કેન્દ્ર સરકારે ગુજરાતમાં કુપોષિત આદિવાસી બાળકોના આંકડાઓ આપીને વડાપ્રધાન મોદી અને ભાજપના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. એક બાજુ રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોમાં વિવિધ યોજનાઓ ચલાવે છે પરંતુ તેનો લાભ છેવાડાના આદિવાસી બાળકોના પેટનો ખાડો પુરવાનો બદલે મળતિયાઓ લઈ જતા હોવાથી આદિવાસી બાળકોની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. એક બાજુ કુપોષણમુક્ત ગુજરાતના નારાં લગાવાઈ રહ્યાં છે. કરોડોની ગ્રાન્ટ ખર્ચવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં જમીની સ્તરે કુપોષણને દૂર કરવામાં સરકારને સફળતા મળી નથી. કેન્દ્ર સરકારે સંસદમાં ૨જૂ કરેલાં રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે.
કુપોષિત બાળકોની સંખ્યા 4 ગણી વધી
ગુજરાત સરકાર બજેટમાં કરોડો રૂપિયા ફાળવે છે તેમ છતાંય કુપોષણની સ્થિતીમાં ઝાઝો ફરક પડ્યો નથી. રાજ્યમાં કુપોષણનો શિકાર થયેલા બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. સંસદમાં ખુદ કેન્દ્ર સરકારે રજૂ કરેલાં રિપોર્ટમાં ગુજરાતમાં કુપોષણની કેવી સ્થિતી છે તેનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં લોકશાહીનું મોત? 40થી વધુ ગ્રામ પંચાયતો સમરસ બનશે
જૂન-2025 સુધી ગુજરાતમાં ઓછુ વજન ધરાવતાં આદિવાસી બાળકોની સંખ્યા 1,71,570 રહી છે જ્યારે અતિ ઓછુ વજન ધરાવતાં 1,11,862 આદિવાસી બાળકો છે. ઓછી ઉંચાઈ ધરાવતાં 37,695 બાળકો છે. કુલ મળીને 3,21,127 આદિવાસી બાળકો કુપોષિત છે.

સરકારી યોજનાઓ માત્ર કાગળ પર રહી, લાભ મળતિયા ખાટી ગયા
રાજ્યમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કુપોષણમુક્ત ગુજરાત અભિયાન, નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ યોજના, મમતા અભિયાન સહિત ઘણી યોજનાઓ અમલમાં છે. દર વર્ષે કુપોષણ દૂર કરવાના નામે લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચવામાં આવે છે તેમ છતાંય ગુજરાતમાં કુપોષણની સ્થિતી યથાવત રહી છે. જાણકારોના મતે આ યોજનાઓનો લાભ આદિવાસી બાળકો સુધી પહોંચવાને બદલે મળતિયાઓ ખાટી જતા હોવાથી આ સ્થિતિ છે.
ગુજરાત કરતા અન્ય રાજ્યોમાં કુપોષિત આદિવાસી બાળકોની સંખ્યા ઓછી
ગુજરાત કરતાં બિહાર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ત્રિપુરા, કેરલા, તમિલનાડુમાં કુપોષિત આદિવાસી બાળકોની સંખ્યા ઓછી છે. ટૂંકમાં, ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં કુપોષણને લઈને વધુ ધ્યાન અપાયુ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. જોકે, સરકારના દાવો એવો છે કે, જનજાગૃતિના અભાવ, આર્થિક ગરીબી, અપુરતો આહાર સહિત અન્ય કારણોસર કુપોષણની સ્થિતીમાં સુધાર આવી શક્યો નથી. કરોડો રૂપિયા બજેટ ખર્ચાયા પછી પણ કુપોષણના દરમાં ચિંતાજનક હદે વધારો થયો છે એનો અર્થ કે, મળતિયા-ભ્રષ્ટ અધિકારીઓ તેનો લાભ લઈ રહ્યાં છે.
આ પણ વાંચો: ‘ભગવાન નિષ્પક્ષ છે, જાતિ..’, કહી હાઈકોર્ટે દલિતોની તરફેણમાં ચૂકાદો આપ્યો










