દલિત યુવકને પ્રેમિકાના પરિવારના 6 લોકોએ મળી રહેસીં નાખ્યો

દલિત યુવક 10 વર્ષથી જે યુવતી સાથે રિલેશનશીપમાં હતો તેના પરિવારના 6 લોકોએ રાત્રે તેને આંતરીને જાહેરમાં ધારદાર હથિયારોથી રહેંસી નાખ્યો.
Adivasi News

ઈ.વી. રામાસામી પેરિયારની આજે જન્મજયંતિ છે ત્યારે તેમની જન્મભૂમિ તમિલનાડુમાં ઓનર કિલીંગની એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક દલિત યુવકને તેની પ્રેમિકાના પરિવારજનોએ જાહેરમાં ઘાતક હથિયારોથી રહેંસી નાખ્યો હતો. યુવક છેલ્લાં એક દાયકાથી યુવતી સાથે પ્રેમસંબંધમાં હતો અને બંને પ્રેમ લગ્ન કરવા માંગતા હતા, પરંતુ યુવતીની માતા અને મામા વગેરે તેના માટે રાજી નહોતા. તેમણે યુવકને યુવતી સાથેનો પ્રેમસંબંધ તોડી નાખવા માટે અનેકવાર ધમકીઓ આપી હતી. પરંતુ યુવક મક્કમ રહેતા આખરે યુવતીના પરિવારના 6 લોકોએ મળીને તેની હત્યા કરી નાખી હતી.

તમિલનાડુના મયિલાદુથુરાઈ વિસ્તારની ઘટના

મામલો તમિલનાડુના મયિલાદુથુરાઈનો છે. અહીં સોમવારે એક 28 વર્ષીય દલિત યુવકની 6 લોકોએ મળીને જાહેરમાં હત્યા કરી નાખી. યુવક છેલ્લાં 10 વર્ષથી એક યુવતી સાથે પ્રેમસંબંધમાં હતો. યુવતી પણ દલિત સમાજમાંથી જ આવે છે, પરંતુ તેની માતા અન્ય કથિત સવર્ણ સમાજની હોવાથી તેને આ સંબંધ મંજૂર નહોતો. તેથી તેણે અને તેના સંબંધીઓએ આ સંબંધનો વિરોધ કર્યો હતો. પરંતુ યુવક-યુવતીએ તેમ છતાં પ્રેમસંબંધ તોડવા રાજી ન થતા યુવતીના પરિવારજનોએ મળીને યુવકની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે પાંચ શંકાસ્પદોની ધરપકડ કરી છે. બીજી તરફ, મૃતક યુવકના પરિવારે આ કેસમાં SC/ST એક્ટ લાગુ કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે છોકરીની માતા બિન દલિત હોવાથી તેણે તેના પરિવારજનોને આ હત્યા માટે ઉશ્કેર્યા હતા.

યુવતીની માતાને યુવક પસંદ નહોતો

મૃતક યુવકની ઓળખ કે. વૈરામુથુ તરીકે થઈ છે. તે છેલ્લા 10 વર્ષથી 29 વર્ષીય માલિની સાથે પ્રેમસંબંધમાં હતો. માલિની ચેન્નાઈમાં કામ કરતી હતી. માલિની અને તેના પિતા અનુસૂચિત જાતિના છે, પરંતુ તેની માતા વિજયા, બિન-દલિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, માલિનીની માતાને વૈરામુથુ પસંદ નહોતો. તેથી જ તે આ સંબંધ અને લગ્નનો વિરોધ કરતી હતી.

માલિની અને વૈરામુથુ કોર્ટ મેરેજ કરવા માંગતા હતા

માલિની અને વૈરામુથુ કોર્ટ મેરેજ કરવા માંગતા હતા પરંતુ તેની માતા તેના વિરોધમાં હતી. થોડા દિવસ પહેલા તેની માતાએ વૈરામુથુને તેની ઓફિસ બહાર રોક્યો હતો અને તેની સાથે માથાકૂટ કરી હતી. યુવક વૈરામુથુએ આ ઘટનાનો કથિત રીતે વીડિયો બનાવ્યો હતો. એ પછી ગયા અઠવાડિયે, પોલીસે બંને પરિવારોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન માલિનીએ વૈરામુથુ સાથે લગ્ન કરવાની વાત કરી હતી. ત્યારબાદ, બંને સાથે રહેવા લાગ્યા હતા, કારણ કે માલિનીના પરિવારે તેને છોડી દીધી હતી. બંને કોર્ટ મેરેજ ઇચ્છતા હતા.

આ પણ વાંચો: પ્રેમિકાને રાજી કરવા દલિત યુવક વાઘના પાંજરામાં ઉતર્યો

છ લોકોએ હથિયારોથી વૈરામુથુ પર હુમલો કર્યો

માલિની બે દિવસ પહેલા કામ માટે ચેન્નાઈ ગઈ હતી. એ દરમિયાન રાત્રે છ લોકો વૈરામુથુ પર જીવલેણ હુમલો કર્યો હતો. બધા તીક્ષ્ણ હથિયારોથી સજ્જ હતા. હુમલાખોરોએ વૈરામુથુના ગળા અને હાથમાં છરા માર્યા હતા. જેના કારણે તેનું માયલાદુથુરાઈ સરકારી હોસ્પિટલમાં મોત થઈ ગયું. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.

યુવતીના બે ભાઈઓ સહિત 10 લોકોની અટકાયત કરાઈ

આ તરફ વૈરામુથુની હત્યાને કારણે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા. મૃતકનો પરિવાર, તેની પ્રેમિકા અને સીપીઆઈ(એમ)ના સભ્યો સહિત લગભગ 150 લોકોએ આજે માયલાદુથુરાઈ-કુંભકોણમ હાઇવે બ્લોક કરી દીધો હતો. તેમણે માંગ કરી હતી કે માલિનીની માતા વિજયા સહિત તમામ આરોપીઓ પર SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવે અને વૈરામુથુના પરિવારને પૂરતું વળતર આપવામાં આવે.

પ્રદર્શનકારીઓએ તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈરામુથુનો મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે મંગળવારે હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. વૈરામુથુની માતા રાજલક્ષ્મીની ફરિયાદ બાદ, પોલીસે કેસ નોંધ્યો હતો અને ચાર ખાસ ટીમો બનાવી હતી. પોલીસે માલિનીના ભાઈઓ ગુગન અને ગુનાલ સહિત 10 શંકાસ્પદોની પૂછપરછ માટે અટકાયત કરી છે.

આ પણ વાંચો: ‘સૈરાટ’ ફિલ્મ જેવી ઘટનાઃ મુસ્લિમ પ્રેમિકાની હત્યા, દલિત પ્રેમી ગુમ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x