રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા ખેતલાબાપા મંદિરના મહંત 52 સાપ સાથે ઝડપાયા છે. જાણકારોના મતે મહંત પોતે સાપ પકડવાના જાણકાર છે અને ખેતલાબાપા મંદિરે ભક્તોને આકર્ષવા માટે આ રીતે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શનનો ભંગ કરીને સાપ રાખતા હતા. આ બાબતની વન વિભાગને જાણકારી મળતા વન વિભાગની ટીમ મંદિરે તપાસ માટે પહોંચ્યી હતી. જ્યાં રેતીમાંથી એક પછી એક 52 સાપ મળી આવ્યા હતા.
ત્યારબાદ મંદિરના મહંતની વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુનો નોંધી અટકાયત કરી નિવેદન નોંધી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. હાલ સાપને જંગલ વિસ્તારમાં છોડવા કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વન વિભાગની પ્રાથમિક તપાસમાં મહંત પોતે સ્નેક હેન્ડલર એટલે કે સાપના જાણકાર હોવાનું અને ધાર્મિક આસ્થા સાથે મંદિરમાં સાપ રાખતા હોવાનું સામે આવ્યું છે, જોકે કોઈ તસ્કરી કે ચીટિંગ થતી નહોતી, પરંતુ આમ છતાં અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી લોકોને પણ આ બાબતે અપીલ કરી વાઈલ્ડલાઈફને ઘર કે મંદિરમાં ન રાખવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: દલિતોને ઠાકોરજીના દર્શન કરવા હતા, સવર્ણોએ કહ્યું, ‘દલિતોને નો એન્ટ્રી’
ડીસીએફે શું કહ્યું?
રાજકોટ જિલ્લા વન વિભાગના DCF યુવરાજસિંહ ઝાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમને જાણકારી મળી હતી કે રાજકોટના ગ્રીનલેન્ડ ચોક નજીક ખેતલાબાપા મંદિર ખાતે કોમન સેન્ડબુઆ, જે રસલ સેન્ડબુઆના નામે પણ ઓળખાય છે, એવા 50થી વધુ સાપ રાખવામાં આવ્યા હતા, જેથી સ્થળ પર પહોંચી તપાસ કરતાં ત્યાંથી 52 જેટલા સાપ મળ્યા હતા. આ સાપ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શિડ્યૂલ 2માં સંરક્ષિત છે. કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી રાજકોટ રેન્જ દ્વારા ગુનો નોંધાવામાં આવ્યો છે અને મંદિરના મહંત મનુભાઈ દૂધરેજિયા સામે કાયદાકીય કાર્યવાહી કરી તેમનું નિવેદન નોંધી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

મંદિરના મહંતને જામીન પર મુક્ત કરાયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મનુભાઈ દૂધરેજિયાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ખેતલાબાપા મંદિર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું છે. અહીં આ સાપ આવતાં એને મંદિરમાં જ રાખવામાં આવતા હતા. આ ઉપરાંત મંદિરના મહંત દ્વારા તસ્કરી કે કોઈ ચીટિંગ કરવામાં આવતી ન હોવાનું પણ વન વિભાગની તપાસમાં સામે આવ્યું છે. આ તપાસમાં અન્ય કોઈ લોકોની સંડોવણી ખૂલશે તો તેમની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. હાલ મહંતને જામીનમુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ આગળ જરૂર જણાયે તપાસમાં પૂછપરછ માટે બોલાવવામાં પણ આવી શકશે. હાલ આ તમામ 52 સાપને જંગલ વિસ્તારમાં છોડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: પાલીતાણામાં મંદિરે બેઠેલા 3 દલિતોને ચાર શખ્સોએ દોડાવીને માર્યા
વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ શું છે?
તેમણે આગળ જણાવ્યું હતું કે, વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ શિડ્યૂલ 1માં જે પ્રાણીઓ સંરક્ષિત છે એને રાખવા સામે ગુનો નોંધાય તો એમાં 7 વર્ષ સુધી જેલની સજા અને બિનજામીન લાયક ગુનો છે અને એક લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે. વન્ય સંરક્ષણ ધારા હેઠળ કોઈ ઓન વાઈલ્ડલાઈફને રાખવું એ પણ ગુનો છે. લોકો જાણકારીના અભાવના કારણે સાપ અથવા કાચબા જેવાં વાઈલ્ડલાઈફ ઘરમાં મંદિરમાં રાખતા હોય છે, પરંતુ એને રાખવા ન જોઈએ. આ ગુનો છે માટે લોકોને પણ અપીલ છે કે સાપ, કાચબા કે અન્ય જે વન્ય સંરક્ષણ વાઇલ્ડલાઈફ છે એને રાખવા ન જોઈએ. વન વિભાગને માહિતી મળશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.
ખેતલાબાપાના ભક્તોને આકર્ષવા કાયદાનો ભંગ કરાયો?
ઉલ્લેખનીય છે કે, આ મંદિરના મહંત મનુભાઈ દૂધરેજિયા વર્ષોથી મંદિરમાં પૂજા કરે છે. વર્ષ 2006માં આ મંદિર ખાતે ખેતલાબાપાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી અહીં કોમન સેન્ડબુઆ સાપ રાખવામાં આવ્યા છે. મહંતનું કહેવું છે કે, ખેતલાબાપા તેમના કુળદેવતા છે. મંદિર નીચે તેમનું સિંહાસન બનાવવામાં આવ્યું છે. મંદિરની નીચે સાપનો રાફડો હોવાની માન્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંદિરને જાણીતું બનાવવા માટે મહંત દ્વારા સાપોને ગેરકાયદે રીતે રાખવામાં આવ્યા હતા. ગોગા બાપાને માનતા માલધારી સમાજના લોકો સાપને દેવ માનીને પૂજે છે. તેમની આ ધાર્મિક આસ્થાને એનકેશ કરવા માટે મહંત દ્વારા આ રીતે સાપને મંદિરમાં રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પૂજારી અને સંતો વચ્ચે મારામારી!











