દલિત મતો મેળવવા ભાજપ ડો.આંબેડકરની પ્રતિમાઓ માથે છત્રી લગાવશે

2027ની ચૂંટણીમાં દલિત મતો મેળવવા ભાજપે 'ડૉ. આંબેડકર મૂર્તિ વિકાસ યોજના' અમલમાં મૂકી છે. શું બાબાસાહેબની પ્રતિમા પર છત્રી લગાવવાથી દલિતો રાજી થઈને મત આપી દેશે?
Dr BR Ambedkar Statue Development Scheme

Dr BR Ambedkar Statue Development Scheme: ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ તેજ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી 2024માં દલિત મતોના થયેલા નોંધપાત્ર નુકસાનની ભરપાઈ કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ‘ડૉ. બી.આર. આંબેડકર મૂર્તિ વિકાસ યોજના’ને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ રાજ્યની તમામ 403 વિધાનસભા બેઠકો પર બાબાસાહેબ અને અન્ય મહાપુરુષોની પ્રતિમાઓનું નવીનીકરણ, સૌંદર્યીકરણ અને તેમની ઉપર છત્ર-ચબૂતરા બનાવવામાં આવશે. 14 એપ્રિલથી શરૂ થનારી આ યોજનાને ભાજપ ‘મહાપુરુષોનું સન્માન’ કહી રહી છે, પરંતુ રાજકીય વિશ્લેષકો આને દલિત વોટબેંકને અંકે કરવાના છેલ્લા પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે.

પ્રતિમાઓને છત્ર, પણ જીવીત દલિતોને ન્યાય ક્યારે?

ભાજપની આ યોજના ‘બેધારી તલવાર’ સમાન સાબિત થઈ શકે તેમ છે. એક તરફ સરકાર મૂર્તિઓ પર છત્રી લગાવીને દલિત પ્રેમ દર્શાવી રહી છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં દલિતો પર થતા અત્યાચારોના આંકડા ભયાનક વાસ્તવિકતા રજૂ કરે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના આંકડા અને દરરોજ બનતી ઘટનાઓ સાક્ષી છે કે યુપીમાં દલિતો વિરુદ્ધના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું મૂર્તિઓ માથે છત્રી મૂકી દેવાથી દલિતોના પ્રશ્નો હલ થઈ જશે?

આ પણ વાંચો: દલિતવાસના કૂતરાં સવર્ણોના કૂતરાંને ભસતા 6 રાઉન્ડ ફાયરિંગ

જ્યારે પણ ભાજપની કોર વોટબેંક ગણાતા સવર્ણ હિંદુઓ દ્વારા દલિતો પર અત્યાચાર કરે છે કે સામાજિક બહિષ્કાર કરે છે, ત્યારે યોગી સરકારનું તંત્ર ઘણીવાર ‘સોફ્ટ કોર્નર’ રાખતું જોવા મળે છે. પીડિતોને ન્યાય મેળવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડે છે, જ્યારે આરોપીઓ સવર્ણ જ્ઞાતિના હોય ત્યારે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં પોલીસ ઘણીવાર ઢીલ દાખવે છે. આ પક્ષપાતી વલણ દલિત સમાજમાં છૂપો રોષ જન્માવી રહ્યું છે.

અખિલેશ યાદવનો પ્રહાર: “હક છીનવીને છત્રી આપવી એ છેતરપિંડી”

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ યોજનાને આડે હાથ લેતા આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, “સરકારે નોકરીઓમાં દલિતોની અનામત પર તરાપ મારી છે અને હવે ડો.આંબેડકરની પ્રતિમાઓ પર છત્રી બનાવીને સહાનુભૂતિનું નાટક કરી રહી છે.” લોકસભા ચૂંટણીમાં વિપક્ષે ‘બંધારણ બચાવો’ અને ‘આરક્ષણ બચાવો’ના નારા સાથે ભાજપને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. દલિત સમાજ હવે પ્રતીકાત્મક સન્માન કરતા વધુ પોતાના હકો અને સુરક્ષા માટે જાગૃત થયો છે. યુપીની 20.7 ટકા દલિત વસ્તીમાં જે છ જ્ઞાતિઓ (જાટવ, પાસી, કોરી, ધોબી, ખટિક, વાલ્મિકી) પ્રભાવશાળી છે, તેઓ હવે ભાજપની આ ‘ઈવેન્ટ મેનેજમેન્ટ’ વાળી રાજનીતિને ઓળખી ગયા હોય તેવું જણાય છે.

આ પણ વાંચો: ગેસ પર બનેલી રોટલી ખાવાથી પુરુષોમાં દમ નથી રહ્યો’- દેવકીનંદનનો બફાટ

સવર્ણ-દલિત સમીકરણ વચ્ચે ભાજપની મૂંઝવણ

ભાજપ માટે સૌથી મોટો પડકાર સવર્ણ વોટબેંક અને દલિત વોટબેંક વચ્ચે સંતુલન જાળવવાનો છે. જો દલિતો પરના અત્યાચાર મામલે સવર્ણ આરોપીઓ સામે કડક બુલડોઝર કાર્યવાહી કરે, તો તેની વર્ષો જૂની ‘અપર કાસ્ટ’ વોટબેંક નારાજ થવાનો ડર રહે છે. બીજી તરફ, જો કાર્યવાહી ન કરે તો ‘સબકા સાથ, સબકા વિકાસ’નો દાવો પોકળ સાબિત થાય છે. વરિષ્ઠ પત્રકારોનું માનવું છે કે માત્ર મૂર્તિઓના કાયાકલ્પથી દલિત યુવાનો રિઝશે નહીં. આજના દલિત યુવાનોને રોજગારમાં હિસ્સો અને સામાજિક સમાનતા જોઈએ છે, માત્ર મૂર્તિઓ પરની છત નહીં.

2027નો અસલી મુકાબલો

ભાજપના પ્રવક્તા ભલે તેને મહાપુરુષોનું સન્માન ગણાવતા હોય, પણ હકીકત એ છે કે 2024માં ભાજપના વોટમાં જે 8.5% નો ઘટાડો થયો છે, તેમાં મોટો હિસ્સો દલિત મતોનો છે. બીએસપીના નબળા પડી રહેલા ગઢમાં ગાબડું પાડવા માટે ભાજપે આ વ્યૂહરચના અપનાવી છે. પરંતુ જો જમીની સ્તરે દલિતો પરના અત્યાચાર નહીં અટકે અને સવર્ણ ગુનેગારોને રાજકીય રક્ષણ મળતું રહેશે, તો આ ‘મૂર્તિ વિકાસ યોજના’ ભાજપ માટે બેકફાયર થઈ શકે છે. 2027ની ચૂંટણીમાં યુપીના દલિતો ડૉ. આંબેડકરની પ્રતિમા પર છત્રી જોઈને મત આપશે કે પોતાની અસુરક્ષાને ધ્યાનમાં રાખીને, તે તો સમય જ બતાવશે.

આ પણ વાંચો: કેમ તમિલનાડુમાં રાજકીય પક્ષો બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ નથી આપતા?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x