ZOHO ના ફાઉન્ડર શ્રીધર વેમ્બુ (Sridhar Vembu)ને તેમના છૂટાછેડા(Divorce) રૂ.14000 કરોડમાં પડશે. કેલિફોર્નિયાની એક કોર્ટે તેમને છૂટાછેડા કેસમાં ₹14,000 કરોડના બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. ખાસ વાત એ છે કે તેને ભારતના સૌથી મોંઘો છૂટાછેડા કહેવામાં આવી રહ્યા છે. વેમ્બુની પત્ની પ્રમિલા શ્રીનિવાસન અમેરિકામાં શિક્ષણવિદ અને બિઝનેસ પર્સન છે. બંનેનો એક પુત્ર પણ છે. છૂટાછેડા માટે હજારો કરોડના બોન્ડ જમા કરાવવાના કોર્ટના આદેશની ચર્ચા હવે સમગ્ર દુનિયાભરમાં થઈ રહી છે.
શ્રીધર વેમ્બુએ IIT-મદ્રાસમાંથી અભ્યાસ કર્યા પછી 1989માં અમેરિકા જઈને પ્રિન્સટનમાંથી પીએચડી કરી. 1993માં તેમણે પ્રમિલા શ્રીનિવાસન સાથે લગ્ન કર્યા. 1996માં એડવેન્ટનેટ (જે બાદમાં 2009માં ઝોહો) શરૂ કરી. બંને લગભગ 30 વર્ષ કેલિફોર્નિયામાં રહ્યાં. તેમનો 26 વર્ષનો એક પુત્ર છે. 2019માં વેમ્બુ ભારત પાછા ફર્યા અને તામિલનાડુના તેમના પૈતૃક ગામ મથલમપારાઈથી કંપની ચલાવી રહ્યા છે. 2021માં તેમણે છૂટાછેડાની અરજી કરી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં CID ક્રાઈમના PI-કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
પત્નીએ શું આરોપ લગાવ્યા?
શ્રીધર વેમ્બુના પત્ની પ્રમિલાએ કોર્ટમાં દાવો કર્યો હતો કે વેમ્બુએ તેમને અને પુત્રને છોડી દીધાં છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વેમ્બુએ તેમની જાણકારી કે સંમતિ વિના ઝોહોના શેર અને પ્રોપર્ટી ભારતમાં ટ્રાન્સફર કરી દીધા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કંપનીના મોટા ભાગના શેર બહેન રાધા વેમ્બુ (47.8%) અને ભાઈ શેખર (35.2%) પાસે છે, જ્યારે વેમ્બુ પાસે માત્ર 5% (225 મિલિયન ડોલર) બાકી છે.
કંપનીમાં ભાગીદારીને લઈને વિવાદ શરૂ થયો
ફોર્બ્સના અહેવાલ મુજબ, વેમ્બુએ ઓગસ્ટ 2021માં છૂટાછેડા માટે અરજી કરી હતી. પ્રમિલા શ્રીનિવાસને આરોપ લગાવ્યો હતો કે વેમ્બુએ કંપનીના મોટા ભાગના શેર તેની બહેન રાધા વેમ્બુ અને ભાઈ શેખરને આપી દીધા હતા. પ્રમિલા અને શ્રીધરનાં લગ્ન લગભગ ત્રણ દાયકા પહેલાં થયાં હતાં. પ્રમિલાનો આરોપ છે કે તેણે શ્રીધરને તેની આવકમાંથી બિઝનેસ શરૂ કરવામાં ટેકો આપ્યો હતો, જેથી તે નોકરી છોડીને તેના બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. પ્રમિલાએ કહ્યું, “મને એ જાણીને ખૂબ જ આઘાત લાગ્યો કે મેં છૂટાછેડા માટે અરજી કરી, એ પછી જ મને ખબર પડી કે તેણે દાવો કર્યો હતો કે અમારા લગ્ન દરમિયાન તેણે જે કંપની બનાવી હતી એમાં તેનો હિસ્સો ફક્ત 5 ટકા જ છે, જ્યારે તેમનાં ભાઈ-બહેનો કંપનીમાં મોટા ભાગનો હિસ્સો ધરાવે છે.
આ પણ વાંચો: વાંસદામાં આદિવાસી વિદ્યાર્થીઓ મહિના પછી પણ પાઠ્યપુસ્તકોથી વંચિત
નવેમ્બર 2024માં, પ્રમિલાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી કે શ્રીધર તેમની જાણ વગર ઝોહોના યુએસ યુનિટની સંપત્તિનું રિસ્ટ્રક્ચર કરી રહ્યા છે. આમાં ઝોહોના યુએસ બિઝનેસને નવી કંપનીમાં શિફ્ટ કરવાનો પ્લાન હતો. કોર્ટે ઠરાવ્યું હતું કે છૂટાછેડાની કાર્યવાહી શરૂ થયા પછી આવી મિલકતનું ટ્રાન્સફર કરવું એ કાયદાનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું હતું કે જો મિલકત ચાલી જાય તો પ્રમિલાને તેનો હિસ્સો આપવો મુશ્કેલ બનશે. બંને પક્ષો છૂટાછેડા માટે સંમત છે, પરંતુ મિલકતના વિભાજન અંગે વિવાદ છે. આ કેસમાં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે તેમના ત્રણ દાયકાના લગ્નજીવન દરમિયાન તેમણે કમાયેલી આવક અને સંપત્તિના વિભાજન અંગે વિવાદ છે.
🚨 US court has ordered Zoho founder Sridhar Vembu to deposit a $1.7 billion (₹15,278 crore) bond in his ongoing divorce case.
This step protects assets while the case continues. pic.twitter.com/zZawpmztJP
— Indian Trends Hub (@IndianTrendsHub) January 10, 2026
શ્રીધર વેમ્બુના વકીલે શું કહ્યું
આ મામલે વિવાદ વધતાં શ્રીધર વેમ્બુના વકીલ ક્રિસ્ટોફર સી. મેલ્ચરે સ્પષ્ટતા કરી છે. તેમણે સોશિયલ મીડિયા (X) પર લખ્યું કે પ્રમિલાના વકીલે જજને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોર્યા છે. મેલ્ચરના મતે, શ્રીધરે તેમની પત્નીને કંપનીના 50% શેર ઓફર કર્યા હતા, પરંતુ તેમણે એનો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. વકીલે 1.7 બિલિયન ડોલરના બોન્ડ ઓર્ડરને ‘અમાન્ય’ ગણાવ્યો અને કહ્યું કે તેની સામે અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ‘દલિત થઈને તમારી હિંમત કેવી રીતે થઈ ખુરશી પર બેસવાની?’










