જાતિવાદ એક એવું ઝેર છે, જેનો ડંખ જેને પણ લાગે તે આજીવન તેને ભૂલી શકતો નથી. આવી જ ઘટનામાં એક દલિત યુવકે જાતિગત અપમાન સહન ન થતા પોતાને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે. અહીંના મુઝફ્ફરનગર જિલ્લાના ખતૌલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગંગધારી ગામમાં શુક્રવાર, 17 એપ્રિલના રોજ 22 વર્ષીય દલિત યુવક હિમાંશુ કૌરે જાતિગત અપમાન અને હુમલાથી વ્યથિત થઈને ગામની વચ્ચે જ પેટ્રોલ છાંટીને પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. આ ભયાનક ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ વાયરલ થતા સમગ્ર રાજ્યમાં રોષની લાગણી ફેલાઈ છે.

મામલો શું હતો?
કારણ પ્રાપ્ત વિગતો અનુસાર, હિમાંશુ કૌર સ્થાનિક ખેડૂત ગૌરવ ઉર્ફે ટીંકુના ખેતરમાં મજૂરી કામ કરતો હતો. શુક્રવારે ગૌરવે હિમાંશુને ફૂલોથી ભરેલી લારી લોડ કરવા માટે આદેશ આપ્યો હતો. જોકે, હિમાંશુએ કોઈ કારણસર આ કામ કરવાની ના પાડી ત્યારે મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા ગૌરવે હિમાંશુને જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા.
આ પણ વાંચો: દલિત કિશોરીને યુવકે ખેતરમાં દોડાવી ગળું કાપી હત્યા કરી
આરોપ છે કે મારપીટ દરમિયાન ગૌરવે હિમાંશુની જ્ઞાતિ પ્રત્યે અત્યંત અશોભનીય અને અપમાનજનક નિવેદનો કર્યા હતા. જાહેરમાં થયેલા આ શારીરિક અને માનસિક આઘાતે હિમાંશુને અંદરથી હચમચાવી દીધો હતો. હિમાંશુના ભાઈ બિટ્ટુએ મીડિયાને જણાવ્યું હતું કે, ગૌરવ દ્વારા કરવામાં આવેલા જ્ઞાતિસૂચક અપમાનને હિમાંશુ સહન કરી શક્યો નહોતો અને તેને ગંભીર આઘાત લાગ્યો હતો.
CCTVમાં કેદ થઈ આત્મઘાતી ઘટના
પોતાના આત્મસન્માનને ઠેસ પહોંચતા હિમાંશુએ તે જ રાત્રે અંદાજે 9 વાગ્યે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં જોઈ શકાતું હતું કે હિમાંશુ રસ્તા પર ઉભો રહીને પોતાના પર પેટ્રોલ છાંટે છે અને ક્ષણભરમાં જ પોતાની જાતને આગ ચાંપી દે છે. જોતજોતામાં તે આગના ગોળામાં ફેરવાઈ જાય છે. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ તુરંત જ માનવતા દાખવી ગ્રામજનો તેને બચાવવા દોડ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો હતો.

આ પણ વાંચો: દલિત સગીરાએ છેડતીથી કંટાળી ડીઝલ છાંટી આત્મદહન કર્યું
પીડિત યુવક 50 સુધી દાઝી ગયો
હિમાંશુને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત નાજુક જણાતા ડોક્ટરોએ વધુ સારવાર માટે તેને દિલ્હીની સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રિફર કર્યો હતો. સીનિયર સુપરિન્ટેન્ડેન્ટ સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે યુવક આશરે 30 થી 50 ટકા જેટલો દાઝી ગયો છે. જોકે, હાલ તેની હાલત સ્થિર છે અને તે નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ છે.
પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
ઘટનાની ગંભીરતાને જોતા ખતૌલી પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી હતી. શનિવાર, 18 એપ્રિલના રોજ પોલીસે આરોપી ખેડૂત ગૌરવ ઉર્ફે ટીંકુની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને SC/ST એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળ પરથી નમૂના લીધા છે અને આસપાસના સાક્ષીઓના નિવેદન પણ નોંધ્યા છે. એસએસપી વર્માએ ખાતરી આપી છે કે આ મામલે કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં અને પીડિત યુવકને યોગ્ય ન્યાય અપાવવામાં આવશે.
આ પણ વાંચો: મંદબુદ્ધિ દલિત યુવકને ટોળાએ ઘઉં ચોરીના આરોપમાં ઝાડ સાથે બાંધીને માર્યો












