ગુજરાતમાં સરકારી શિક્ષણની ઘોર ખોદવામાં ભાજપના નેતાની ખાનગી સ્કૂલોનો બહુ મોટો રોલ રહ્યો છે. દરેક મોટા શહેરમાં ભાજપના નેતાઓ ખાનગી શાળાઓ ખોલીને બેસી ગયા છે. આ શાળાઓ નિયમોનો ઉલાળિયો કરવામાં પાવરધી હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઘણું બધું સહન કરવાનું આવે છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. જ્યાં ભાજપના એક નેતાની સ્કૂલમાં સંચાલકોની બેદરકારીને કારણે એક વિદ્યાર્થીનું પ્રવાસ દરમિયાન ડૂબી જવાથી મોત થઈ ગયું હતું.
સ્કૂલના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનું મોત
રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 150થી વધુ વિદ્યાર્થી અને 14 શિક્ષકોને 3 બસમાં સોમનાથ-સાસણ ગીરના પ્રવાસે લઈ જવાયા હતાં. આ પ્રવાસ દરમિયાન બપોરના સાસણના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા ધોરણ 8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી દુઃખદ નિધન થયું હતું. આ દુર્ઘટનામાં પ્રવાસમાં હાજર શિક્ષકો અને ભાજપ આગેવાન એવા સ્કૂલ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવે છે. શિક્ષકોએ ધ્યાન ન આપ્યું અને વિદ્યાર્થીઓ સ્વિમિંગ પૂલમાં નહાવા પડ્યા અને તેમાંથી એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચો: શેરડીના ખેતરમાંથી દલિત શખ્સનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
સ્કૂલની માન્યતા રદ કરવાની માંગ ઉઠી
ચોંકાવનારી વાત એ છે કે, ભાજપના જ નેતાએ તેમની જ સરકારે બનાવેલા નિયમોનો ઉલાળિયો કરીને આ પ્રવાસ યોજ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જારી કરેલા નિયમો પ્રમાણે સ્કૂલ સંચાલક દ્વારા પોલીસ પાસે બંદોબસ્ત માંગવાને બદલે માત્ર જાણ કરવામાં આવી હતી. આ સાથે જ આરટીઓ કચેરીમાં પણ વાહનની ફિટનેસ ચેક કરાવવામાં ન આવી નહોતી. આ મામલે હવે કોંગ્રેસે સ્કૂલની માન્યતા રદ કરવાની સાથે વિદ્યાર્થીના પરિવારજનોને રૂ.50 લાખની આર્થિક સહાય આપવાની માગ કરી છે.
ઈન્ચાર્જ ડીઈઓએ શું કહ્યું?
આ બાબતે રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યુ કે, 24 ઓક્ટોબર, 2024નો ગુજરાત શિક્ષણ વિભાગનો ઠરાવ છે, જેમાં કોઇપણ સ્કૂલ જ્યારે પ્રવાસમાં જાય ત્યારે એ સ્કૂલે કચેરી ખાતે જાણ કરવાની હોય છે. નવયુગ સ્કૂલ દ્વારા 11 ડિસેમ્બરના રોજ પ્રવાસ અંગેની ફાઈલ જમા કરાવવામાં આવેલી છે. જેમાં નોંધ્યા મુજબ 145 વિદ્યાર્થી અને 14 શિક્ષકો સાથેનો પ્રવાસ હતો.
આ પણ વાંચો: મેવાણીએ કહ્યું, ‘દારૂ-જુગારમાંથી કમાતા હોય તેના પટ્ટા ઉતરશે જ!’

તેમાં સૌપ્રથમ સોમનાથ અને ત્યાર પછી દેવડીયા પાર્ક પ્રવાસ જવાનો હતો. એક દિવસનો પ્રવાસ હતો, પરંતુ જ્યારે સંચાલક સાથે પ્રાથમિક વાતચીત કરી ત્યારે તેમના જણાવ્યા મુજબ તેઓ જમવા માટે સાસણ ખાતેના રિસોર્ટમાં રોકાયા હતા. જ્યાં નહાવા માટેનું કોઈ આયોજન ન હતું, તેમ છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સ્વિમિંગ પુલમાં નહાવા માટે પડ્યા હતા અને તેમાં એક વિદ્યાર્થીનું ડૂબી જવાથી અવસાન થયુ છે. આ બાબતે હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું.
ત્રણ સભ્યોની સમિતિ મામલાની તપાસ કરશે
ઈન્ચાર્જ ડીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી ટીમ તપાસ માટે મોકલી દેવામાં આવી છે. ત્રણ સભ્યોની આ ટીમ વિદ્યાર્થીઓને શિક્ષકોના નિવેદન લેશે. તપાસના અંતે કોની બેદરકારી હતી તે નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ બાબતમાં પોલીસ કેસ નોંધાયો છે, ત્યારે પોલીસ પણ તપાસ કરી રહી છે અને અમારી ટીમ પણ તપાસ કરી રહી છે. શિક્ષણ ખાતાના કોઈ નિયમનું ઉલ્લંઘન થયું હશે તો સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ગૌહત્યા માટે 3ને આજીવન કેદ
વધુમાં તેમણે કહ્યું કે, શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ પોલીસને જાણ કરી બંદોબસ્ત માગવાનો હોય છે. જોકે પોલીસને માત્ર જાણ કરવામાં આવી હશે તો એ બાબતે સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ દુખદ ઘટના બની છે, ત્યારે શિક્ષણ વિભાગનો ઠરાવ ફરી એક વખત તમામ સ્કૂલોને મોકલવામાં આવશે. પ્રવાસમાં જતી વખતે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવશે.
સ્કૂલ સંચાલકે શું કહ્યું?
આ ઘટનાને લઈને નવયુગ સ્કૂલના સંચાલક જયદીપ જલુએ જણાવ્યું કે, શહેરના હાથીખાના મેઇન રોડ ઉપર શેરી નંબર 9માં આવેલી નવયુગ સ્કૂલના ધોરણ 5થી 12ના 155 જેટલા વિદ્યાર્થીઓનો એક દિવસનો પ્રવાસ યોજાયો હતો. જેમાં ગઈકાલે શુક્રવારે સૌ પ્રથમ સોમનાથ દાદાના દર્શન માટે ગયા હતા, જે બાદ સાસણમાં આવેલા રિસોર્ટમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં તમામ વિદ્યાર્થીઓને 14 જેટલા શિક્ષકો ભોજન કરી રહ્યા હતા, ત્યારે તેમાંથી બેથી ત્રણ વિદ્યાર્થીઓ શિક્ષકોની નજર ચૂકવી સ્વિમિંગ પૂલમાં નહાવા માટે ગયા હતા, જેમાંથી એક વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું મૃત્યુ નીપજ્યું.
કૉંગ્રેસે સ્કૂલની માન્યતા રદ કરવા માંગ કરી
આ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે માગ કરી છે કે, ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે જિલ્લામાં તમામ સ્કૂલોને કડક સૂચનાઓ આપવામાં આવે. રજૂઆતના અંતમાં વિદ્યાર્થી નેતાએ જિલ્લા શિક્ષણ અધિકારીને ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, આ બાબતે કડક કાર્યવાહી કરવામા નહીં આવે તો આગામી દિવસોમા ગાંધી ચીંધ્યા માર્ગે ભોગ બનનાર બાળકના પરિવારને સાથે રાખીને આંદોલન કરવામા આવશે.
આ પણ વાંચો: “હું હવે ખ્રિસ્તી છું, જય શ્રી રામ નહીં બોલું..” કહેતા આદિવાસીને ફટકાર્યો












