સંસદ પરિસરમાં કોંગ્રેસ સાંસદ પપ્પુ યાદવ દ્વારા ભગવા વસ્ત્રો પહેરીને કરવામાં આવેલા પ્રદર્શન બાદ શરૂ થયેલો વિવાદ હવે અયોધ્યાના રસ્તાઓ સુધી પહોંચી ગયો છે. બે દિવસ પહેલા સંત સમાજના વિરોધ પ્રદર્શન દરમિયાન અયોધ્યાના સમાજવાદી પાર્ટીના દલિત સાંસદ અવધેશ પ્રસાદના પોસ્ટર પર બૂટ-ચપ્પલ મારવામાં આવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં સોમવારે સપા કાર્યકર્તાઓએ જિલ્લા મુખ્યાલય પર એકત્ર થઈને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વહીવટીતંત્રે જ્ઞાપન સોંપીને દોષિતો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સપા નેતાગીરી દ્વારા વિરોધ પ્રદર્શન અને માંગ
અયોધ્યા જિલ્લા મુખ્યાલય પર યોજાયેલા આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ મિલ્કીપુરના પૂર્વ ધારાસભ્ય અને સાંસદ અવધેશ પ્રસાદના પુત્ર અજીત પ્રસાદ, સમાજવાદી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ પારસનાથ યાદવ અને લીલાવતી કુશવાહાએ કર્યું હતું. મોટી સંખ્યામાં સપા કાર્યકર્તાઓ અને નેતાઓ જિલ્લા મુખ્યાલય પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન બાદ નેતાઓએ વહીવટીતંત્રના અધિકારીઓને આવેદનપત્ર સોંપ્યું હતું.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરનો એ ઐતિહાસિક કેસ, જેણે 47 ગરીબોને ફાંસીથી બચાવ્યા
ભાજપ પર બેવડા ધોરણોનો આરોપ
પ્રદર્શન દરમિયાન અજીત પ્રસાદે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓ દ્વારા પણ અનેક વખત સનાતન પરંપરાનું અપમાન કરવામાં આવ્યું છે, પરંતુ તે મામલાઓમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
તેમણે દાખલા આપતા જણાવ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ નીતિન નવીનના સ્વાગત દરમિયાન હનુમાનજીના સ્વરૂપનું પ્રતીકાત્મક નૃત્ય કરાવવામાં આવ્યું હતું. આ સિવાય ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર દ્વારા ભગવા વસ્ત્રો પહેરીને માસાંહાર કરવા જેવા મુદ્દાઓનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અને ભાજપના વલણ સામે સવાલો ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો: ભારતને પ્રથમ દલિત વડાપ્રધાન મળતા-મળતા કેમ રહી ગયા?

દલિત સમાજનું અપમાન અને 2027 ની ચેતવણી
અજીત પ્રસાદે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સાંસદ અવધેશ પ્રસાદના પોસ્ટર પર બૂટ-ચપ્પલ મારવા એ માત્ર સામાન્ય રાજકીય વિરોધ નથી, પરંતુ તે સીધેસીધું દલિત સમાજનું અપમાન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અવધેશ પ્રસાદ દલિત સમાજમાંથી આવે છે અને અયોધ્યા જેવા મહત્વના ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી આ ઘટનાથી સમગ્ર દલિત સમાજની લાગણી દુભાઈ છે.
તેમણે વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે જો આ કિસ્સામાં દોષિતો સામે વહેલી તકે નિષ્પક્ષ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો દલિત સમાજ આ અપમાનનો જવાબ લોકશાહી ઢબે 2027 ની વિધાનસભા ચૂંટણીમાં આપશે.
અયોધ્યામાં સાંસદના પોસ્ટર પર બૂટ-ચપ્પલ મારવાની આ ઘટના બાદ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. સપા નેતાઓએ તંત્ર પાસે દોષિતોની ઓળખ કરીને તેમની સામે કડક કાનૂની પગલાં ભરવાની માગ કરી છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો: કલોલમાં ફાયનાન્સરે પતિની હાજરીમાં દલિત મહિલાને લાફો માર્યો












