અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં SIRની પ્રક્રિયાને લઈને મોટી ઘટના સામે આવી છે. અહીં મોટાભાગની વસ્તી અનુસૂચિત જાતિ અને મુસ્લિમ સમાજની છે. ત્યારે અહીં નામ કમી કરવા માટે ભરવામાં આવતા ફોર્મ 7 ને લઈને 17 હજાર વાંધા અરજીઓ કલેક્ટર કચેરીમાં કરવામાં આવી છે. અરજદારોએ એફિડેવિટ કરાવી તેમની પાસેથી ખોટી રીતે આ ફોર્મ ભરાવ્યા હોવાનું કહ્યું છે. હવે ફોર્મ કોણે અને કેવી રીતે ભર્યા તેવા તેને લઈને સવાલો ઉભા થયા છે.
આખો મામલો કેવી રીતે સામે આવ્યો?
મળતી માહિતી મુજબ, ગોમતીપુરના નૂરભાઈ ધોબીની ચાલીના રહેવાસી મોહમ્મદ આરીફે મીડિયાને જણાવ્યું હતું કે, ગોમતીપુરના આમ્રપાલી સિનેમા પાસે એક ભાજપ કાર્યકરે તેમની પાસે આવી ફોર્મ-7 માંથી કમી થયેલા નામો પાછા ઉમેરી શકાય છે તેમ કહીને તેના માટે સહી કરવી પડશે તેમ જણાવ્યું હતું. તેમણે તેમના નામે 330 ફોર્મ પર સહી કરી હતી.

ત્યારબાદ બે દિવસ પહેલા, ધોબીની ચાલીના એક BLOએ તેમને ફોન કરીને પૂછ્યું કે, શું તેમણે નામો દૂર કરવા માટે 330 ફોર્મ ભર્યા છે. મોહમ્મદ આરીફે જવાબ આપ્યો કે, તેમણે તેમને તે નામો પાછા ઉમેરવા કહ્યું છે, દૂર કરવા નહીં. ત્યારબાદ, મોહમ્મદ આરીફને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તેઓ સ્થાનિક નેતાઓને મળ્યા હતા. તેમણે એક સોગંદનામું કર્યું અને કલેક્ટરને આપ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ બિલકુલ ઇચ્છતા નથી કે SIR માંથી કોઈનું નામ કમી થાય.
આ પણ વાંચો: કોડીનારમાં SIR ની કામગીરીથી કંટાળી શિક્ષકે ગળેફાંસો ખાઈ લીધો

આ ભાજપ વિરોધી મતોને ખતમ કરવાનું કાવતરું છેઃ સોનલ પટેલ
આ ઘટનાએ રાજકીય રંગ પકડ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનલ પટેલે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ દ્વારા લઘુમતી, દલિત અને આદિવાસી લોકો, ખાસ કરીને ભાજપ વિરોધી મતદારોને દૂર કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. તેવી જ રીતે, નિકોલ વિધાનસભા મતવિસ્તારમાં કેટલાક લોકો પાસેથી સહીઓ એકત્રિત કરવામાં આવી હતી અને 300થી વધુ ફોર્મ પર વિવિધ વ્યક્તિઓ દ્વારા સહી કરવામાં આવી હતી. જ્યારે આ લોકોને ખબર પડી કે, તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે અને નામો દૂર કરવા માટે સહીઓ લેવામાં આવી રહી છે ત્યારે તેઓએ કોંગ્રેસ સમિતિના નેતાઓનો સંપર્ક કર્યો. આ પછી, અમે સોગંદનામા મેળવ્યા અને ARO પાસે ગયા. ફોર્મ પર સહી કરનારા લોકોએ પણ માફી માંગી. અમે આ બાબતે કલેક્ટર સાથે પણ વાત કરી છે.’
17 હજાર મતદારોના નામ કમી કરવા ફોર્મ-7 કોણ ભરી ગયું?
સોશિયલ એક્ટિવિસ્ટ અહેસાન શેખે કહ્યું, ‘અમે આજે એક ગંભીર મુદ્દા માટે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ કારણ કે, અમદાવાદના નિકોલ વિધાનસભા મતવિસ્તારમાં આશરે 17,000 ફોર્મ-7 ભરાયા છે. આ ફોર્મ નામો દૂર કરવા માટે ભરાયા છે અને તેમાના મોટાભાગના નામો દલિત અને મુસ્લિમ સમાજના છે. જેનાથી એટલો ખ્યાલ આવે છે કે, આખો મામલો દલિતો તથા લઘુમતી સમાજના મતદારોના મતદારયાદીમાં દૂર કરવાનું એક મોટું ષડયંત્ર છે.
અભણ લોકો પર ખાલી ફોર્મમાં સહીઓ કરાવી લેવાઈ?
અહેસાન શેખે વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે આ વાંધા અરજીઓ(ફોર્મ-7) BLO પાસે પહોંચી અને જ્યારે તેમણે વાંધો ઉઠાવનારાઓને ફોન કરીને સવાલ કર્યો કે શું તેમણે પોતાના નામો મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ફોર્મ ભર્યું છે? તો તેમાંથી મોટાભાગના લોકોએ કહ્યું કે તેમને આ બાબતની કોઈ જાણકારી નથી. તેમણે આ ફોર્મ ભર્યું નથી, અને સહી તેમની નથી. વધુ તપાસ કર્યા પછી, અમને જાણવા મળ્યું કે કેટલાક લોકોને આ ફોર્મ ભરવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને સહીઓ ખાલી ફોર્મ પર મેળવવામાં આવી હતી. આવી 10 જેટલી વ્યક્તિઓએ અમારો સંપર્ક કર્યો છે. પોતાની ભૂલ સ્વીકારીને આ વ્યક્તિઓએ સોગંદનામા દાખલ કર્યા છે અને રિટર્ન માફી પણ દાખલ કરી છે. તેમણે માંગ કરી છે કે આ બધા ફોર્મ રદ કરવામાં આવે અને અમને તેમાંથી કોઈ સામે કોઈ વાંધો નથી.”
આ પણ વાંચો: કુકી સ્ત્રી સાથે લગ્ન કરનાર મેઈતેઈ પુરુષની જાહેર રસ્તા પર હત્યા
ભાજપના ઈશારે કામ કરતા લોકોએ આ કામ કર્યું છેઃ ઈકબાલ શેખ
ગોમતીપુરના કાઉન્સિલર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, નિકોલના ગોમતીપુર વોર્ડમાં અંદાજિત 17000 વાંધા અરજી લોકો દ્વારા કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થતા BLO પાસે વાંધા અરજી કરનારની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, ભાજપના ઈશારે કામ કરી રહેલા કેટલાક લોકો દ્વારા ગોમતીપુર વોર્ડના લોકોને તેમના નામો રહી ગયા હોય અથવા તો તેમને BLA2 બનાવ્યા છે તેવી વાતો કરીને ભોળવીને તેમની પાસે ફોર્મ નંબર 7 ઉપર સહીઓ કરાવી દીધી હતી. આ રીતે આશરે 17,000 જેટલા વાંધા અરજીફોર્મ ARO પાસે આવી હતી.
મામલો નહીં ઉકેલાય તો આંદોલન કરીશુંઃ ઈકબાલ શેખ
મામલો કૉંગ્રેસના નેતાઓ સુધી પહોંચતા તેમણે સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરતા અરજદારો પાસે ખોટી રીતે ફોર્મ પર સહી કરાવી તેમના મતદાનના અધિકારને ખતમ કરવાનું કાવતરું ઘડાયું હોવાનો પર્દાફાશ થયો હતો. આ બાબતે અમદાવાદ શહેર કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આખી આ પ્રોસેસ જે સદંતર જૂઠી અને ગુનાહિત છે તે ફોર્મ 7 અંગેની તાત્કાલિક બંધ કરવામાં આવે. જો કલેકટર દ્વારા તટસ્થ પણે તપાસ કરી ગુનેગારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે લોકોના મતાધિકાર માટે આંદોલન કરીશું.
આ પણ વાંચો: SIRમાં ગેરબંધારણીય શબ્દ દૂર કરવા કચ્છ મેઘવાળ સમાજ મેદાનમાં
લોકોના મતાધિકાર છીનવનારા સામે ફરિયાદ કરવા માંગ
કૉંગ્રેસના કોર્પોરેટર ઝુલ્ફીકાર પઠાણે જણાવ્યું હતું કે, ‘આ મામલાની જાણ થતા અમે એફિડેવિટ કરાવીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અમે જે લોકો દ્વારા આ રીતે નાગરિકોના મતદાન અધિકારો છીનવી લેવામાં આવી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જે ઇસમો દ્વારા ગેરબંધારણીય રીતે નાગરિકોના મતના અધિકારને ખતમ કરવા બાબતે સત્તાધારી પક્ષના ઇશારે કરેલ કામગીરીમાં તટસ્થ તપાસ કરી ખોટી રીતે સહી કરનાર તમામ ઈસમો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી માંગ કરી છે.
કલેકટર ઓફિસ દ્વારા આ અંગે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.” જો કે, આ ઘટના દલિતો, મુસ્લિમોના મતદાનના અધિકારો પર કોઈના ચોક્કસ લોકોના ફાયદા માટે તરાપ મારવામાં આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો: પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ SIR મતદાર યાદીમાં કપાયું!










