મહિષાસુર કોણ હતા, શા માટે તેમની હત્યા કરવામાં આવી હતી?

મહિષાસુરને લઈને હિંદુત્વવાદીઓએ અનેક ખોટી ભ્રમણાઓ ફેલાવેલી છે, ત્યારે પત્રકાર ગૌરી લંકેશનો આ લેખ આવી તમામ ભ્રમણાઓને ભાંગી નાખશે.
mahishasura story

Our very own mahishasura: વિખ્યાત પત્રકાર અને સામાજિક કાર્યકર એવા ગૌરી લંકેશ(Gauri Lankesh)ની ૫ સપ્ટેમ્બર, ૨૦૧૭ ના રોજ હત્યા થઈ હતી. ગૌરી લંકેશ એક સ્પષ્ટ અને સત્ય વક્તા હતા. તેઓ જમણેરી હિન્દુત્વવાદી વિચારધારાના પ્રખર આલોચક, મહિલાઓના હક અધિકારોના સંરક્ષક અને જાતિ ભેદભાવોના કટ્ટર વિરોધી હતા. ગૌરી લંકેશે “આપણો પોતાનો મહિષાસુર” શીર્ષક હેઠળ એક અહેવાલ મૂળ અંગ્રેજી ભાષામાં લખ્યો હતો, જે અહેવાલ વેબ પોર્ટલ બેંગલોર મીરરમાં ૨૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ ના રોજ પ્રકાશિત થયો હતો.

આ અહેવાલમાં તેમણે મહિષાસુર(mahishasura) અને બીજા અસુર રાજાઓની હત્યા અને તેના ષડયંત્રો ઉપર પ્રકાશ પાડ્યો હતો. આ અહેવાલ વાંચ્યા બાદ આપ સમજી શકશો કે શા માટે હિન્દુત્વવાદીઓએ ગૌરી લંકેશની નિર્દયતાથી હત્યા કરી નાખી. આ લેખનો હિન્દીમાં અનુવાદ સિદ્ધાર્થજીએ કર્યો હતો જે Forward Press માં પ્રકાશિત થયો હતો. આ અહેવાલનો ગુજરાતી અનુવાદ અહીં રજૂ કરીએ છીએ. આવો જાણીએ કોણ છે અસુર? કોણ છે મહિષાસુર? કોણ છે દુર્ગા અને ચામુંડા?

મહિષાસુર એવા વ્યક્તિત્વનું નામ છે, જે સહજતાથી લોકોને પોતાની તરફ ખેંચે છે. તેમના નામ પરથી જ ‘મૈસુર’ શહેરનું નામ પડ્યું છે. જોકે હિન્દુ દંતકથાઓ તેમને દૈત્ય એટલે કે રાક્ષસના રૂપમાં રજૂ કરે છે, ચામુંડા દ્વારા તેમની હત્યાને યોગ્ય ઠેરવે છે, પરંતુ લોકગાથાઓ તેનાથી બિલકુલ અલગ વાર્તાઓ કહે છે. ત્યાં સુધી કે ડૉ. બી.આર. આંબેડકર અને મહાત્મા જોતિબા ફૂલે જેવા ક્રાંતિકારી વિચારકો પણ મહિષાસુરને એક મહાન અને ઉદાર દ્રવિડિયન રાજાના રૂપમાં જુએ છે, જેણે લૂંટારા – હત્યારા આર્યો એટલે કે સુરોથી પોતાના લોકોની રક્ષા કરી હતી.

આ પણઁ વાંચો: દલિત જમાઈને બ્રાહ્મણ સસરાએ કોલેજમાં ઘૂસીને ગોળી મારી દીધી?

ઇતિહાસકાર વિજય મહેશ કહે છે કે, ‘માહી’ શબ્દનો અર્થ એક એવો માણસ થાય છે, જે દુનિયામાં શાંતિ સ્થાપિત કરે છે. મોટાભાગના મૂળનિવાસી રાજાઓની જેમ મહિષાસુર ન માત્ર વિદ્વાન અને શક્તિશાળી રાજા હતા, પરંતુ તેમની પાસે 177 બુદ્ધિમાન સલાહકારો પણ હતા. તેમનું રાજ્ય પ્રાકૃતિક સંસાધનોથી ભરપૂર હતું. તેમના રાજ્યમાં હોમ-હવન કે યજ્ઞ જેવા વિધ્વંસક કર્મકાંડો માટે કોઈ જગ્યા નહોતી. કોઈપણ માણસ પોતાના ભોજન, આનંદ કે ધાર્મિક કર્મકાંડ માટે મનમાની કરી અસંખ્ય જાનવરોને મારી શકતો નહતો. સૌથી મોટી વાત તો એ હતી કે મહિષાસુરના રાજ્યમાં કોઈને કામકાજ કર્યા વિના જીવન જીવવાની મંજૂરી નહોતી. તેમના રાજ્યમાં કોઈ મનમરજીથી ઝાડ કાપી શકતું નહોતું. ઝાડને કપાતા રોકવા માટે તેમણે ઘણાં બધાં માણસોને નિયુક્ત કરી રાખ્યા હતા.

mahishasura story

વિજય મહેશ દાવો કરે છે કે, મહિષાસુરના રાજ્યના લોકો ધાતુને આકાર આપવાની કામગીરીમાં નિષ્ણાત હતા. આ જ પ્રકારનું મંતવ્ય એક બીજા ઇતિહાસકાર એમ. એલ. શેદંજ રજૂ કરે છે. તેઓ જણાવે છે કે, “ઇતિહાસકાર વિન્સેન્ટ એ. સ્મિથ પોતાના ઇતિહાસગ્રંથમાં કહે છે કે ભારતમાં તામ્રયુગ અને પ્રાગેતિહાસિક યુગમાં હથિયારોનો પ્રયોગ થતો હતો. મહિષાસુરના સમયમાં સમગ્ર દેશમાંથી લોકો તેમના રાજ્યમાં હથિયારો ખરીદવાં માટે આવતા હતા. આ હથિયારો ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળી ધાતુઓમાંથી બનેલા હતા. લોકકથાઓ અનુસાર મહિષાસુર વિભિન્ન વનસ્પતિઓ અને વૃક્ષોના ઔષધીય ગુણોના જાણકાર હતા અને તેનો ઉપયોગ પોતાના રાજ્યના લોકોના સ્વાસ્થ્ય માટે કરતા હતા.

તો પછી શા માટે અને કેવી રીતે આટલા શ્રેષ્ઠ અને મહાન રાજાને ખલનાયક બનાવવામાં આવ્યા? આ સંદર્ભમાં સબર્લ્ટન સંસ્કૃતિના લેખક અને શોધકર્તા યોગેશ માસ્ટર કહે છે કે, “આ બાબતને સમજવા માટે તમારે સુરો અને અસુરોની સંસ્કૃતિઓ વચ્ચેના સંઘર્ષને સમજવો પડશે.” દરેક માણસ જાણે છે કે અસુરોના મહિષા રાજ્યમાં મોટી સંખ્યામાં પાડા હતા. આર્યોની ચામુંડાનો સંબંધ તેની સંસ્કૃતિ સાથે હતો, જેનું મૂળ ધન ગાયો હતી. જ્યારે આ બે સંસ્કૃતિઓ વચ્ચે સંઘર્ષ થયું ત્યારે મહિષાસુરની હાર થઈ અને તેમના લોકોને આ વિસ્તારમાંથી ભગાડી દેવામાં આવ્યા. કર્ણાટકમાં માત્ર મહિષાસુરનું જ શાસન નહોતું પરંતુ બીજા અનેક અસુર શાસકો પણ હતા.

આ પણ વાંચો: બંધારણમાંથી ‘સમાજવાદી-ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરાય તો શું થાય?

તેની વ્યાખ્યા કરતા વિજય કહે છે કે, “વર્ષ ૧૯૨૬માં મૈસુર યુનિવર્સિટીએ ઇન્ડિયન ઇકોનોમિક કોન્ફરન્સ માટે એક પુસ્તિકા પ્રકાશિત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કર્ણાટક રાજ્યમાં અસુર રાજાઓના ઘણા બધા ગઢ હતા. ઉદાહરણ તરીકે, ગુહાસુર પોતાની રાજધાની હરિહર પર રાજ કરતા હતા. હિડિંબાસુર ચિત્રદુર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર શાસન કરતા હતા. બકાસુર રામાનગરના રાજા હતા. એ વાત તો તમને બધાને ખબર જ છે કે મહિષાસુર મૈસુરના રાજા હતા. આ બધા પુરાવાઓ જણાવે છે કે આર્યોના આગમન પહેલા આ બધા વિસ્તારો પર મૂળનિવાસી અસુરોનુ રાજ હતું. આર્યોએ તેમના રાજ્યો પર કબજો કરી લીધો હતો.”

ડૉ. આંબેડકરે પણ બ્રાહ્મણવાદી દંતકથાઓના એ ચિત્રણનું મજબૂતીથી ખંડન કર્યું છે કે અસુરો દૈત્ય હતા. ડૉ. આંબેડકર પોતાના એક નિબંધમાં એ વાત પર જોર આપે છે કે, “મહાભારત અને રામાયણમાં અસુરોને તેઓ માનવ સમાજના સભ્ય નહોતા એ રીતે ચીતરવા આવ્યા છે, જે સંપૂર્ણ ખોટું છે. બાબાસાહેબ બ્રાહ્મણોની એ વાતની પણ મજાક ઉડાવે છે કે, બ્રાહ્મણોએ તેમના દેવતાઓને દયા આવે તેવા ડરપોકોના સમૂહ તરીકે રજૂ કર્યા છે.

mahishasura story

ડો.આંબેડકર કહે છે કે, “હિન્દુઓની બધી દંતકથાઓ એ દર્શાવે છે કે અસુરોની હત્યા વિષ્ણુ કે શિવ દ્વારા નહીં પરંતુ દેવીઓએ કરી છે. દુર્ગા (કર્ણાટકના સંદર્ભમાં ચામુંડા) એ મહિષાસુરની હત્યા કરી, તો કાળીએ નરકાસુરને માર્યો, જ્યારે અસુરભાઈઓ શુંબ-નિશુંબની હત્યા દુર્ગાના હાથે થઈ. બાણાસુરને કન્યાકુમારીએ માર્યો. એક બીજા અસુર રક્તબીજની હત્યા દૈવીશક્તિએ કરી. ડો.આંબેડકર તિરસ્કાર સાથે કહે છે કે, “એવું લાગે છે કે ઈશ્વર લોકો અસુરો સામે પોતાની રક્ષા પોતે કરી શકે એમ નહતા, એટલે તેમણે પોતાને બચાવવા માટે પોતાની પત્નીઓને મોકલી દીધી.”

આખરે શું કારણ હતું કે સુરો એટલે કે દેવતાઓએ હંમેશા પોતાની મહિલાઓને જ અસુર રાજાઓની હત્યા કરવા માટે મોકલી? તેના કારણોની વ્યાખ્યા કરતા વિજય મહેશ જણાવે છે કે “દેવતાઓ સારી રીતે જાણતા હતા કે અસુર રાજાઓ ક્યારેય પણ મહીલાઓ સામે હથિયાર નહીં ઉઠાવે. આમાંથી મોટાભાગની મહિલાઓએ અસુર રાજાઓની હત્યા ચાલાકીથી કરી છે. આ શરમજનક કૃત્યોને છુપાવવા માટે દેવતાઓની આ હત્યારી પત્નીઓની 10 હાથ અને ચમત્કારી હથિયારોની વાર્તાઓ ઘડી કાઢવામાં આવી હતી. આવી વાર્તાઓ નાટકોમાં સારી લાગે, પરંતુ દૂરથી જોતા આપણે એ હકીકત જોઈ શકીએ છીએ કે, કેવી રીતે બ્રાહ્મણવાદી વર્ગે મૂળનિવાસી લોકોના ઇતિહાસને તોડીમરોડી નાખ્યો છે. ઇતિહાસને આ રીતે તોડવાનો તેમનો ઉદ્દેશ્ય પોતાનાં સ્વાર્થને પૂરા કરવાનો હતો.”

આ પણ વાંચો: જૂનાગઢના ભવનાથ મંદિર પર કબ્જો જમાવવા મહંતોમાં હોડ જામી

વિજય મહેશ આગળ જણાવે છે કે, “માત્ર બંગાળ કે ઝારખંડમાં જ નહીં, પરંતુ મૈસુરની આજુબાજુમાં પણ કેટલાક એવા સમાજો રહે છે, જે ચામુંડાને તેમના મહાન અને ઉદાર રાજાની હત્યા માટે દોષી માને છે. તેમનામાંથી કેટલાક દશેરાના દિવસે મહિષાસુરના આત્મા માટે પ્રાર્થના કરે છે. જેવું કે ચામુંડેશ્વરી મંદિરના મુખ્ય પૂજારી શ્રીનિવાસને મને જણાવ્યું કે તમિલનાડુમાંથી કેટલાક લોકો વર્ષમાં બે વાર અહીં આવે છે અને મહિષાસુરની મૂર્તિની પૂજા કરે છે.”

છેલ્લાં બે વર્ષથી અસુરો સમગ્ર દેશમાં આક્રોશનો મુદ્દો બની ગયા છે. પશ્ચિમ બંગાળના આદિવાસી લોકો અસુર સંસ્કૃતિ પર વિચાર વિમર્શ કરવા માટે વિશાળ બેઠકો કરી રહ્યા છે, તો દેશના અલગ અલગ યુનિવર્સિટી કેમ્પસમાં અસુર વિષયવસ્તુની આસપાસ તહેવારો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ઉસ્માનીયા યુનિવર્સિટી અને કાકટિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ‘નરકાસુર દિવસ’ મનાવ્યો હતો. જો કે JNU ના વિધાર્થીઓના ‘મહિષાસુર ઉત્સવ’ને તત્કાલિન માનવ સંસાધન વિકાસ મંત્રીએ એટલી દેશવ્યાપી લોકપ્રિયતા અપાવી દીધી હતી કે હું તેમના વિસ્તારમાં નથી જઈ રહી. મહિષાસુર અને બીજા અસુરો પ્રત્યે લોકોના વધતા જતા આકર્ષણની શું વ્યાખ્યા કરી શકાય?

શું માત્ર એટલું કહીને પીછો છોડાવી લેવાય કે દંતકથાઓ ઇતિહાસ નથી હોતી? લોકગાથાઓ આપણાં ભૂતકાળનો દસ્તાવેજ હોઈ શકે નહીં? વિજય મહેશ તેની સટિક વ્યાખ્યા કરતા કહે છે “મનુવાદીઓએ બહુજનોના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસને પોતાના હિસાબ મુજબ તોડીને બદલી નાખ્યો છે. આપણે આ ઇતિહાસ પર પડેલી ધૂળને ખંખેરવી પડશે, પૌરાણિક જૂઠ્ઠાણાઓનો પર્દાફાશ કરવો પડશે અને પોતાના લોકો તથા પોતાના બાળકોને હકીકત જણાવવી પડશે. આ જ એકમાત્ર રસ્તો છે જેના પર ચાલીને આપણે આપણાં સાચા ઇતિહાસના દાવેદાર બની શકીશું. મહિષાસુર અને બીજા અન્ય અસુરો પ્રત્યે લોકોનું વધી રહેલું આકર્ષણ એ સાબિત કરે છે કે હકીકતમાં આ જ કામ થઈ રહ્યું છે.”

આર. કે. પરમાર

(મૂળ લેખ ગૌરી લંકેશે Banglure Mirror માં અંગ્રેજીમાં લખ્યો હતો, તેનો ગુજરાતી અનુવાદ આર.કે. પરમારે કર્યો છે.)

આ પણઁ વાંચો: મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ

5 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x