપીઓ તરીકે રઘુભાઈ હરિભાઈ, ભીખાભાઈ હરિભાઈ, મફાભાઈ રણછોડભાઈ, કાળુભાઈ રણછોડભાઈ, કુલદીપભાઈ ઉર્ફે લાલો મફાભાઈ, જીગ્નેશભાઈ રાઘુભાઈ લોકો સામે ફરિયાદ દાખલ થઈ.
ભાઈની હત્યા સામે બહેને રણશીંગું ફૂંક્યું
વર્ષ 2013માં વિજયભાઈ ચાવડાની નિર્દય હત્યા કરવામાં આવી. તે હત્યાની સામે તેમની બહેન પ્રવિણાબેન ચાવડાએ રણશીંગું ફૂક્યું હતું. કોઈપણ કાળે આરોપીઓને સજા કરાવવી એજ તેમના જીવનનું ધ્યેય બની ગયું. અસામાજિક તત્વો સામે બાથ ભીડવામાં પ્રવીણાબેન ચાવડાએ કોઈ કસર બાકી રાખી નથી, પ્રાથમિક માહિતી મુજબ પ્રવિણાબેનને એ સમયમાં સમાધાન માટે એક કરોડ રૂપિયા રોકડાની ઓફર કરવામાં આવી હતી. એમ છતાં તેઓ અડગ રહ્યાં અને કોઈપણ ભોગે હત્યારાઓને જેલ ભેગા કરીને મારા ભાઈને ન્યાય અપાવીશનો હુંકાર કર્યો હતો.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ઝોબાળામાં યુવતીની છરીના 36 ઘા ઝીંકી હત્યા
કરુણતા તો એ હતી કે વિજયભાઈ ચાવડાની હત્યા થઈ તેના 15 દિવસ પૂર્વે જ તેઓના લગ્ન થયા હતા. ભાઈની હત્યાના ન્યાય માટે અડગ રહીને કેસ લડનાર તેમની બહેન પ્રવીણાબેન ચાવડાને સતત ધમકીઓ, દબાણ અને ભય વચ્ચે જીવવું પડ્યું. સમાધાન કરવા માટે તેને ખૂબ દબાણ થયું છતાં તે ઝુકી નહીં. પ્રવિણાબેન ચાવડાએ પણ ખૂબ રજૂઆતો સરકારમાં કરી. ખાસ નોંધનીય બાબત એ છે કે આજે વિજય ભાઈના ઘરમાં પ્રવેશીએ તો પ્રવેશતા પૂર્વે જ ઘરની ઓસરી નો જે ભાગ કહેવાય તેમાં પ્રવિણાબેનનો ફોટો છે. પ્રવિણાબેનની બાજુમાં એક સમયના ગુજરાતના બે મુખ્યમંત્રીઓ બેઠા છે. – શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ. કલ્પના કરો, આટલો પોલિટિકલ પાવર ધરાવતી વ્યક્તિની પણ હત્યા કરી નાખવામાં આવી. અને તેની પાછળ તેની દલિત જાતિ જવાબદાર હતી.
પ્રવિણા બેની અનેક વાર જુદા જુદા વિભાગોમાં લેખિત રજૂઆતો કરી છે. પ્રવિણાબેન દ્વારા તારીખ 28/07/2013 ના રોજ જુદા જુદા વિભાગોમાં અરજીઓ કરીને ગામના 10 જેટલા માથાભારે લોકો સામે રજૂઆતો કરી છે. પ્રવિણા બેની વિગતવાર અરજી સાથે જણાવ્યું છે કે ઉપરોક્ત આરોપીઓ સામે 1992 થી લઈને વર્ષ 2013 દરમિયાન જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 45 જેટલી ફરિયાદો થવા પામેલ છે. આરોપીઓ સામે 302, 307, 326, 325, 354, 395, 394, 397, 406, 420, 502, 120 બી, 114,467, 468, 469, 471,તેમજ ચૂંટણીઓ દરમિયાન મતદાનમાં ગોલમાલ કરવા અંગેના ગુનાઓ નોંધાયેલા છે.
આમ વિવિધ ફરિયાદો આ આરોપીઓ સામે થયેલી છે. પ્રવિણાબેન સતત આ પ્રકારની રજૂઆતો કરી રાખે છે પ્રવિણાબેન પોતે રાજકીય રીતે અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ હતા અને ગુજરાત ચર્મ ઉદ્યોગના ચેરમેન રહી ચૂકેલા હતા. પ્રવિણાબેને પોતાના ભાઈની હત્યામાં સમાધાન ન કર્યું અને એ જ તેમની “ભૂલ” બની ગઈ. પરિણામે તેમની પણ વર્ષ 2015 માં ક્રૂર અને ઘાતકી હત્યા કરી દેવાઈ. એક જ પરિવારના બે સભ્યોની હત્યા થઈ.
પ્રવિણાબેનની હત્યા કરી દેવામાં આવી
આ કોઈ અફવા નથી, કોઈ અતિશયોક્તિ નથી. આ હકીકત FIR, પોલીસ રેકોર્ડ અને કોર્ટ કાર્યવાહી પરથી સામે આવતી એક કડવી સચ્ચાઈ છે. સરકારી રેકોર્ડ મુજબ, 1992થી 2012 વચ્ચે “સામાવાળા” તરીકે ઓળખાતા આરોપીઓ સામે અમદાવાદ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં લગભગ 45 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. આ ફરિયાદોમાં જમીન પતાવી પાડવી, ધમકી, હુમલો, દબાણ, દલિતો પર અત્યાચાર અને ગેરકાયદે પ્રવૃત્તિઓ જેવા ગંભીર આક્ષેપો સામેલ છે.
આ પણ વાંચો: સાચું કોણ, હર્ષ સંઘવી કે જિગ્નેશ મેવાણી?
આ આંકડો માત્ર સંખ્યા નથી; એ એક સિસ્ટમેટિક ગુનાખોરીનું ચિત્ર છે. 45 ફરિયાદો છતાં જો કોઈ જૂથ ખુલ્લેઆમ ફરતું રહે અને વિસ્તાર પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખે, તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય છે — કાયદો કોના માટે છે? આમ છતાં આવા તત્વો સામે પ્રવીણાબેન ચાવડા દ્વારા પોતાના ભાઈના હત્યાના ન્યાય માટે સતત લડત ચાલુ રાખી હતી. જ્યારે પણ અમદાવાદ પોલીસ/કોર્ટ કાર્યવાહીમાં જવાનું હોય ત્યારે પ્રવિણાબેન અચૂક અને સતત જતા હતા, પ્રવિણાબેનની સાથે ઘનશ્યામભાઈ હરજીભાઈ રાઠોડ જે આ કેસના મુખ્ય સાક્ષી છે અને ઓબીસી સમાજમાંથી આવે છે, તેઓ પણ અચૂક સાથે જતા હતા. જ્યારે ઘનશ્યામભાઈ ન જઈ શકે ત્યારે જેન્તીભાઈ એટલે કે ઘનશ્યામભાઈના ભાઈ સાથે જતા હતા. એટલે કે એટલો ભયનો માહોલ હતો કે કોઈ એકલું જઈ શકતું ન હતું.
જ્યારે પ્રવિણાબેનની પણ હત્યા કરી દેવામાં આવી
તારીખ 27/02/2015 ના એ ગોજારા દિવસે પ્રવિણાબેનને એકલા અમદાવાદ જવાનું થયું, ઘનશ્યામભાઈ બીમાર હતા અને જેયંતીભાઈ સંજોગોવશાત સાથે જઈ ન શક્યા. જેનો લાભ આરોપીઓ દ્વારા લેવામાં આવ્યો. પ્રવિણાબેન હાઇકોર્ટ અને સેસન્સ કોર્ટના કામથી અમદાવાદ ખાતે ગયેલા. આરોપીઓ દ્વારા સતત તેઓની રેકી કરવામાં આવતી હતી, જેથી જતી વખતે જ કાંધલ મીર તથા વિજયભાઈ દેવાભાઈ નામના બે વ્યક્તિઓ દ્વારા પ્રવિણાબેનને ઇકો ગાડીમાં બેસાડવામાં આવ્યા. અને પ્રવિણાબેન સાથે પ્રાથમિક વાતચીત કરી નાનકડો પરિચય કરી વિશ્વાસમાં લેવામાં આવ્યા કે તમે જ્યારે વળતી વખત આવો ત્યારે પણ આપણે સાથે જઈશું. અમે અમદાવાદ થોડુંક કામ પતાવીને પરત આવવાના છીએ.
આ બંને આરોપીઓ જ્યારે વિજયભાઈની હત્યામાં સામાવાળા તમામ આરોપીઓ જેલમાં હતા ત્યારે આ આરોપીઓ પણ જેલમાં હતા અને બંને આરોપીઓનો જેલમાં પરિચય થયેલો.
પ્રાથમિક માહિતી મુજબ પ્રવિણાભાઈની હત્યા માટે આ આરોપીઓને સોપારી આપવામાં આવી હતી અને કુલ 15 લાખની માગણી હતી જેમાં 12 લાખમાં સોપારી નક્કી થઈ હતી અને પાંચ લાખ રૂપિયા તેઓને એડવાન્સ આપવામાં આવ્યા હતા. પ્રવિણાબેન વળતી વખતે આ જ ગાડીમાં ઉજાલા સર્કલથી બેઠા હતા. જે બાદ આરોપીઓએ પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે રઘુભાઈ હરિભાઈ, ભીમાભાઇ હરિભાઈ, લાલાભાઇ મફાભાઈ સહિતના આરોપીઓ જેઓ પેરોલ પર હતા, તેઓના દ્વારા ગાડીમાં જ પ્રવિણાબેનને ગળે ટૂંપો આપવામાં આવ્યો અને તેમની ઘાતકી હત્યા કરવામાં આવી. ટૂંપો આપ્યા બાદ તેમની લાશને રોયકા (બગોદરા) ખાતે ફેંકી દેવામાં આવી અને લાશ ઉપર ગાડી ફેરવવામાં આવી જેથી આખી ઘટનાને અકસ્માતમાં ફેરવી શકાય.
આ પણ વાંચો: શેરડીના ખેતરમાંથી દલિત શખ્સનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
મળતી માહિતી મુજબ, પ્રવિણાબેનની લાશ સૌથી પહેલા પી.સી. ઠાકુરે જોયેલી. જેઓ તે સમયના ગુજરાતના ડીજીપી એટલે કે રાજ્યના પોલીસ મહાનિર્દેશક હતા. તેમણે લાશ જોઈ અને અમદાવાદના ડીએસપી નિર્લિપ્ત રાયને આ અંગે સૂચના આપી. ત્યારબાદ 108 મારફતે ડેડબોડીને બગોદરા લઈ જવામાં આવી. ઘનશ્યામભાઇને માહિતી મળતા તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા. પોલીસ અને ડોક્ટરો સાથે તેમને માથાકૂટ થઈ, કારણ કે તેઓ અકસ્માતની થીયરી ઉપર ચાલતા હતા પરંતુ ઘનશ્યામભાઈએ આખી હકીકત જણાવી અને પ્રવિણાબેનના પરિવારને બોલાવ્યો અને લાશ અહીંથી લઈશું નહીં તેવી વાત મુકતા મૃતદેહને અમદાવાદ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું અને ખબર પડી કે પ્રવિણાબેનની પણ અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે હત્યા કરવામાં આવે છે. આમ એક જ પરિવારના બે વ્યક્તિઓની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી. પ્રવિણાબેન ની હત્યા તેઓએ તેઓના ભાઈની હત્યામાં સમાધાન ન કર્યું એટલા માટે કરવામાં આવી.
2006 માં લોકશાહીની જીત અને વર્ચસ્વની શરૂ થઈ હતી
વર્ષ 2006 માં આ દલિત પરિવારના એક યુવાને સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી. આ જીત માત્ર રાજકીય સફળતા નહોતી, પરંતુ વર્ષોથી ચાલતા માથાભારે વર્ચસ્વ સામેનો સીધો પડકાર હતો. FIR મુજબ, આ યુવાને સામાવાળા જૂથ સામે જમીન, દાદાગીરી અને અત્યાચાર બાબતે વારંવાર રજૂઆતો કરી હતી.
આ જીત પછી જ તેના વિરોધમાં દબાણ, ધમકીઓ અને દલિતોનું જીવવું દુષ્કર થઇ ગયુ. લોકશાહીએ જેને અવાજ આપ્યો, એ અવાજને દબાવવાનો પ્રયાસ શરૂ થયો. વર્ષ 2013માં આ દલિત યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી. FIRમાં સ્પષ્ટ છે કે આરોપીઓ સામે અગાઉથી દુશ્મનાવટ હતી અને તેઓ ગુનાખોરીના ઇતિહાસ ધરાવતા હતા.
આ પણ વાંચો: છેલ્લાં 13 વર્ષમાં 20 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી દીધી
છતાં, વિસ્તારના લોકો ભયના કારણે ખુલ્લેઆમ આગળ આવવા તૈયાર નહોતા. આ હત્યા માત્ર એક વ્યક્તિની નહોતી; એ ન્યાય વ્યવસ્થાની પણ કસોટી હતી. પરંતુ આ કસોટીમાં સિસ્ટમ નબળી પડતી દેખાઈ. ભાઈની હત્યા બાદ પરિવાર પર સમાધાન માટે ભારે દબાણ આવ્યું. FIR મુજબ, મૃતકની બહેનને વારંવાર કહેવામાં આવ્યું કે કેસ પાછો ખેંચી લો, સમાધાન કરી લો. આરોપીઓના લાંબા ગુનાહિત ઇતિહાસને કારણે ભયનું વાતાવરણ સર્જાયું હતું. છતાં પણ, તેણે સમાધાન કરવાનો ઇનકાર કર્યો. તેણે માત્ર એક જ માંગ રાખી — ભાઈની હત્યામાં ન્યાય.
બીજી હત્યા- ન્યાય માગનારનો ભોગ
આ બહેનની પણ અત્યંત ઘાતકી રીતે હત્યા કરવામાં આવી. FIR અને ઘટનાક્રમને જોતા સ્વાભાવિક રીતે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. અગાઉથી ધમકીઓ હોવા છતાં રક્ષણ કેમ પૂરતું નહોતું? શું તપાસ સમયસર અને નિષ્પક્ષ હતી? આ પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આજે પણ સમાજ સામે નથી.
હાલ ગામની સ્થિતિ
લોલિયા ગામમાં હાલ પણ 8 એસ.આર.પી.જવાનો નું પોલીસ રક્ષણ ચાલુ છે. જ્યારે બનાવ બન્યો ત્યારે 25 એસ.આર.પી.પોલીસ જવાનોનું રક્ષણ ચાલુ હતું. હાલમાં 8 એસ.આર.પી.જવાનો છે. ગામમાં અજંપાભરી શાંતિ છતાં ભયનો માહોલ યથાયત છે. ગુજરાતમાં સૌથી લાંબો સમય પોલીસ રક્ષણ મેળવનાર પૈકીનું આ એક ગામ છે. 10 કરતા વધુ વર્ષથી આ પરિવાર અને ભોગ બનનાર પોલીસ રક્ષણ હેઠળ જીવે છે જે ખરેખર તો નાગરિક સમાજ માટે ન માત્ર ચિંતા નો વિષય હોવો જોઈએ પરંતુ એટલો જ શર્મનાક વિષય હોવો જોઈએ. આજે પણ આ પરિવાર અને ઘનશ્યામભાઈ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી.
આ પણ વાંચો: દલિત યુવકનું શંકાસ્પદ મોત, પરિવારે પોલીસ સ્ટેશન સામે શબ રાખ્યું
અમારી મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, સરકારી વકીલ જે.સી.પટેલ દ્વારા કેસને નબળો પાડવામાં આવ્યો છે. ફરિયાદીને, સાક્ષીઓને કે કેસ લગતા કોઈપણ વ્યક્તિ કે સાહેદને યોગ્ય જવાબો આપેલ નથી. સરકારી વકીલની વિરુદ્ધમાં પણ અનેકવાર જુદા જુદા વિભાગોમાં ફરિયાદો કરવામાં આવી છે. આમ છતાં તેઓની વિરુદ્ધમાં પણ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. દર ત્રણ માસે કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાતી વિજિલન્સની મિટિંગમાં સરકારી વકીલોની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે.
આ જે.સી. પટેલને વિશે શું સમીક્ષા થઈ હશે? હાલ કેસને ઘનશ્યામભાઈ ટેકલ કરે છે જેઓ ઓ.બી.સી.સમાજમાંથી આવે છે. ઘનશ્યામભાઈ ઉપર પણ હુમલો થયેલો,તેઓ સ કેસના મુખ્ય સાહેદ સાથે વિકટીમ છે.તેઓને પણ આ કેસમાં થી ખસી જવા અનેક ધમકીઓ મળી ચૂકી છે, એટલું જ નહીં ઘનશ્યામભાઈને 50 વીઘા જમીન જ્યાં માંગે ત્યાં અને 2 કરોડ રોકડાની ઓફર પણ થઈ ચૂકી છે. આમ છતાં તેઓએ પોતાનો લડવાનો ઈરાદો બુલંદ રાખ્યો છે. જો આરોપીઓ સામે દાયકાઓથી ફરિયાદો હોય, તો શું તે તપાસમાં પૂરતી ગંભીરતાથી લેવામાં આવી?
આજે પણ આ દલિત પરિવાર સામાન્ય જીવન જીવી શકતો નથી. આઠ જેટલા હથિયારધારી SRP જવાનોની સુરક્ષા હેઠળ પરિવાર જીવતો છે. પોતાના જ ગામમાં, પોતાના જ સમાજમાં, તેઓને કાયમી ભય સાથે જીવવું પડે છે. આ સુરક્ષા કોઈ વિશેષ અધિકાર નથી, એ સિસ્ટમની નિષ્ફળતાનું જીવતું ઉદાહરણ છે. અમદાવાદ જેવા શહેરમાં ની ભાગોળે, બે દાયકાઓ સુધી એક દલિત પરિવારને પોલીસ રક્ષણ હેઠળ જીવવું પડે, તો પ્રશ્ન પરિવારનો નહીં, પરંતુ વ્યવસ્થાનો છે. ન્યાય મોડો થાય ત્યારે માત્ર કેસ લટકતો નથી, લોકોનો વિશ્વાસ પણ લટકે છે. કેસ આ કેસ અંતિમ તબક્કામાં છે. જોવાનું એ રહેશે કે ન્યાય કોના તરફ આવે છે.
(નોંધઃ આ અહેવાલ ઉપલબ્ધ પોલીસ રેકોર્ડ, FIR, અને સ્થળ મુલાકાતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ કે સમાજને બદનામ કરવાનો ઉદ્દેશથી નહીં. અહેવાલનો હેતુ માનવ અધિકાર અને ન્યાય અંગે ચિંતા વ્યક્ત કરવાનો છે.)
(રિપોર્ટઃ એડવોકેટ કૌશિક પરમાર, ડૉ. મિતાલી સમોવા, વિનોદ કુમાર)
આ પણ વાંચો: ઉન્નાવ બળાત્કાર પીડિતા રાહુલ ગાંધી-સોનિયા ગાંધીને મળી


















