બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં ડાયરા કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. આજે જયરાજ આહીરને નિવેદન નોંધવા માટે બપોરે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યો હતો. જ્યાં SIT દ્વારા સતત બે કલાક સુધી જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી રહી છે.
SIT દ્વારા જયરાજની મેરેથોન પૂછપરછ કરાઈ
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ પણ આ કેસમાં જયરાજ આહીરને સમન્સ પાઠવતા SIT સમક્ષ હાજર થયો હતો. બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસ મામલે SIT દ્વારા જયરાજ આહીરની સાડા ત્રણ કલાક લાંબી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે SIT સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, SIT દ્વારા મને જે પણ સવાલ કરાયા છે તેના મેં જવાબ આપ્યા છે. આ કેસ સંબંધિત ભવિષ્યમાં પણ જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે હું જવાબ આપવા હાજર રહીશ.

આ પણ વાંચો: ZOHO ના ફાઉન્ડર શ્રીધર વેમ્બુના રૂ.14,000 કરોડમાં છુટાછેડા!
ન્યાય નહીં મળે તો સમાજનું સંમેલન બોલાવીશુઃ નવનીત બાલધિયા
નવનીત બાલધિયાએ હુમલા કેસને લઈ SITને 15 પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. SITની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ દાવો કર્યો હતો કે, તેમના દ્વારા એસઆઈટી ટીમને 15 પુરાવા આપ્યા છે. જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે. સાથે વધુ એકવાર દાવો કર્યો હતો તે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે. બાલધિયાએ કહ્યું હતું કે સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે આ હુમલા પાછલ જયરાજ આહીરનો હાથ છે. જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન બોલાવીશું.

અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરાઈ
આ કેસમાં અત્યાર સુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી. એ SIT ટીમની તપાસમાં પ્રથમ કાનભાઈ ભીખાભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ વધુ 2 આરોપી ઝડપાયા છે, જેમાં ઉત્તમ ભરતભાઇ બાંભણીયા રતનપર નવાગામનો રહેવાસી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા રહે. બગદાણા રહેવાસીને ઝડપી પાડ્યા છે. આ બનાવમાં ધરપકડનો આંક કુલ 13એ પહોંચ્યો છે.
આ પણ વાંચો: જૂનાગઢના ચોકી ગામે દલિતોએ સામૂહિક હિજરતની ચીમકી ઉચ્ચારી











