માંગરોળ: જૂનાગઢના ગિરનારની તળેટીમાં કંડારાયેલા સમ્રાટ અશોકના શિલાલેખોનો ગૌરવશાળી ઇતિહાસ હવે સામાન્ય નાગરિકો પણ વાંચી અને સમજી શકશે. માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની તેજસ્વી દીકરી આરાધના જાદવ દ્વારા સંશોધિત અને લિખિત પુસ્તક “ધમ્મલિપિ પરિચય”નો વિમોચન સમારોહ ગઈકાલે માંગરોળ મુકામે ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમ ગોવિંદબાપા ચાવડા (બાપુજી)ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં અનેક બૌદ્ધ સાહિત્યકારો અને ઇતિહાસપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બે વર્ષની સખત મહેનત અને સંશોધનનું ફળ
2282 વર્ષ પહેલાં જે લિપિ ભારતની સત્તાવાર લિપિ હતી, તે કાળક્રમે ગુમનામીમાં ધકેલાઈ ગઈ હતી. ઢેલાણા ગામની દીકરી આરાધના જાદવે બે વર્ષની સખત મહેનત અને ઘરે બેઠા અભ્યાસ કરીને પાલી ભાષા અને ધમ્મલિપિ પર પ્રભુત્વ મેળવ્યું છે. આજે આરાધના આ પ્રાચીન લિપિ કડકડાટ બોલી અને લખી શકે છે. આ પુસ્તકમાં ધમ્મલિપિના મૂળાક્ષરો, સ્વર-વ્યંજન, માત્રા, જોડાક્ષરો અને સંખ્યાઓ વિશે સચોટ માહિતી આપવામાં આવી છે, જે ઇતિહાસના જિજ્ઞાસુઓ માટે માર્ગદર્શિકા સાબિત થશે.

આ પણ વાંચો: બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવા બૌદ્ધ પ્રતિનિધિઓ 5 મંત્રીઓને મળ્યાં
કવિ નિલેશ કાથડે સૌરાષ્ટ્રની બૌદ્ધ વિરાસત પર પ્રકાશ પાડ્યો
વિમોચન પ્રસંગે ઉપસ્થિત વિખ્યાત કવિ, સંશોધક અને ઈતિહાસકાર નિલેશ કાથડે જણાવ્યું હતું કે, “સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન ભારત ‘જંબુદ્વિપ’ અને સૌરાષ્ટ્ર ‘સુરઠ’ તરીકે ઓળખાતું હતું. તે સમયે ગિરિનગર (જૂનાગઢ) સૌરાષ્ટ્રનું પાટનગર હતું. જેમ્સ પ્રિન્સેપ જેવા વિદ્વાનોએ જે લિપિ ઉકેલી હતી, તે લિપિને આજે આરાધનાએ સરળ બનાવીને જનતા સમક્ષ મૂકી છે. જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ, બૌદ્ધ સુદર્શન તળાવ, ઉપરકોટની ગુફાઓ, ખાપરા કોડિયાની ગુફાઓ અને બોરિયા સ્તૂપ જેવી અનેક બૌદ્ધ ધરોહરો આપણી સંસ્કૃતિની ઓળખ છે.”

નિલેશ કાથડે વધુમાં જણાવ્યું હતું કે, “દેવનાપ્રિય ચક્રવર્તી સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન ભારતમાં સુવર્ણકાળ શરૂ થયો હતો. મૌર્યકાળનાં ઉદયથી ભારતની ઐતિહાસિક ઓળખ પ્રસ્થાપિત થતી જોવા મળે છે. તે સમયે સૌરાષ્ટ્ર અશોકના આધિપત્ય હેઠળ હતું. ગિરિનગર સૌરાષ્ટ્રનું પાટનગર હતું. ગીરનારનું એક નામ રૈવતાચલ પર્વત હતું. ગિરનાર તરફ જતા માર્ગના વિશાળ ખડકમાં અશોકે પાલી ભાષામાં શિલાલેખ કોતરાવ્યો હતો. જેને આપણે સૌ ‘અશોકના શિલાલેખ’ તરીકે ઓળખીએ છીએ.
આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?
આ શિલાલેખને સૌ પ્રથમ જેમ્સ બર્જેસ નામના અંગ્રેજ લેખકે પ્રથમ જોયો હતો.. અને જેમ્સ પ્રિંસેપ નામના અંગ્રેજે તેની ભાષા ઉકેલી હતી. આ શિલાલેખમાં અશોકે 14 નીતિલેખો/ધમ્મ લેખો પાલી ભાષામાં કોતરાવ્યા હતા. ત્યારબાદ ધીરે ધીરે કર્મકાંડીઓએ એવા શાસ્ત્રોનુ નિર્માણ કર્યુ કે, માણસાઈને છિન્નભિન્ન કરી સમાજને ઊંચનીચમાં વહેંચી દીધો. સાથે સાથે આ વિશ્વ ધરોહરને ગૂમનામીમાં ધકેલી દીધી હતી. પણ સત્ય હજારો વર્ષ પછી પણ કૂંપળની જેમ ફૂટી નીકળે છે. આરાધના જાદવે એ કૂંપળનું કામ કર્યું છે.
માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની નાનકડી દીકરી આરાધના જાદવે બે વરસની સખત મહેનત પછી ઘરે બેઠાં બેઠાં પાલીભાષા શીખી છે. આજે આરાધના કડકડાટ બોલે છે અને લખે પણ છે. આ પુસ્તકમાં ધમ્મલિપિના મૂળાક્ષર, સ્વર, વ્યંજન, વ્યંજનનું વર્ગીકરણ, માત્રા, જોડાક્ષર, શબ્દ, સંખ્યા, વગેરેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદના રાણીપમાં 43 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી દીકરીની મહેનતને બિરદાવી
કાર્યક્રમમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જૂનાગઢના હેમજલી નદીના કાંઠે આવેલો 150 ફૂટ ઊંચો બોરિયા સ્તૂપ આજે પણ આપણી ભવ્યતાની સાક્ષી પૂરે છે. જે રીતે પ્રાચીન સમયમાં કર્મકાંડોએ માનવતાને વહેંચીને આ ઇતિહાસને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, તેની સામે આ પુસ્તક સત્યનો ઉજાસ ફેલાવશે. આરાધનાના આ ભગીરથ કાર્યને બિરદાવવા માટે દેવેનભાઈ બૌદ્ધ, રાજનભાઈ જાદવ અને કાન્તિભાઈ ગોહેલ સહિતના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી.
આરાધનાને બૌદ્ધ આગેવાનોએ શુભેચ્છા પાઠવી
સમારોહમાં વનરાજભાઈ ચક્રવર્તી, લોકકવિ સામંત બૌદ્ધ, કવિ નરેન્દ્ર વેગડા અને શાયર પ્રદીપ સાદિયા જેવા મહાનુભાવોએ આરાધનાની પ્રતિભાને બિરદાવી હતી. આ પુસ્તક આવનારી પેઢીને પોતાના મૂળ અને ગૌરવશાળી બૌદ્ધ વિરાસત સાથે જોડશે. વિમોચન સમારોહના અંતે આરાધનાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને પુસ્તકના પ્રસાર માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવશીભાઈ કાથડ, મુકેશભાઈ ગોહેલ અને અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. આ પુસ્તક હવે ઇતિહાસ પ્રેમીઓ માટે જૂનાગઢના શિલાલેખો વાંચવાની ચાવી બનશે.
આ પણ વાંચો: બુદ્ધના અસ્થિ અવશેષોને CM એ ગાર્ડ ઓફ ઓનર આપી શ્રીલંકા મોકલ્યા














ખૂબ ખૂબ અભિનંદન દીકરીને અને તેમના માતા પિતા ને.
સાથે સાથે આ ઘટના વિશે ખબર અંતર માં વિગતવાર અહેવાલ આપવા બદલ ખબર અંતર ના તંત્રી ને પણ ખૂબ ખૂબ અભિનંદન