છત્તીસગઢના અંબિકાપુર જિલ્લામાં એક હડકાયા બકરાની બલિ ચઢાવ્યા બાદ તેનું માંસ ગામલોકોએ ખાતા ચકચાર મચી ગઈ છે. ઘટના સરગણવા ગામમાં બની હતી. હાલ સમગ્ર ગામમાં ભય અને ગુસ્સાનો માહોલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 28 ડિસેમ્બરે કાલી પૂજાનું આયોજન કરાયું હતું. એ દરમિયાન એક હડકાયું કૂતરું એક બકરાને કરડી ગયું હતું. આરોપ છે કે, આ વાતની જાણ હોવા છતાં સરપંચ નારાયણ પ્રસાદ અને ઉપસરપંચ કૃષ્ણ સિંહે બકરાની બલિ ચડાવીને અને તેનું માંસ ગામલોકોમાં વહેંચ્યું હતું.
સેંકડો લોકોએ બકરીનું માંસ ખાધું
એવું જાણવા મળ્યું છે કે આશરે 400 લોકોએ બલિ ચડાવેલા બકરાનું માંસ ખાધું હતું. ગામલોકોનું કહેવું છે કે બકરો ગામના રહેવાસી નાન્હુ રજવાડા પાસેથી ખરીદવામાં આવ્યો હતો. ગામલોકોને બાદમાં બકરાને હડકાયું કૂતરું કરડ્યું હોવાનો ખ્યાલ આવ્યો હતો. આ સમાચારથી વ્યાપક ગભરાટ ફેલાયો હતો. લોકો હાલમાં હડકવાનો ચેપ લાગવાને લઈને ભયભીત છે. ગામલોકો ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે.
આ પણ વાંચો: ભારતમાં 4 નવા શ્રમ કાયદા લાગુ, જાણો તેનાથી શું શું બદલાયું
ગામલોકોએ તપાસ કરાવવાની માંગ કરી
આ ઘટના બાદ ગામમાં ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. તેમણે માંગ કરી છે કે આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર તાત્કાલિક ગામમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરે, જેથી તમામ રહેવાસીઓની તપાસ કરી શકાય અને જરૂરી સારવાર પૂરી પાડી શકાય અને સમયસર કોઈપણ સંભવિત જોખમને ટાળી શકાય. આ દરમિયાન આરોપો પછી, સરપંચ અને ઉપ સરપંચે આ બાબતે નિવેદન કરવાનું ટાળી રહ્યા હોય તેવું લાગે છે.
પશુ ચિકિત્સકે આ મામલે શું કહ્યું?
આ તરફ સરકારી પશુ ચિકિત્સક સી.કે. મિશ્રાએ આ અંગે માહિતી આપતા કહ્યું કે ‘પ્રાણીના રાંધેલા માંસમાં હડકવાના વાયરસ બચવાની કોઈ આશા નથી, છતાં આ મામલો માનવ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો હોવાથી સલાહ આપવામાં આવે છે કે જેણે પણ આ બકરાનું માંસ ખાધું છે તેમણે આરોગ્ય તપાસ કરાવવી જોઈએ.’
આ પણ વાંચો: ચિકન કે મટન: હેલ્થ માટે વધુ સારું શું, શેમાં વધુ પ્રોટીન હોય છે?










