અમદાવાદમાં હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્ન મુદ્દે VHP-બજરંગદળે ધમાલ મચાવી

અમદાવાદ મેટ્રો કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક લગ્ન નોંધણી માટે આવતા બજરંગ દળ-વીએચપીના કાર્યકરોએ પોલીસ સાથે ઝપાઝપી કરી ધમાલ મચાવી.
Ahmedabad news

અમદાવાદ: ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ દરેક પુખ્ત વયના નાગરિકને પોતાની પસંદગી મુજબ જીવનસાથી પસંદ કરવાનો અને લગ્ન કરવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. લોકશાહી દેશમાં વ્યક્તિગત સ્વતંત્રતા એ સૌથી મોટું મૂલ્ય છે. આમ છતાં, આજે અમદાવાદ મેટ્રો કોર્ટે એક હિંદુ યુવતી અને મુસ્લિમ યુવક લગ્ન નોંધણી માટે પહોંચ્યાં ત્યારે વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ ભારે તોફાન મચાવ્યું હતું અને પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી.

આ ઘટનાની મળતી માહિતી મુજબ ગાંધીનગરના કારોલીની હિન્દુ યુવતી અને કઠવાડાનો 27 વર્ષીય મુસ્લિમ યુવક લગ્ન નોંધણી માટે અમદાવાદની મેટ્રો કોર્ટમાં પહોંચ્યા હતા. જેની કોઈએ અગાઉથી વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોને જાણ કરી દેતા તેમણે વિરોધ પ્રદર્શન કર્યું અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી

કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ

અમદાવાદ મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી જિલ્લા રજીસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે જ્યારે આ યુગલ લગ્ન નોંધણી માટે પહોંચ્યું, ત્યારે સ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે સમગ્ર કોર્ટ પરિસરમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સંભવિત હુમલા કે હિંસક વિરોધના ડરથી યુવતીને વકીલના વેશમાં છુપાઈને લાવવાની ફરજ પડી હતી. આ બાબત જ સ્પષ્ટ કરે છે કે વર્તમાન સામાજિક વાતાવરણમાં બે વ્યક્તિઓના અંગત લગ્ન પણ સુરક્ષાનો વિષય બની ગયા છે. ઘટનાની ગંભીરતા જોઈને ક્રાઈમ બ્રાંચની ટીમ અને સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈન પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ રાજકીય અને સંગઠનિક હસ્તક્ષેપ એ વાતની સાક્ષી પૂરે છે કે સામાન્ય નાગરિકોના ખાનગી જીવનમાં કઈ રીતે સંગઠનો પોતાની દખલગીરી વધારી રહ્યા છે.

આ પણ વાંચો: Nagpur માં બજરંગ દળની રેલી બાદ મોટા પાયે હિંસા ફાટી નીકળી

‘લવ જેહાદ’ના નામે ઉશ્કેરણીનો પ્રયાસ?

બજરંગ દળના કાર્યકરો દ્વારા આ લગ્નને ‘લવ જેહાદ’નું નામ આપીને મોટો હોબાળો મચાવવામાં આવ્યો હતો. બજરંગ દળના કાર્યકર્તા ગણેશ વણઝારાએ આક્ષેપ કર્યો હતો કે, “અમારી હિન્દુ દીકરીને લવ જેહાદમાં ફસાવવામાં આવી છે અને તેને વકીલના કપડાં પહેરાવીને પાછળના દરવાજેથી અંદર લઈ જવામાં આવી છે.” કાર્યકરોનો દાવો છે કે યુવતી દબાણ હેઠળ છે અને તેને તેના પરિવાર સાથે વાત કરવા દેવી જોઈએ.

જોકે, કાયદાકીય પાસાઓ તપાસવામાં આવે તો, જ્યારે બે પુખ્ત વ્યક્તિઓ સ્વેચ્છાએ રજીસ્ટ્રાર સમક્ષ હાજર થાય છે, ત્યારે ત્રીજી વ્યક્તિ કે કોઈ સંગઠનને તેમાં માથું મારવાનો કે નૈતિક પોલીસિંગ (Moral Policing) કરવાનો કોઈ અધિકાર રહેતો નથી.

વહીવટી તંત્ર અને રજીસ્ટ્રાર પર આક્ષેપો

આ વિવાદમાં માત્ર યુગલ જ નહીં, પરંતુ સરકારી તંત્રને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. રજીસ્ટ્રાર એમ.એમ. સૈયદ પોતે મુસ્લિમ હોવાથી તેઓ પક્ષપાતી વલણ અપનાવી રહ્યા હોવાનો પાયાવિહોણો આક્ષેપ VHP અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો હતો. કેટલાક વકીલોએ પણ સુર સજાવતા કહ્યું કે, લગ્નની કામગીરી સામાન્ય રીતે 11 વાગ્યા પછી શરૂ થતી હોય છે, પરંતુ આ કિસ્સામાં યુવક મુસ્લિમ હોવાથી વહેલી સવારે 9:30 વાગ્યે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. સરકારી અધિકારીની ધાર્મિક ઓળખ પર સવાલ ઉઠાવીને તેમને બદનામ કરવાનો આ પ્રયાસ વહીવટી તંત્રની નિષ્પક્ષતા પર આક્રમણ સમાન છે.

આ પણ વાંચો: જ્યારે ટોળાએ 116 મુસ્લિમોની હત્યા કરી ઉપર ફુલાવર વાવી દીધું!

રાજકીય રોટલા શેકવાની રણનીતિ

આ સમગ્ર ઘટનાક્રમમાં જે રીતે લાઠીધારી પોલીસ અને હથિયારધારી જવાનો તૈનાત કરવા પડ્યા, તે બતાવે છે કે સામાજિક સંવાદિતા જોખમમાં છે. જ્યારે પોલીસ બજરંગ દળના કાર્યકરોની અટકાયત કરે છે, ત્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. આ ઘટનાક્રમ સ્પષ્ટપણે સૂચવે છે કે આવા કિસ્સાઓને મુદ્દો બનાવીને સામાજિક ધ્રુવીકરણ કરવાનો અને આવનારી ચૂંટણીઓ કે પોતાના સંગઠનાત્મક હિતો માટે ‘રાજકીય રોટલા’ શેકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ પુખ્ત યુવતી જ્યારે પોતાની મરજીથી કોઈ સાથે જીવન જીવવાનો નિર્ણય લે છે, ત્યારે તેને ‘ભગાડી ગયા’ હોવાનું લેબલ લગાવીને પરિવારની લાગણીઓનો રાજકીય ઉપયોગ કરવો એ અનૈતિક છે.

ભારતનું બંધારણ લગ્ન બાબતે શું કહે છે?

ભારતનું બંધારણ ધર્મ કે જાતિના આધારે લગ્ન પર પ્રતિબંધ મૂકતું નથી. સુપ્રીમ કોર્ટે પણ અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે બે પુખ્ત વયના વ્યક્તિઓની પસંદગીમાં રાજ્ય કે સમાજ દખલ કરી શકે નહીં. તેમ છતાં, જ્યારે ટોળાશાહી (Mobocracy) કાયદાના શાસન (Rule of Law) પર હાવી થવા લાગે, ત્યારે ન્યાયતંત્ર અને વહીવટી તંત્રએ વધુ મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. વકીલો દ્વારા યુગલના વેશધરણ સામે વાંધો ઉઠાવીને કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદની માંગ કરવી એ પણ વકીલાતના વ્યવસાયિક મૂલ્યો પર સવાલ ઉભા કરે છે, કારણ કે વકીલનું કામ કાયદાનું રક્ષણ કરવાનું છે, નહીં કે વ્યક્તિગત સ્વાતંત્ર્યનો વિરોધ કરવાનું.

આ પણ વાંચો: ગુજરાતમાં SC-ST પર અત્યાચાર વધ્યા: 5 વર્ષમાં 19,000 ફરિયાદો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x