ધર્માંધ ભારત દેશમાં ભલે જાતિવાદી તત્વો ડૉ.આંબેડકરનું માત્ર તેમની દલિત જાતિના કારણે અપમાન કરતા હોય, પરંતુ દુનિયાના અનેક દેશો મહાનાયક ડો.આંબેડકરની મહાનતાને બરાબર સમજે છે અને એટલે જ બાબાસાહેબની લોકપ્રિયતા દુનિયાભરમાં સતત વધતી જઈ રહી છે. આજે ડૉ.આંબેડકરની લોકપ્રિયતા અને તેમનું પ્રદાન માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી. વિશ્વના અનેક દેશો તેમને એક ક્રાંતિકારી વિચારક અને ન્યાયના પ્રતીક તરીકે પૂજી રહ્યા છે.
આ યાદીમાં યુરોપિયન દેશ હંગરી સૌથી મોખરે છે, જ્યાંનો ‘રોમા જિપ્સી’ સમાજ ડૉ. આંબેડકરને પોતાના હક અને આઝાદીના મસીહા માને છે. આ સમાજમાં ‘જય ભીમ’ એ માત્ર એક નારો નથી, પરંતુ આત્મસન્માનનું અભિવાદન બની ગયું છે. હંગરીમાં જે રીતે આંબેડકરવાદી વિચારધારા પ્રસરી રહી છે, તે સાબિત કરે છે કે બાબા સાહેબના મૂલ્યો ભૌગોલિક સીમાઓ તોડીને વૈશ્વિક સ્તરે પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો: ધુરંધરના જમીલ જમાલીએ ‘હરિજન’ શબ્દ બોલવા બદલ માફી માંગી
હંગરીના રોમા સમાજનો સંઘર્ષ
હંગરીમાં રોમા સમાજ સૌથી મોટો લઘુમતી સમાજ છે, જેની સામાજિક સ્થિતિ ભારતના દલિતોને મળતી આવે છે. સદીઓથી આ સમુદાય યુરોપમાં તિરસ્કાર, ગરીબી અને શિક્ષણના અભાવનો સામનો કરી રહ્યો છે. હંગરીના સામાજિક માળખામાં રોમા બાળકોને ઘણીવાર માનસિક રીતે નબળા ગણાવીને મુખ્યધારાની શાળાઓમાંથી અલગ કરી દેવામાં આવે છે, જે સીધી રીતે ભારતીય અસ્પૃશ્યતા જેવો જ વ્યવહાર છે. આ સામાજિક અલગતાવાદ અને અન્યાય સામે લડવા માટે રોમા એક્ટિવિસ્ટોએ ડૉ. આંબેડકરના જીવન સંઘર્ષને પોતાનો આદર્શ બનાવ્યો છે. બંને સમાજો વચ્ચેની આ સમાનતાએ જ તેમને એકતાના તાંતણે બાંધ્યા છે.
‘જય ભીમ નેટવર્કે’ જીવન બદલી નાખ્યું
આ વૈશ્વિક જોડાણની શરૂઆત 1990ના દાયકાના અંતમાં થઈ હતી. હંગરીના રોમા એક્ટિવિસ્ટ જૈનોસ ઓરસોસ અને સમાજશાસ્ત્રી તિબોર ડેરડેકે જ્યારે ડૉ. આંબેડકરનું જીવનચરિત્ર વાંચ્યું, ત્યારે તેમને પોતાના સમાજના દુઃખનો ઉકેલ તેમાં દેખાયો. વર્ષ 2005માં તેઓ ભારત આવ્યા અને મહારાષ્ટ્રમાં દલિતોના ઉત્થાનની પ્રક્રિયાનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે જોયું કે કેવી રીતે ડૉ.આંબેડકરના વિચારોથી દબાયેલો વર્ગ ઊંચા હોદ્દાઓ પર પહોંચી રહ્યો છે. ભારતથી પરત ફરીને વર્ષ 2007માં તેમણે હંગરીમાં ‘જય ભીમ નેટવર્ક’ની સ્થાપના કરી અને ડૉ. આંબેડકરના બૌદ્ધ ધમ્મનો સ્વીકાર કર્યો. તેમણે બાબાસાહેબના પુસ્તકો અને ભાષણોનું હંગેરિયન ભાષામાં અનુવાદ કરાવીને લોકમાનસ સુધી પહોંચાડ્યા.
આ પણ વાંચો: UNESCO માં ડૉ. આંબેડકરની પ્રતિમા લાગી, મનુવાદીઓને લપડાક!

શિક્ષણનું નવું સરનામું: ડૉ. આંબેડકર હાઈસ્કૂલ
મિસ્કોલ્ક શહેરમાં સ્થાપિત ‘ડૉ. આંબેડકર હાઈસ્કૂલ’ આજે રોમા બાળકો માટે આશાનું કિરણ બની છે. આ શાળા એવા બાળકોને બીજો મોકો આપે છે જેમને મુખ્યધારાની શાળાઓએ નકારી દીધા હોય. શાળાની દિવાલો પર ડૉ. આંબેડકરના પ્રેરક અવતરણો અંકિત છે અને પરિસરમાં તેમની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે. અહીં બાળકો સવારની શરૂઆત ‘ગૉન્ગ’ વગાડીને કરે છે અને “શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત રહો”ના મંત્રને જીવનમાં ઉતારે છે. રોમા સમાજ માટે ડૉ. આંબેડકરનું જીવન એક ચમત્કાર સમાન પ્રેરણા આપે છે કે જે વ્યક્તિને બાળપણમાં શાળામાં પ્રવેશ નહોતો મળ્યો, તે વિશ્વનો શ્રેષ્ઠ વિદ્વાન બની શકે છે.
વૈશ્વિક શૈક્ષણિક સ્તરે ડૉ. આંબેડકરનું કદ સતત વધી રહ્યું છે
બાબાસાહેબનું કદ વૈશ્વિક શૈક્ષણિક જગતમાં પણ સર્વોચ્ચ છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીએ તેની સ્થાપનાના 250 વર્ષ પૂર્ણ થવા પર જાહેર કરેલી 100 મહાન વિદ્વાનોની યાદીમાં ડૉ. આંબેડકરને પ્રથમ ક્રમે રાખ્યા હતા. આ સન્માન તેમને બરાક ઓબામા જેવી હસ્તીઓ કરતા પણ ઉપર એક ક્રાંતિકારી આધુનિક વિચારક તરીકે આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે ઓક્સફર્ડ યુનિવર્સિટીના સર્વેમાં પણ છેલ્લા 10,000 વર્ષના ઈતિહાસમાં માનવ સમાજની વિચારધારા બદલનારા ટોચના મહાનુભાવોમાં તેમનો સમાવેશ કરાયો છે. લંડન મ્યુઝિયમમાં કાર્લ માર્ક્સની પ્રતિમા પાસે તેમનું સ્થાન હોવું એ બાબાસાહેબના વૈશ્વિક પ્રભાવની સાક્ષી પૂરે છે.
આ પણ વાંચો: દક્ષિણ કોરિયામાં દૂતાવાસ ખાતે ડૉ.આંબેડકરની જન્મજયંતી ઉજવાઈ
દુનિયાભરમાં મહાનાયક ડો.આંબેડકરનો દબદબો
અમેરિકાના મેરીલેન્ડમાં ડૉ. આંબેડકરની 19 ફૂટની પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ જસ્ટિસ’ નામ આપવામાં આવ્યું છે, જે સંદેશ આપે છે કે તેઓ માત્ર ભારતના દલિતોના નેતા નથી પરંતુ વૈશ્વિક ન્યાયના પ્રતીક છે. વધુમાં, ડૉ. આંબેડકર એક અજોડ અર્થશાસ્ત્રી પણ હતા. ભારતીય રિઝર્વ બેંક (RBI)ની સ્થાપના તેમના આર્થિક વિચારો અને ‘ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી’ પુસ્તકના પાયા પર કરવામાં આવી છે.
હંગરીના રોમા લોકો એમ પણ માને છે કે તેમના પૂર્વજો 1000 વર્ષ પહેલા ભારતમાંથી સ્થળાંતર કરીને યુરોપ ગયા હતા, જેના કારણે ડૉ. આંબેડકર સાથે તેમનું ભાવનાત્મક જોડાણ વધુ મજબૂત બન્યું છે. આજે હંગરીમાં જન્મેલું આ આંદોલન આખા યુરોપના વંચિતો માટે આત્મસન્માનની નવી લહેર સાબિત થઈ રહ્યું છે.
આ પણ વાંચો: તમે ભારતના વૉટરમેન ‘ડૉ.આંબેડકર’ને ઓળખો છો?











