અયોધ્યા રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા ચડાવા અને દાનની રકમમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિ અને કૌભાંડ થયાનો મામલો સામે આવ્યો છે. આ કથિત કૌભાંડની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. લખનૌના કમિશનર આઈએએસ (IAS) વિશ્વાસ પંતના વડાપણ હેઠળની આ ટીમમાં આઈપીએસ (IPS) કિરણ એસ. અને સ્પેશિયલ ફાઇનાન્સ સેક્રેટરી નીલ રતનનો સમાવેશ કરાયો છે. એસઆઈટીને 7 દિવસમાં પ્રાથમિક અને 15 દિવસમાં અંતિમ અહેવાલ સોંપવા આદેશ કરાયો છે. આ તપાસ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મંદિરમાં દાનની રકમ ગણવાનું કામ કરતા મુખ્ય આરોપી કર્મચારી લવકુશ મિશ્રાની રુદૌલી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે, જેના ઘરેથી આશરે 10 લાખ રૂપિયાની શંકાસ્પદ રોકડ જપ્ત કરાઈ છે. આ સિવાય અન્ય એક શખ્સે રૂ. 1.5 કરોડની જમીન ખરીદી હોવાનું પણ સામે આવ્યું છે.
ધરપકડથી બચવા છાણામાં રૂપિયા છુપાવ્યા
તપાસ ટીમના 6 સભ્યો જ્યારે આરોપી લવકુશ મિશ્રાના ઘરે દરોડો પાડવા પહોંચ્યા ત્યારે નાણાં છુપાવવાની ચોંકાવનારી પદ્ધતિ સામે આવી હતી. જપ્ત કરાયેલી 10 લાખ રૂપિયાની રોકડમાંથી કેટલીક રકમ ઘરની તિજોરીમાં રાખવામાં આવી હતી, જ્યારે મોટી રકમ ધરપકડથી બચવા માટે ઘરની બહાર રાખેલા છાણના ઢગલામાં છુપાવીને રાખવામાં આવી હતી. ગામલોકોના જણાવ્યા અનુસાર, રામ મંદિરમાં નોકરી મળ્યા બાદ લવકુશ મિશ્રાની આર્થિક સ્થિતિમાં અચાનક મોટો ઉછાળો આવ્યો હતો અને તેણે શહેરમાં 40 લાખનો પ્લોટ ખરીદ્યો હતો. જો કે, પિતા બચ્ચૂલાલ મિશ્રાએ દાવો કર્યો છે કે તેમનો પુત્ર નિર્દોષ છે અને ઘર બનાવવા માટે તેમણે પોતાની ખેતીની જમીન ગીરો મૂકી હતી, જેના આ નાણાં છે. વહીવટી તંત્ર હાલ આ નાણાંના અસલી સ્ત્રોતની ઊંડી તપાસ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ રામમંદિરને 2 માસમાં 26 કરોડ દાન મળ્યું, 36 કરોડની જમીન ખરીદી
चंदा चोरों, गद्दी छोड़ो।
प्रभु श्री राम मंदिर अयोध्या के कर्मचारी लवकुश मिश्रा ने अयोध्या में 40 लाख रुपए का प्लॉट खरीदा। जबकि दूसरे कर्मचारी ने डेढ़–दो करोड़ रुपए की जमीन खरीदी है। इन दोनों की सैलरी सिर्फ 18–20 हजार रुपए महीना है। इन दोनों पर चंदा गिनने की जिम्मेदारी थी।… pic.twitter.com/KzF8o8urzG— Sanjay Singh AAP (@SanjayAzadSln) June 13, 2026
20 હજાર પગારમાંથી દોઢ કરોડની જમીન ખરીદી?
આ કૌભાંડની કડીઓ માત્ર 10 લાખની રોકડ સુધી મર્યાદિત નથી. આ કેસમાં દાનની ગણતરી અને તેની વ્યવસ્થા સાથે જોડાયેલા વધુ એક કર્મચારીને પણ શંકાના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ બંને કર્મચારીઓનો માસિક પગાર માત્ર 18 થી 20 હજાર રૂપિયાની આસપાસ હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમની મિલકતોમાં થયેલો અસાધારણ વધારો તપાસ એજન્સીઓની રડારમાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે બેંકિંગ અને ઓડિટ પ્રક્રિયાને આડઅસર કરીને આ શખ્સો પૈકીના એક કર્મચારીએ તાજેતરમાં અંદાજે રૂપિયા 1.5 કરોડ (દોઢ કરોડ) ની કિંમતી જમીન ખરીદી હતી, જ્યારે બીજા કર્મચારીએ પોતાના નામે આશરે 40 લાખ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો હોવાના દસ્તાવેજો મળી આવ્યા છે. આટલા ટૂંકા ગાળામાં થયેલો કરોડોનો વ્યવહાર સીધો રામ મંદિરના ચઢાવાની ચોરી તરફ ઈશારો કરે છે.
અખિલેશ યાદવે કૌભાંડનો આરોપ મૂક્યો હતો તે સાચો પડ્યો
આ સમગ્ર વિવાદની શરૂઆત 7 જૂન 2026 ના રોજ થઈ હતી, જ્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર રામ મંદિરના ચઢાવામાં કૌભાંડ થયાનો દાવો કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. વિવાદ વકરતા રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે નિયમિત ઓડિટ થતું હોવાની સફાઈ આપીને ગેરરીતિનો ઇનકાર કર્યો હતો. પરંતુ પોલીસ અને એસઆઈટીની પ્રત્યક્ષ રિકવરીએ આ દાવાઓ સામે સવાલ ઉઠાવ્યા છે. કૌભાંડનો મામલો વધુ ગંભીર બનતા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા પણ પાંચ દિવસમાં બીજી વાર અયોધ્યા પહોંચ્યા છે, જો કે તેમણે આ આર્થિક બાબત પર કોઈ નિવેદન કરવાનું ટાળ્યું હતું. હાલ એસઆઈટી મિલકતોના સ્ત્રોત અને કૌભાંડમાં સામેલ અન્ય વહીવટી કડીઓની સઘન તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચોઃ બળાત્કારી આસારામે અયોધ્યામાં VVIP સુવિધા સાથે રામ મંદિરના દર્શન કર્યા












