રાજકોટના સરધારમાં સ્વામીનારાયણ સંપ્રદાયના પતિત પાવન સ્વામી સામે ગામના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા ડો.આંબેડકરની પ્રતિમા તોડીને ફેંકી દેવાયા મુદ્દે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને લઈને સમગ્ર રાજકોટ પંથકમાં ચકચાર મચી ગઈ છે. સરધાર ગામે આવેલી બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતીમા તોડી પડાતા બહુજન સમાજમાં ભારે તંગદિલી ફેલાઈ છે અને મોટી સંખ્યામાં લોકોના ટોળાં સરધાર ઉમટી પડ્યાં છે.
ડૉ.આંબેડકરની પ્રતિમા તોડી દાટી દીધાંની શંકા
છ વર્ષ પહેલાં અનાવરણ થયેલ ડૉ.આંબેડકરની પ્રતિમા અચાનક જ તોડીને ખાડામાં દાટી દેવાતા એસસી સમાજમાં રોષ ભભૂકયો ઉઠ્યો છે. આ ઘટનામાં સરધાર સ્વામિનારાયણ મંદિરના પતિત પાવન સ્વામી સામે શંકાની સોય તકાઈ છે. આ ઘટના બાદ સ્વામિનારાયણ મંદિર તરફથી ફરી પ્રતિમા પુન:સ્થાપિત કરવાની બાંહેધરી અપાઈ હતી. પરંતુ બહુજન સમાજના આગેવાનો આરોપીની ઓળખ સાથે ધરપકડ ન થાય ત્યાં સુધી ધરણાં પર બેસી ગયાં હતાં. હાલ આજી ડેમ પોલીસે સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી પતિત પાવન સ્વામી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: શું મોદી Dr. Ambedkar કરતા મોટા છે? : AAP
સમગ્ર ઘટના શું છે?
રાજકોટના સરધાર ગામે રામાણી હોસ્પિટલની સામે રહેતા હમીરભાઇ દાનાભાઈ પરમાર (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી પતિત પાવન સ્વામીનું નામ લખાવ્યું છે. ફરીયાદી હમીરભાઈ જણાવ્યું છે કે, સરધાર ગામના જીવાભાઈ દેહાભાઈ મકવાણાને વર્ષ 1957 માં સરકાર દ્વારા સરધાર ગામના સર્વે નં. 194 ની આશરે 04 એકર જમીન ફુલ ઝાડ માટે 30 વર્ષના ભાડાપટ્ટે આપેલ હતી.
તે જમીનમાં તા.27/10/2019 માં સમાજના લોકો દ્વારા આર.સી.સી.નો ઓટો કરી તેના પર ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાનું અનાવરણ કરવામાં આવેલ હતું. ત્યારથી સમાજના લોકો આ જગ્યાએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર ફુલહાર અને અન્ય સામાજિક પ્રવૃત્તિ કરતા આવ્યા છે. ગઈકાલે બપોરના સવા ત્રણ વાગ્યાની આસપાસ ફરીયાદી રાજકોટથી પરત ફરતાં હતાં. તે વખતે ગામના ભરતભાઈ મકવાણાનો ફોન આવેલ કે, હું અને અન્ય લોકો સરધાર ગામ ખાતે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા ગયા હતા, પરંતુ તે જગ્યાએ ડો.આંબેડકરની પ્રતીમા જોવા મળતી નથી. એ પછી તેમણે તરત જ સરધાર આવેલ અને ગામના પોતાના સમાજના યુવાનોને આ બનાવ બાબતે જાણ કરી હતી.
આ પણ વાંચો: ગર્વની ઘડીઃ ન્યૂયોર્કમાં માર્ગને Dr. Ambedkar નું નામ અપાયું

ફરીયાદી અને તેમના સમાજના આશરે 20 લોકો ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાં હતી તે જગ્યાએ ગયેલ અને ત્યા સમાજના ચારેય લોકો હાજર હતા અને જોયેલ તો પ્રતીમા જે જગ્યાએ હતી તેની ફરતે કાપડ વડે આડશ કરી હતી અને અંદર જઈને જોતા ત્યાં ડો. આંબેડકરની પ્રતિમા જોવા મળી નહોતી. જેથી સરધાર ગામ અને રાજકોટની આજુબાજુના ગામના સમાજના આગેવાનોને ફોન કરી બનાવની જાણ કરેલ હતી.
ડો.આંબેડકરની પ્રતિમા સાથે ઓટો પણ તોડી નાખ્યો
આગેવાનોએ તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે, જે જગ્યાએ સ્ટેચ્યૂ હતું ત્યાં આર.સી.સી.નો ઓટો પણ તોફાની તત્વોએ તોડી નાખ્યો હતો અને ત્યાં કોઈ અવશેષો જોવા મળ્યા નહોતા. પરંતુ ત્યાં જેસીબી મશીનના તાજા લીસોટા જોવા મળ્યા હતા અને સ્ટેચ્યૂની જગ્યાથી થોડે દૂર જ એક ખાડો કે જેમાં સ્ટેચ્યૂની બાજુમાં રહેલ પતરાં હતાં તે ધૂળથી દાટેલા જોવા મળ્યા હતા. તેથી આગેવાનોને શંકા છે કે, ધૂળથી જે ખાડો પુરી દેવામાં આવ્યો છે, તેમાં જ ડો.આંબેડકરની પ્રતિમા દાટી દેવાઈ છે અને પ્રતિમા માટેનો ઓટો પણ તોડીને આ ખાડામાં નાખીને ઉપર ધૂળ નાખી દેવાઈ છે.
પતિત પાવન સ્વામી સામે અનેક આક્ષેપો થયા
અગાઉ તા.19 ડિસેમ્બર 2025ના રોજ રાતના 10.30 વાગ્યે સરધાર ખાતે ડો.આંબેડકર ભવન ખાતે બહુજન સમાજની મીટિંગ હતી. એ દરમિયાન સ્વામીનારાયણ સંપ્રદાયના પતિત પાવન સ્વામી અને અન્ય બે લોકો ત્યાં આવ્યા હતા. એ દરમિયાન બહુજન સમાજે પતિત પાવન સ્વામીને ડો.આંબેડકરની પ્રતિમાને આ જગ્યાએથી ન હટાવવા રજૂઆત કરી હતી. જેને પતિત પાવન સ્વામીએ માન્ય રાખી હતી. તેમણે બહુજન આગેવાનોને ખાતરી આપી હતી કે, હાલ જે જગ્યાએ ડૉ.આંબેડકરની પ્રતીમા છે, તેને હટાવીશું નહીં અને પ્રતીમાને ફુલહાર પણ કરીશું. તેમણે આ જગ્યાએ હોસ્પિટલ બનાવી બાજુમાં સરદાર પટેલની પ્રતિમા રાખવાની પણ ખાતરી આપી હતી.
આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?
સ્વામી બોલ્યા પછી અચાનક ફરી ગયા હોવાની ચર્ચા
એ વખતે બહુજન સમાજે રજૂઆત કરી હતી કે, પ્રતિમા સુધી જવા-આવવાનો કોઈ રસ્તો નથી, તેથી ફુલહાર કરવા જવામાં સમસ્યા નડે છે. આથી પતિત પાવન સ્વામીએ ખાતરી આપી કહ્યું હતું કે, તમારા સમાજના લોકો માટે મંદિરના દરવાજા 24 કલાક ખૂલ્લા છે અને ત્યાંથી તમને પ્રતીમાને ફુલહાર કરવા આવવા જવા દઈશું.
એ વખત સુધી ડો.આંબેડકરની પ્રતિમા સહીસલામત હતી. પરંતુ ખાત્રી આપી હોવા છતાં પતીત પાવન સ્વામી દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાને તથા આરસીસીના ઓટાને કોઈ મશીનથી જાણીજોઈને તોડી પાડી પ્રતિમાને કોઈ અન્ય જગ્યાએ લઈ જઈને નુકસાન કર્યું હોય તેવી શંકા હોવાથી તેમની સામે એટ્રોસિટી એક્ટ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: UNESCO માં ડૉ. આંબેડકરની પ્રતિમા લાગી, મનુવાદીઓને લપડાક!










