kajal maheriya: ગુજરાતમાં પ્રેમલગ્નોને લઈને અલગ અલગ સમાજના કહેવાતા આગેવાનો દ્વારા જાણીતી ગાયિકાઓને ટાર્ગેટ કરવાની જાણે સિઝન ચાલી હોય તેવી સ્થિતિ છે. કિંજલ દવે, આરતી સાંગાણી, કિંજલ રબારી બાદ હવે દલિત સમાજમાંથી આવતી જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્નને લઈને વિવાદ સર્જાયો છે. મહેસાણાના વિસનગરના ગોઠવા ગામની વતની અને લોકપ્રિય સિંગર કાજલ મહેરિયાએ પરિવારની મંજૂરી વિના પ્રેમલગ્ન કરી લેતા સામાજિક અને કૌટુંબિક સ્તરે મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલો રવિવારે ત્યારે વકર્યો જ્યારે ગાયિકાના પરિવારજનો અને મહેરિયા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ગાંધીનગરના શેરથા ગામે કાજલની સાસરીમાં પહોંચ્યા હતા.
ભાઈની સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ શરૂ થયો
આ સમગ્ર વિવાદની શરૂઆત કાજલના ભાઈ સંદીપ મહેરિયા દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટથી થઈ હતી. આ પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે કાજલે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા છે. પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવીને 18 આલમ અને મહેરિયા સમાજના અગ્રણીઓને સહકાર આપવા અપીલ કરી હતી. ભાઈની આ જાહેર વિનંતી બાદ સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા અને મામલો ગંભીર બન્યો હતો.

આ પણ વાંચો: ગાયિકા આરતી સાંગાણીના પ્રેમલગ્ન મુદ્દે પટેલોએ હોબાળો મચાવ્યો
70 જેટલા લોકો ગાડીઓ લઈ શેરથા પહોંચ્યાં
રવિવારે કાજલના પિયર પક્ષ તરફથી આશરે 70 જેટલા લોકો ગાડીઓના કાફલા સાથે શેરથા ગામે પહોંચ્યા હતા. સાસરી પક્ષના આંગણે આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ કાજલના પતિએ તાત્કાલિક ‘112’ પર કોલ કરીને પોલીસ મદદ માંગી હતી. જેને પગલે અડાલજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક શેરથા પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ તમામ પક્ષોને સમજાવટ માટે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા.
મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
અડાલજ પોલીસ સ્ટેશનમાં પી.આઈ. એસ.જી. દેસાઈની હાજરીમાં બંને પક્ષો વચ્ચે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પરિવારનો મુખ્ય આક્ષેપ એ હતો કે કાજલે લગ્ન કર્યા છે કે નહીં તેની સ્પષ્ટતા થઈ નથી. આ સમયે કાજલ મહેરિયાએ મક્કમતાથી જણાવ્યું હતું કે તેણે લગ્ન કરી લીધા છે અને તે કાયદેસર છે. તેણે આવતીકાલ સુધીમાં પોલીસ સમક્ષ સત્તાવાર મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની ખાતરી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, હાલ આ મામલે કોઈ લેખિત ફરિયાદ કે અરજી દાખલ કરવામાં આવી નથી. માત્ર લગ્નની પુષ્ટિ કરવા માટે પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
આ પણ વાંચો: કિંજલ રબારીની પ્રેમલગ્નના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ‘ઘરવાપસી’

કાજલ મહેરિયાની ઝળહળતી કારકિર્દી
કાજલ મહેરિયા ઉત્તર ગુજરાતના વિસનગર તાલુકાના ગોઠવા ગામની વતની છે. તેનો જન્મ 21 નવેમ્બર 1992ના રોજ થયો હતો. પિતા નગીનભાઈ મહેરિયાની પુત્રી કાજલે ‘મળ્યાં માના આશીર્વાદ’ ગીતથી સમગ્ર ગુજરાતમાં નામના મેળવી હતી. તે લોકગીતો, ભજન અને લગ્નગીતોના ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે, પરંતુ આ આંતરજ્ઞાતિય પ્રેમલગ્નના વિવાદે હાલમાં સોશિયલ મીડિયા અને પબ્લિક ડોમેનમાં નવી ચર્ચા જગાવી છે. હાલ પૂરતો મામલો શાંત પડ્યો છે, પરંતુ મેરેજ સર્ટિફિકેટ રજૂ થયા બાદ જ આ વિવાદ પર પૂર્ણવિરામ મુકાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: દલિત યુગલે પ્રેમલગ્ન કરતા પંચે બહિષ્કાર કરી 12 લાખ દંડ કર્યો












Publicity stunt.