ભિલોડામાં આદિવાસી વિદ્યાર્થીને માર મારનાર ભાજપ નેતાની ધરપકડ

Tribal News: ભિલોડામાં આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર મારનાર આર.જી. બારોટ કૉલેજના ટ્રસ્ટી અને ભાજપ નેતા દેવાંગ બારોટની ધરપકડ.
Tribal News

Tribal News: અરવલ્લીના ભિલોડાની આર.જી. બારોટ કોલેજના ટ્રસ્ટી અને ભાજપના સ્થાનિક નેતા દેવાંગ બારોટની આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર મારવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ભાજપ નેતાએ આદિવાસી વિદ્યાર્થીને જાતિસૂચક અપશબ્દો પણ કહ્યા હોવાથી તેની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના નેતાએ આદિવાસી વિદ્યાર્થીને માર માર્યો હોવાના વિરોધમાં છેલ્લાં બે દિવસથી અરવલ્લી જિલ્લામાં શામળાજી, ભિલોડા સહિતના વિસ્તારોમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. મામલો ગરમાતા વાસી ઉત્તરાયણના દિવસે જ પોલીસે આરોપી દેવાંગ બારોટને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

દેવાંગ બારોટે નજીવી બાબતે આદિવાસી વિદ્યાર્થીને માર માર્યો

ભિલોડાની આર.જી. બારોટ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીને 9મી જાન્યુઆરીના રોજ કોલેજની બસના ડ્રાઇવર સાથે પાણી માગવા બદલ બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ ટ્રસ્ટી અને ભિલોડા ભાજપ તાલુકા યુવા મોરચાના મહામંત્રી દેવાંગ બારોટે આદિવાસી વિદ્યાર્થીને લાકડી વડે ઢોર માર મારી ગાલ પર લાફા મારી જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કર્યું હતું. મારથી ઘવાયેલા વિદ્યાર્થીને માથામાં દુ:ખાવો ઉપડતા હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો.

આ પણ વાંચો: બજરંગ દળના ગુંડાઓએ બર્થ ડે પાર્ટીમાં ઘૂસી મુસ્લિમ યુવકોને ફટકાર્યા!

ભાજપ નેતા સામે આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો

બાદમાં વિદ્યાર્થીની માતાએ ટ્રસ્ટી દેવાંગ બારોટ સામે 10મી જાન્યુઆરીએ ભિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી ટ્રસ્ટી ફરાર થઈ ગયો હતો. આ મામલો રાજકીય રંગ પકડતા દેવાંગ બારોટને પોલીસે પકડી પાડવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરવા સબજેલમાં મોકલી દેવા આદેશ કરાયો છે. આ ઘટનાને પગલે આદિવાસી ડુંગરી ગરાસીયા જનરલ પંચ અને સમસ્ત સમાજ દ્વારા આવેદનપત્ર આપીને કાર્યવાહીની માગ કરી હતી.

આદિવાસી સમાજનો ઉગ્ર વિરોધ અને સજ્જડ બંધ

આ ઘટનાના વીડિયો અને સમાચાર વહેતા થતા જ આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અગ્રણી રાજેન્દ્ર પારઘીની આગેવાનીમાં રેલી કાઢી તંત્રને આવેદનપત્ર અપાયું હતું. એટલું જ નહીં, દેવાંગ બારોટની રાજકીય વગ સામે આક્રોશ વ્યક્ત કરતા ભિલોડા અને શામળાજી તાલુકામાં ‘બંધ’ નું એલાન અપાયું હતું, જેને પગલે બંને તાલુકાઓ સજ્જડ બંધ રહ્યા હતા. સમાજનો આક્ષેપ હતો કે રાજકીય દબાણ હેઠળ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી વહેલી રજા અપાવી દેવાઈ હતી.

આ પણ વાંચો: ડૉ.આંબેડકર અને ગાંધીજી પણ જેમની સલાહ લેતા એ કોણ?

પોલીસ અધિકારીએ શું કહ્યું?

મામલો બિચકતા જોઈ અરવલ્લી એસ.પી. મનોહરસિંહ જાડેજાએ એલસીબી અને એસઓજી સહિતની ટીમો બનાવી ભૂગર્ભમાં ઉતરેલા દેવાંગ બારોટને દબોચી લીધો હતો. ભિલોડા પોલીસે મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે રિમાન્ડ ના-મંજૂર કરતા દબંગ ટ્રસ્ટીની વાસી ઉત્તરાયણ જેલમાં વીતી હતી.

ભાજપની આદિવાસી વિરોધી છબી ઉજાગર થઈ

ભિલોડા યુવા ભાજપના મહામંત્રી પદ પર હોવા છતાં દેવાંગ બારોટે આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર મારી જાતિસૂચક અપશબ્દો કહેતા, ભાજપની આદિવાસી વિરોધી છબિ પણ ઉજાગર થઈ છે. ભાજપના નેતાની આ પ્રકારની દાદાગીરીથી પક્ષ શરમજનક સ્થિતિમાં મુકાયો છે. સૂત્રોના મતે, કોલેજ કેમ્પસમાં ભાજપના કાર્યક્રમો થતા હોવાથી દેવાંગ બારોટનો રોફ વધી ગયો હતો. જોવાનું એ રહેશે કે, આદિવાસીઓના હામી હોવાની વાત કરતો ભાજપ તેના જ કાર્યકરની આદિવાસી વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શું પગલા લે છે.

આ પણ વાંચો: મેરિટમાં આગળ હોય તો જનરલની નોકરીમાં પણ SC-ST-OBCનો હક

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x