સુરતમાં ગરબાના એક કાર્યક્રમમાં આયોજકોએ મુસ્લિમ ઢોલવાદકોને બોલાવ્યા હોવાની જાણ થતા બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ બબાલ કરી હોવાની ઘટના સામે આવી છે. બજરંગ દળ- VHP ના કાર્યકરો ગરબામાં પહોંચી ગયા હતા અને બબાલ કરી કાર્યક્રમ એક કલાક સુધી બંધ રખાવ્યો હતો. આ અસામાજિક તત્વોએ ગરબામાં ઢોલવાદક તરીકે આવેલા 3 મુસ્લિમ કલાકારો સામે વાંધો ઉઠાવી તેમને તગેડી મૂકવા આયોજકોને ધમકી આપી હતી. બીકના કારણે આયોજકોએ મજબૂર થઈને બજરંગ દળ- VHP ની માફી માંગવી પડી હતી અને આવતા વર્ષે મુસ્લિમ કલાકારોને નહીં બોલાવે તેની ખાતરી આપી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ ઘટના બની ત્યારે પોલીસ ત્યાં હાજર હતી, તેમ છતાં તેમણે બજરંગ દળ- VHP ના કાર્યકરો સામ કોઈ કાર્યવાહી કરી નહોતી.
સુરતના વેસુ વિસ્તારની ઘટના
આ ઘટના સોમવારે રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં બની હતી. ધવલ મુંજાણી અને પ્રિન્સ પટેલે ખુલ્લા પાર્ટી પ્લોટમાં ગોલ્ડન નવરાત્રી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના ત્રણ ઢોલવાદકો ઢોલ વગાડી રહ્યા હતા. જેની જાણ બજરંગ દળ અને VHPના કાર્યકરોનું ટોળું ગરબા સ્થળે પહોંચી ગયું હતું અને આયોજકોને ધમકાવીને મુસ્લિમ ઢોલવાદકોને કાઢી મૂકવા ધમકી આપી હતી. પરિસ્થિતિ વધુ વણસી જતાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી.

વીએચપી અને બજરંગ દળના કાર્યકરો દાદાગીરી કરતા ગરબામાં ઘૂસી આવ્યા હતા અને ચાલુ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ચઢીને મુસ્લિમ ઢોલવાદકોની હાજરી અંગે આયોજકોને ધમકાવીને તેમને કાઢી મૂકવા કહ્યું હતું. આખરે આયોજકોએ માફી માંગી અને ખાતરી આપી કે આવતા વર્ષથી તેઓ મુસ્લિમ ઢોલવાદકોને આવા કાર્યક્રમોમાં આમંત્રણ નહીં આપે. એ પછી ગરબા ફરી શરૂ થયા હતા.
આ પણ વાંચો: RSS ના ચામૂ કૃષ્ણ શાસ્ત્રીની લાયકાત કેમ છુપાવાઈ રહી છે?

મુસ્લિમ ઢોલવાદકોએ પણ માફી માંગવી પડી
આખા મામલામાં મુસ્લિમ ઢોલવાદકોનો કોઈ વાંક-ગુનો ન હોવા છતાં તેમણે પણ બજરંગ દળ-વીએચપીના કાર્યકરોની માફી માંગવી પડી હતી. એટલું જ નહીં, તેમણે ખાતરી આપવી પડી કે તેઓ આવતા વર્ષથી ગરબાના કાર્યક્રમમાં ઢોલ વગાડવા નહીં આવે. ઢોલવાદકોની આ માફીનો વીડિયો બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ તેમના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કર્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.
આયોજકોએ શું કહ્યું?
ગરબાના આયોજકો પૈકીના એક ધવલ મુંજાણીએ જણાવ્યું હતું કે, “અમે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છીએ. અમે સુરતમાં આખા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. મુંબઈના એક મ્યુઝિકલ બેન્ડ સાથે અમારો વાર્ષિક કરાર છે. કેટલાક કલાકારો મુસ્લિમ છે અને કેટલાક હિન્દુ છે. અમે છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રી કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. આ કલાકારો છેલ્લા બે વર્ષથી આ કાર્યક્રમો માટે સુરત આવી રહ્યા છે. જોકે, બજરંગ દળ-વીએચપીના કાર્યકરોએ ડ્રમવાદકોની હાજરી સામે વાંધો ઉઠાવ્યા બાદ અમે માફી માંગી અને ખાતરી આપી કે આવતા વર્ષથી અમે કોઈ પણ મુસ્લિમ કલાકારોને સુરતમાં કોઈપણ નવરાત્રી કાર્યક્રમમાં લાવીશું નહીં.”
સુરત પોલીસ કમિશનરે શું કહ્યું?
સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે કહ્યું કે, જ્યારે બજરંગ દળ-વીએચપીના કાર્યકરો નવરાત્રી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા ત્યારે પોલીસ ટીમ હાજર હતી. બજરંગ દળ-વીએચપીના કાર્યકરો અને કાર્યક્રમ આયોજકો વચ્ચે શાંતિપૂર્ણ વાતચીત થઈ હતી, ત્યારબાદ મામલો ઉકેલાઈ ગયો હતો અને ગરબા શરૂ કરાયા હતા. કોઈ સાથે દુર્વ્યવહાર કે હુમલો થયો નથી. આ મામલે અમને કોઈ ફરિયાદ મળી નથી. તેમણે વધુમાં કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે સુરતમાં નવરાત્રીના કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે યોજાય. કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થવી જોઈએ. અમે ફરજ પરના પોલીસ કર્મચારીઓને સૂચના આપી છે કે તેઓ ચાલી રહેલા નવરાત્રી કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા માંગતા બદમાશો પર નજર રાખે.”
આ પણ વાંચો: બંધારણમાંથી ‘સમાજવાદી-ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરાય તો શું થાય?
બજરંગ દળનું નિવેદન
આ દરમિયાન, બજરંગ દળના દક્ષિણ ગુજરાતના પ્રાંત પ્રચારક નિલેશ અકબરીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે સુરતમાં ગોલ્ડન નવરાત્રી કાર્યક્રમ દરમિયાન લગભગ 10 કલાકારોએ પ્રસ્તુતિ કરી હતી. અમે તેમને કાર્યક્રમ ચાલુ રાખવા દીધો હતો, કારણ કે તે તેમની પહેલી ભૂલ હતી. આ વર્ષે પણ અમને માહિતી મળી હતી કે કાર્યક્રમના આયોજકો મુંબઈથી મુસ્લિમ ઢોલવાદકોને લાવ્યા છે અને તેઓ કાર્યક્રમમાં પ્રદર્શન કરી રહ્યા છે. અમે ત્યાં ગયા અને પોલીસ અધિકારીઓની હાજરીમાં, કાર્યક્રમના આયોજકોએ માફી માંગી અને અમને ખાતરી આપી કે આવતા વર્ષે આવું નહીં થાય.
વિધર્મી મુક્ત ગરબા મહોત્સવ
મા જગદંબાની ઉપાસનાનાં પવિત્ર ઉત્સવની પવિત્રતા જળવાય તે માટે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળનું અભિયાન,
ગુજરાતનાં વિવિધ ગરબા મહોત્સવનાં સ્થળો ઉપર વિધર્મી યુવકોના પ્રવેશને અટકાવી હિંદુ બહેન-દિકરીઓને “લવ જેહાદ” નામનાં ષડયંત્રથી બચાવતા વિશ્વ હિંદુ પરિષદ… pic.twitter.com/NCCmIQDzPz
— Sudarshan ગુજરાત (@SudarshanNewsGJ) September 23, 2025
બજરંગ દળ-વીએચપીને આવી ઓથોરિટી કોણે આપી?
આ આખી ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે, બજરંગ દળ અને વીએચપીને કોઈ જાહેર કે ખાનગી કાર્યક્રમમાં ઘૂસી જઈને દાદાગીરી કરી કાર્યક્રમ અટકાવવાની ઓથોરિટી કોણે આપી? પોલીસ ત્યા હાજર હતી તેમ છતાં તેમણે આ મામલે આવા અસામાજિક તત્વોને તેમ કરતા અટકાવ્યા કેમ નહીં? આયોજકોને કોને બોલાવવા કોને નહીં તે તેમણે નક્કી કરવાનું છે, એમાં બજરંગ દળ-વીએચપી કેવી રીતે દાદાગીરી કરી શકે? તે કોણ છે ક્યા કલાકારોને બોલાવવા, ન બોલાવવા તે નક્કી કરનાર? આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી, જે સાબિત કરે છે કે, તેમને રાજકીય ઓથ મળેલી છે અને પોલીસ પણ તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાથી ડરી રહી છે.
આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?










