બહુજન સાહિત્યકાર વિશન કાથડના ‘જય જોહાર’ ગીતે ધૂમ મચાવી

વિશન કાથડનું વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસી યોદ્ધાઓને સમર્પિત ગીત 'જય જોહાર' લોન્ચ થતા જ વાયરલ થયું છે.
Vishan Kathads song Jai Johar

જૂનાગઢના પ્રખ્યાત બહુજન સાહિત્યકાર વિશન કાથડનું આદિવાસી યોદ્ધાઓને સમર્પિત બહુચર્ચિત ગીત ‘જય જોહાર..’ ગઈકાલે લોન્ચ થઈ ગયું. છોટાઉદેપુર જિલ્લાના કંવાટ ખાતે આ ગીતના લોન્ચિંગ માટેનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આદિવાસી સમાજના દિગ્ગજોની ઉપસ્થિતિમાં વિશન કાથડના ‘જય જોહાર’ ગીતને લોન્ચ કરવામાં આવ્યું હતું. યુટ્યુબ સહિતના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીત લોન્ચ થતાની સાથે જ વાયરલ થયું હતું. 24 કલાક કરતા પણ ઓછા સમયમાં આ ગીતે માત્ર યુટ્યુબ પર 11 હજારથી વધુ વ્યૂઝ મેળવ્યા હતા. આ સિવાય ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના વ્યૂઝ પણ ગણતરીના કલાકોમાં જ હજારોમાં પહોંચી ગયા હતા.

કંવાટ ખાતે ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

કંવાટ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં જય ભીમ યુવા સંગઠન કંવાટ દ્વારા આ ગીતના લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આદિવાસી સમાજના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભારત આદિવાસી સંવિધાન સેના ગુજરાતના પ્રમુખ રાકેશભાઈ ચૌધરી, આદિવાસી ટાઈગર સેનાના પ્રફુલ્લ વસાવા, છોટાઉદેપુરના પીઆઈ રવિ વસાવા, ડો. પ્રદિપ ગરાસિયા, યુટ્યૂબર પ્રો. જયેશ વરિયા, ઉકાઈના ડેપ્યૂટી ઈજનેર એન.આર. ચૌધરી, સામાજિક અગ્રણી વિજયભાઈ ચૌહાણ, નિવૃત્ત નાયબ ઈજનેર દિલીપ ગામીત, આદિવાસી એકતા પરિષદ ગુજરાતના પૂર્વ અધ્યક્ષ શનિયાભાઈ રાઠવા, સામાજિક કાર્યકર વાલસીંગભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ, યુવાનો-યુવતીઓ અને વડીલોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમનો વધુ જોશીલો બનાવી દીધો હતો.

આ પણ વાંચો: બાબરાના ચમારડીમાં ન્યાય સમિતિના દલિત મહિલા ચેરમેનનું હળહળતું અપમાન

Vishan Kathads song Jai Johar

એક વર્ષ પહેલા કારમાં બેસીને ગીત લખ્યું હતું

જય જોહાર ગીત વિશે તેના ગાયક-લેખક વિશન કાથડ khabarantar.in સાથે વાત કરતા જણાવે છે કે, “આ ગીત મેં ગયા વર્ષે જૂનાગઢથી ઉકાઈ ખાતે એક કાર્યક્રમમાં જતી વખતે રસ્તામાં લખ્યું હતું. કાર્યક્રમમાં પહોંચવા માટે ઓછામાં ઓછા 5 કલાક જેટલો સમય લાગે તેમ હતો. મેં તેનો કાચો ડ્રાફ્ટ એ વખતે કારમાં બેસીને તૈયાર કર્યો હતો. ત્યારબાદ સતત તેમાં જરૂરિયાત મુજબ નાના-મોટા સુધારાઓ થતા ગયા. છંદ શૈલીમાં લખાયેલું આ ગીત તૈયાર કરવામાં ઘણો સમય લાગ્યો છે. જૂનાગઢના આર્યન સોલંકીએ ગીતનું ડિરેક્શન કર્યું છે, તેઓ લગા મંગેશકર સાથે કામ કરી ચૂક્યા છે. ગીતને સરગમ સ્ટુડિયો ધોળકાના સંગીતકાર કલ્પેશ શ્રીમાળીએ કમ્પોઝ કર્યું છે. અલિફ ભટ્ટીએ સિનેમેટોગ્રાફી કરી છે અને એડિટીંગ જયેશ મકવાણાએ કર્યું છે. અલગ અલગ લોકેશન પર જઈને ગીતનું શૂટીંગ કરવામાં આવ્યું છે અને તેને ફાઈનલ થવામાં 6 મહિના જેટલો સમય લાગી ગયો હતો.”

આ પણ વાંચો: આદિવાસી વિદ્યાર્થીએ સ્માર્ટફોન-ઈન્ટરનેટ વિના NEET UG પાસ કરી

Vishan Kathads song Jai Johar

‘જય જોહાર’ આદિવાસી યોદ્ધાઓને અમારી અંજલિ છેઃ વિશન કાથડ

આ ગીત પાછળની ભાવના વ્યક્ત કરતા વિશન કાથડ કહે છે, “હું છેલ્લાં 15 વર્ષ કરતા વધુ સમયથી બહુજન સાહિત્યકાર તરીકે કાર્યરત છું. સંગીતના કોઈ સીમાડા નથી હોતા, તે લોકોને જોડવાનું કામ કરે છે. મારા ધ્યાનમાં આવ્યું હતું કે, આદિવાસી સમાજના વીર સપૂતો અને યોદ્ધાઓને સમર્પિત બહુ ઓછા ગીતો આપણે ત્યાં મુખ્યધારાના બહુજન સાહિત્યમાં જોવા-સાંભળવા મળે છે. તેથી નક્કી કર્યું કે, આપણે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી યોદ્ધાઓને અંજલિરૂપે કોઈ ગીત આપવું છે. મહાનાયક બિરસા મુંડા, જયપાલ મુંડા સહિતના યોદ્ધાઓને યાદ કરવાનો આ અવસર અમે ચૂકવા નહોતા માંગતા. બીજું કે, આદિવાસી સમાજ વિશે આજે પણ સમાજમાં એક ચોક્કસ માન્યતા પ્રવર્તે છે. આદિવાસી માત્ર ‘જંગલ રખવાલા’ જ નથી, પરંતુ બીજું ઘણું બધું છે. તેમનો ભવ્ય ઈતિહાસ મારે લોકો વચ્ચે મૂકવો હતો. તેના માટે ‘જય જોહાર’ જ સૌથી મહત્વનો શબ્દ હતો. આ ગીત થકી અમે આદિવાસી સમાજના ભવ્ય ઈતિહાસ અને તેના વીર યોદ્ધાઓના બલિદાનોને યાદ કરી મહત્તમ આદિવાસી સમાજ સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છીએ.”

‘જય જોહાર’ ગીત જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

આ પણ વાંચો: વિશન કાથડે દેશના 150 ગાયકો સાથે સૂર રેલાવી રેકોર્ડ સર્જ્યો

3.8 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Vikram Bhai
Vikram Bhai
5 months ago

बेस्ट स्टार

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x