Tribal News: મધ્યપ્રદેશના સીધીમાં બે વર્ષ પહેલા એક આદિવાસી યુવક પર ભાજપના કાર્યકર દ્વારા મોં પર પેશાબ કરવાનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો હતો. આવી જ વધુ એક ઘટના ફરીથી મધ્યપ્રદેશમાં જ બની છે. અહીંના છીંદવાડામાં એક આદિવાસી યુવક સાથે એક ઢાબાના માથાભારે સંચાલક અને તેના ગુંડાઓએ અમાનવીય વર્તન કર્યું. લુખ્ખા તત્વોએ આદિવાસી યુવકને ઢોર માર મારી, મોં પર થૂંકી, પેશાબ પીવા માટે મજબૂર કર્યો હતો.
હરરાઈ પોલીસ સ્ટેશનના તુઈયાપાની ગામની ઘટના
ઘટના 29 જૂનની રાત્રે લગભગ 2 વાગ્યે જિલ્લાના હરરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના તુઈયાપાની ગામમાં બની હતી. ઢાબા સંચાલક રાજા ચોક્સેએ આદિવાસી યુવકને પૈસા બાબતે તેના ઘરે જઈને પોતાના સાગરિતો સાથે મળીને ઢોર માર માર્યો હતો. આરોપીઓ આટલેથી જ અટક્યા નહોતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી રાજા ચોક્સે આદિવાસી યુવકના મોં પર થૂંક્યો હતો અને તેને પોતાનો પેશાબ પીવા મજબૂર કર્યો હતો.
આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો
આ ઘટનાના વિરોધમાં, ગ્રામજનોએ બુધવારે રસ્તા પર પ્રદર્શન કર્યું અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. વિરોધના સમાચાર મળતા જ અધિકારીઓ અને પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની નિષ્પક્ષ તપાસ અને ઝડપી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ વિરોધ સમાપ્ત થયો. આ કેસમાં ત્રણ લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. નોટિસ આપ્યા બાદ ઢાબા સંચાલક રાજા ચોકસેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બે આરોપીઓ ફરાર છે.
આ પણ વાંચો: આદિવાસી યુવકને 14 વર્ષ સુધી સાંકળથી બાંધી રાખી વેઠ કરાવી
બહારથી ગુંડા બોલાવી યુવકને માર માર્યો
ઘટનાને લઈને ગોંડવાના ગણતંત્ર પાર્ટીના જિલ્લા પ્રમુખ દેવરાવેન ભલવીએ જણાવ્યું હતું કે પીડિત આદિવાસી યુવાનને ઢાબા સંચાલક રાજા ચોકસે ગામના સ્ટેજ પર લઈ ગયો હતો અને ત્યાં તેને ગંભીર રીતે માર માર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે બહારના ગુંડાઓ બોલાવીને આદિવાસી યુવાનને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર સમાજનું અપમાન છે.
ભલવીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે અમરવાડા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય આદિવાસી હોવા છતાં તેઓ સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. તેમણે કહ્યું કે આદિવાસીઓની અનામતનો રાજકીય લાભ તો લઈ લીધો, પરંતુ જ્યારે તેમના પર અત્યાચાર થાય છે, ત્યારે કોઈ અવાજ ઉઠાવવામાં આવતો નથી.
આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે
વધારાના એસપી આયુષ ગુપ્તાએ જણાવ્યું હતું કે પીડિત પક્ષની ફરિયાદ પર આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે એએસપીને યુવકના ચહેરા પર થૂંકવા અને તેને પેશાબ પીવડાવવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટપણે તેનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, યુવક દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરમાં આવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમ છતાં, આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.
આદિવાસી યુવક આરોપીના ઢાબા પર કામ કરતો હતો
આદિવાસી યુવક આરોપી રાજા ચોકસેના ઢાબા પર કામ કરતો હતો. પૈસાની લેવડદેવડને લઈને થોડો વિવાદ થયો હતો, જેના કારણે યુવક ત્યાંથી કામ છોડીને પોતાના ઘરે આવી ગયો હતો. એ પછી આરોપી ઢાબા સંચાલક અને તેના સાથીઓ રાત્રે યુવકના ઘરે ગયા હતા અને તેને માર માર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજા ચોક્સે યુવકના મોં પર થૂંક્યો હતો અને તેને બળજબરીથી પેશાબ પીવડાવ્યો હતો.
આદિવાસીઓ પર અત્યાચાર અટકતા નથી
ઘટનાની જાણ થતા જ આ મામલે તાત્કાલિક FIR નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે આ ઘટના બની એ પછી આરોપીએ ફરીથી પોતાનું ઢાબું ખોલતા સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે હાલમાં ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. જો કે આ ઘટનાએ ફરી એકવાર મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજની સ્થિતિને લઈને ચિંતા પેદા કરી છે. મધ્યપ્રદેશમાં આદિવાસીઓની સૌથી વધઉ વસ્તી છે, તેમ છતાં તેમના પર સવર્ણો દ્વારા અત્યાચારો થતા રહે છે.
આ પણ વાંચો: જાતિ પૂછી કોંગ્રેસના દલિત નેતા પર 60 લોકોનો તલવાર-દંડાથી હુમલો