ગુજરાતમાં હાલ SIR ની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે વધુ એક બૂથ લેવલ ઓફિસરે આપઘાત કરી લીધો છે. મળતી માહિતી મુજબ દાહોદના લીમખેડાના દુધિયાધરા ગામમાં આદિવાસી સમાજમાંથી આવતા એક શિક્ષકે પોતાના ઘરમાં આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. SIRની કામગીરીને કારણે વધુ પડતું દબાણ અને માનસિક તણાવને કારણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
શિક્ષક સતત કામના ભારણને કારણે તણાવમાં રહેતા હતા
દુધિયાધરાના 56 વર્ષીય ફુલાભાઇ ડામોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને BLOની કામગીરીની જવાબદારી તેમણે સોપવામાં આવી હતી. BLOની કામગીરીને કારણે તેઓ માનસિક દબાણમાં રહેતા હોવાનું અને માનસિક સંતુલન પણ જળવાતું ના હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. BLOની કામગીરીને કારણે ફુલાભાઇ ડામોર સતત કામના ભારણ અને તણાવમાં રહેતા હતા.

આ પણ વાંચો: પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ SIR મતદાર યાદીમાં કપાયું!
ઓનલાઈન કામગીરીની ફાવટ ન હોવાથી ચિંતિત હતા
પરીવારજનોએ આક્ષેપ કર્યો છે કે BLOની કામગીરીના ભારણ વચ્ચે ખૂબ માનસિક દબાણમાં રહેતા હતા અને તેના કારણે તેમનું માનસિક સંતુલન પણ જળવાતું નહોતું. કામગીરીના ભારણને કારણે તેઓએ જીવન ટૂંકાવ્યું છે. દુધીયાધરા પ્રાથમિક શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, BLOની કામગીરી તેમના શિરે હતી અને તેમને ઓનલાઇન કામગીરીની ઓછી ફાવટ હતી જેના કારણે તેઓ પ્રેશરમાં હતા. તે અવાર નવાર કહેતા હતા કે BLOની કામગીરી પૂર્ણ થાય તો હું મુક્ત થાઉં.

ચૂંટણીલક્ષી કામગીરીના ભારણને કારણે વધુ એક BLOએ જીવ ગુમાવતા ચકચાર મચી ગઇ છે. આ બનાવને પગલે લીમખેડા પોલીસે અકસ્માત અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આદિવાસી પરિવારે તેનો આધાર ગુમાવ્યો છે.
આ પણ વાંચો: SIRમાં ગેરબંધારણીય શબ્દ દૂર કરવા કચ્છ મેઘવાળ સમાજ મેદાનમાં










